રિસર્ચને લીલીઝંડી:ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંશોધન કરીને બનાવવામાં આવેલી આયુર્વેદિક ઇમ્યુરાઇઝ દવાને ICMRની મંજૂરી મળી

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • લાઇફ સાયન્સ વિભાગના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ સાથે મળીને આયુર્વેદિક દવા ઇમ્યુરાઇઝ તૈયાર કરી
  • આ દવાનો કોરોનાની પ્રથમ લહેર દરમિયાન 2500 લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો હતો
  • આયુર્વેદિક ઇમ્યુરાઇઝ દવા ટૂંક સમયમાં બજારમાં લોકોને નજીવી કિંમતે મળશે

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે અત્યારે વેક્સિનેશન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. બીજી તરફ, કોરોનાની દવા માટે પણ અનેક સંસ્થાઓ કામ કરી કરે છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંશોધન કરીને બનાવવામાં આવેલી આયુર્વેદિક ઇમ્યુરાઇઝ દવાને ICMRએ મંજૂરી આપી છે. આ દવાને ટૂંક સમયમાં બજારમાં લોકોને મળી રહે એ રીતે નજીવી કિંમતે મૂકવામાં આવશે.

2500 જેટલા લોકો પર સંમતિ સાથે દવાનું પરીક્ષણ કરાયું
કોરોનાની પ્રથમ લહેર દરમિયાન સમરસ હોસ્પિટલમાં ક્વોરન્ટીન દર્દીઓ,પોલીસ, ડોકટર, પેરા મેડિકલ સ્ટાફના 2500 જેટલા લોકો પર સંમતિ સાથે દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમય જતાં દવામાં સુધારા-વધારા કરવામાં આવ્યા હતા અને આયુર્વેદિક દવા ઇમ્યુરાઇઝ તૈયાર કરવામાં આવી છે, જેનું યોગ્ય પરીક્ષણ કર્યા બાદ એના ઉપયોગ માટે ICMR તરફથી પણ લીલી ઝંડી આપવામાં આવી છે. ICMR દ્વારા મંજૂરી મળતાં હવે દવા બજારમાં મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી દવા.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી દવા.

લાઈફ સાયન્સ વિભાગના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ દવા બનાવી
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે પ્રથમ લહેર દરમિયાન જ લાઈફ સાયન્સ વિભાગ દ્વારા દવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું હતું. પ્રથમ લહેરની સાથે દવા માટે તૈયારી કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે. લાઈફ સાયન્સ વિભાગના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ સાથે મળીને આયુર્વેદિક દવા ઇમ્યુરાઇઝ તૈયાર કરી છે, જેને ICMRની મંજૂરી મળી છે.

હવે દવાને બજારમાં મૂકવાની તૈયારી કરવામાં આવી.
હવે દવાને બજારમાં મૂકવાની તૈયારી કરવામાં આવી.

કુદરતી સંશોધન કરીને દવા બનાવવામાં આવી
કોરોના સમયે પોલીસ, ડોકટર, મેડિકલ સ્ટાફ અને ધન્વંતરિ હોસ્પિટલના સ્ટાફ સહિત અનેક લોકો પર દવાનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો હતો. ક્લિનિકલ ટ્રાયલ અને ડેટા પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કુદરતી સંશોધન કરીને દવા બનાવવામાં આવી છે. હ્યુમન એથિકલ અને બાયોલોજિકલ એથિકલ કમિટીમાં દવાનું સ્ક્રીનિંગ કરીને આગળની પ્રકિયા કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યા.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યા.

દવા આયુર્વેદિક હોવાને કારણે કોઈ આડઅસર નથી
આ દવા સામાન્ય દવાની જેમ જ હશે, એને કોરોના સંક્રમિત વ્યક્તિએ દિવસમાં 3 વાર લેવાની રહેશે. દવાને કારણે વ્યક્તિની ઇમ્યુનિટી વધશે. આયુર્વેદિક દવા હોવાને કારણે કોઈ આડઅસર પણ નથી. દવા પરની બાકીની પ્રકિયા ટૂંક જ સમયમાં પૂર્ણ કરવાની આવશે અને એ બજારમાં સરળતાથી મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવશે. લોકોને આ દવા ખૂબ નજીવી કિંમતે મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...