હાર્દિક પટેલનો હુંકાર:હું તો ચૂંટણી લડીશ જ, જો વિપક્ષમાં બહાર રહી સારાં કામ કરી શકીએ તો વિધાનસભામાં બેસીને કેમ ન કરીએ?

અમદાવાદએક મહિનો પહેલા
હાર્દિક પટેલ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
હાર્દિક પટેલ ( ફાઈલ ફોટો)
  • નરેશ પટેલ મામલે કહ્યું, કોંગ્રેસ માત્ર વાતો કરે છે, જ્યારે ભાજપ પોતાની તરફ ખેંચવા આક્રમક હોય છે

ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીના સંકેતો વચ્ચે રાજકીય ઊથલપાથલનો દૌર શરૂ થવા લાગ્યો છે. રાજ્યમાં પોલિટિકલ પાર્ટીઓ તરફથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પોતાની તરફ ખેંચવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં એક સમયે મુખ્યમંત્રીપદના દાવેદાવ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસે નરેશ પટેલ મામલે ઝડપથી નિર્ણય લેવો જોઈએ. છેલ્લા બે મહિનાથી વાતો ચાલે છે, પણ હવે કોંગ્રેસે આ મુદ્દે ક્લિયર કરવું જોઈએ.

કોંગ્રેસે નરેશ પટેલ મામલે ઝડપથી નિર્ણય લેવો જોઈએ
હાર્દિક પટેલે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ભાજપ કોઈપણ વ્યક્તિ સાથે વાત કરવા અથવા તો તેને પોતાની તરફ ખેંચવા માટે આક્રમક હોય છે, પરંતુ કોંગ્રેસમાં માત્ર વાતો થઈ રહી છે. છેલ્લા બે મહિનાથી નરેશભાઈને કોંગ્રેસમાં લેવા માટેની ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસના કેટલાક કહેવાતા નેતાઓ એવું કહે છે કે નરેશ પટેલે ડિમાન્ડ રાખી છે, પરંતુ હું કહું છું કે નરેશભાઈએ કોઈ ડિમાન્ડ રાખી નથી. કોંગ્રેસને કોઈ સમાજનું અપમાન કરવાનો અધિકાર નથી, જેથી હવે કોંગ્રેસ હાઈકમાન્ડે ઝડપથી આ મુદ્દે નિર્ણય લેવો જોઈએ.

હું લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડીશ
મહેસાણાના વીસનગરમાં વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કેસમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને થયેલી સજામાં સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ આજે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું ચોક્કસથી ચૂંટણી લડીશ. જો વિપક્ષમાં બેસીને અમે પ્રજા માટે સારું કામ કરી શકીએ તો વિધાનસભામાં બેસીને કેમ પ્રજા માટે કામો ન કરીએ ? જેથી ચોક્કસ હું લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડીશ.

ચૂંટણી લડવી એ મારો ઉદ્દેશ નથી
હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે ચૂંટણી લડવી એ મારો ઉદ્દેશ નથી. ગુજરાતના લોકોની વાત સારી રીતે અને આક્રમક રીતે વિધાનસભા તથા લોકસભામાં રજૂ થાય એ માટે ચોક્કસથી આવનારા દિવસોમાં હું નિર્ણય કરીશ. વીસનગરના કેસમાં નીચલી કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને જેમાં હાઇકોર્ટમાં અપીલમાં ગયા હતા, પરંતુ અમને સજા પર તે મળી ન હતી, જેને કારણે વર્ષ 2019નું ચૂંટણી લડી શક્યા ન હતા. સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, પરંતુ એ સમયે અર્જન્ટ હિયરિંગ માટે ના પાડી હતી અને ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા સજા પર સ્ટે આપવામાં આવ્યો છે.

હું ચૂંટણી લડવા માટે કોર્ટમાં નહોતો ગયો
હાર્દિક પટેલ ક્યાંથી ચૂંટણી લડશે વગેરે વગેરે વાતો સમાચારના માધ્યમોમાં ચાલી હતી, પરંતુ હું ચૂંટણી લડવા માટે કોર્ટમાં નહોતો ગયો તેમણે કહ્યું હતું, હવે હું લોકોની વાત આક્રમક રીતે વિધાનસભામાં રજૂ કરી શકું તેના માટે ચોક્કસથી આગામી દિવસોમાં ચૂંટણી લડીશ. પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા બાબતે તેમણે જણાવ્યું હતું કે અમે સરકારમાં ચોક્કસથી આ બાબતે રજૂઆત કરી છે અને 10 કેસ પાછા ખેંચ્યા હતા, એ આનંદીબેન વખતે પાછા ખેંચાયા કેસો છે. સરકાર પર ભરોસો છે તો ચોક્કસથી સરકાર કેસો પાછા ખેંચશે.

અન્ય સમાચારો પણ છે...