તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ:અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં ICU બેડ 45 ટકા સુધી ભરાઈ ગયા, મણિનગરના 30 વર્ષના યુવકનું કોરોનાથી મૃત્યુ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ફેબ્રુઆરીમાં લગભગ 96 ટકા સુધી બેડ ખાલી હતા

છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થતાં ખાનગી હોસ્પિટલોમાં બેડ ભરાવા લાગ્યા છે. જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં એક તબક્કે ખાનગી હોસ્પિટલોમાં 96 ટકા સુધી બેડ ખાલી હતા. જો કે, માર્ચના પ્રારંભથી જ સ્થિતિ વણસતાં હાલ 45 ટકા જેટલા બેડ ભરાઈ ગયા છે. વેન્ટિલેટર સાથેના આઈસીયુ બેડ 42 ટકા જ્યારે વેન્ટિલેટર વગરના આઈસીયુ બેડ 45 ટકા ભરાઈ ગયા છે. એ જ રીતે આઈસોલેશન વોર્ડના બેડ પણ 41 ટકા ભરાઈ ગયા છે.

ખાનગી હોસ્પિટલોમાં ખાલી બેડની સ્થિતિ

બેડનો પ્રકારકુલ બેડભરેલાખાલી બેડ
આઈસોલેશન1160477(41%)683 (59%)
એચડીયુ1097555 (51%)542 (49%)
વેન્ટિલેટર વગરના ICU407184 (45%)223 (55%)
વેન્ટિલેટર સાથે ICU22294 (42%)128 (58%)
કુલ28861310 (45%)1576 (55%)

મણિનગરના 30 વર્ષના યુવકનું કોરોનાથી મૃત્યુ
મણિનગરમાં રહેતો 30 વર્ષનો યુવક કોરોનાથી મૃત્યુ પામ્યો છે. 30 વર્ષીય રિશિત ભાવસાર અને તેની માતાનો રિપોર્ટ ગયા શનિવારે પોઝિટિવ આવ્યો હતો. રિશિતની તબિયત વધારે ખરાબ થતા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જેનું બુધવારે મોત નીપજ્યું હતું.

બે દિવસ ઘરે હોમક્વોરન્ટાઈન રહ્યા બાદ રિશિતની તબિયત વધારે ખરાબ થવા લાગી હતી. તેથી તેને રવિવારે એસવીપીમાં દાખલ કરાયો હતો. છેલ્લે શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતા યુવકને વેન્ટિલેટર પર મૂકવો પડ્યો હતો. તેના ફેફસાં કામ કરવાના બંધ થઈ ગયાં હતાં. મંગળવારે રાત્રે હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને રિશિતની હાલત વધુ ગંભીર હોવાનું જણાવ્યું હતું. યુવકના ઘરમાં તે એક માત્ર કમાનાર હતો. રિશિતના ઘરમાં હવે ત્રણ વર્ષની દીકરી, પત્ની અને વૃદ્ધ માતા છે. જેમને હવે કોઈનો સહારો રહ્યો નથી.

ખાનગી હોસ્પિટલોમાં પહેલાંની જેમ કોરોનાની સારવાર ફ્રીમાં આપવા PIL
કોરોનાના વધતા જતા કેસ વચ્ચે સરકારે ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર બંધ કરી દેતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. જમાલપુરના પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાએ રજૂઆત કરી છે કે, સરકારે માત્ર એસવીપી, સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ રાખી છે. ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારના મનફાવે તેમ ચાર્જ વસૂલવામાં આવે છે. લોકોના ધંધા-રોજગારોને માઠી અસર પહોંચી છે તો મધ્યમવર્ગ અને ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પરવડે તેમ નથી. સરકારે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મફત પૂરી પાડવી જોઇએ.

અરજીમાં કહેવાયું છે કે, દરેક નાગરિકને સારી અને મફત સારવાર આપવાની સરકારની નૈતિક અને બંધારણીય ફરજ છે. સરકાર તેની ફરજમાંથી છટકી શકે નહીં. કોર્પોરેશને દરેકને ખાનગી હોસ્પિટલોમાં મફત અને યોગ્ય સારવાર મળે તે માટે વ્યવસ્થા કરવી પડે. સરકાર ખોનગી હોસ્પિટલોને પરોક્ષ રીતે ગેરકાયદે મેડિકલ પ્રેક્ટિસ કરવાનું મેદાન પૂરું પાડી રહી છે.

મધ્યમવર્ગને અસર
લૉકડાઉન અને કર્ફયૂને લીધે લોકોના ધંધા- રોજગારને માઠી અસર થઇ છે. ખાનગી હોસ્પિટલોની કોરોનાની સારવારનો ખર્ચ મધ્યમ વર્ગને પોષાય તેવો નથી. ખાનગી હોસ્પિટલોને ફરીથી કોરોનાની સારવાર માટે ડેઝિગ્નેટેડ બનાવવાની તાતી જરૂરિયાત છે.

કન્ટેઈનમેન્ટમાં આવતાં વિસ્તારોમાં પશ્ચિમના સૌથી વધુ
માર્ચના પ્રારંભથી કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો આવતાં કન્ટેઈનમેન્ટમાં મુકાતા વિસ્તારોની સંખ્યા પણ સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવતાં શહેરના કુલ વિસ્તારોમાંથી મોટાભાગના પશ્ચિમ અમદાવાદના છે. શુક્રવારે માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવેલા 26માંથી 20 વિસ્તાર પશ્ચિમ અમદાવાદના હતા. કોર્પોરેશનના હેલ્થ વિભાગે શનિવારથી કન્ટેઈનમેન્ટમાં આવતાં વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવાનું નક્કી કર્યું છે. શંકાસ્પદ લક્ષણ ધરાવતી વ્યક્તિઓના સેમ્પલ લઈ કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવશે.

કોરોનાની રસી માટે આજે 222 સ્થળે ખાસ ડ્રાઈવ યોજાશે
​​​​​​​શનિવારે 27 માર્ચે કોર્પોરેશન 222 જગ્યાએ કોરોના રસી માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજશે. જેમાં 64 ખાનગી હોસ્પિટલ, 11 સરકારી હોસ્પિટલ, 8 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, 68 અર્બન હેલ્થ સેન્ટર, 65 શાળાઓ અને 6 કોમ્યુનિટી હોલનો સમાવેશ થાય છે. કોરોનાની રસી માટે આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. દરમિયાન હાલ એએમટીએસ - બીઆરટીએસ બંધ છે ત્યારે વૃદ્ધો રસી લેવા માટે નિયત સ્થળે કઇ રીતે જઇ શકે? તેમજ અનેક વૃદ્ધોને રસીકરણ કેન્દ્ર સુધી લઇ જનાર પણ કોઇ નથી તે સંજોગોમાં તંત્રએ વૃદ્ધો સુધી પહોંચવું જોઇએ અને મોટી સોસાયટીઓમાં ઘરે જઇને રસી આપવી જોઈએ તેવી રજૂઆત કોંગ્રેસના જોહર વોરાએ મ્યુનિ. કમિશનર સહિત અન્યો સમક્ષ કરી છે. તેમણે એવી રજૂઆત કરી છેકે, આ કામગીરી માટે સામાજિક - ધાર્મિક અગ્રણીઓને પણ જોડીને મહત્તમ રસીકરણ કરાવવું જોઇએ. ગુરુવારે શહેરમાં વધુ 25 હજાર લોકોએ રસી મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો