WoW.. વોટિંગ So Exciting..:'જીવનમાં પહેલીવાર વોટ આપ્યો, દેશ માટે કાંઈક કર્યું... મને તો આખી રાત ઊંઘ જ ન આવી, થોડી નર્વસ પણ હતી'

અમદાવાદ2 મહિનો પહેલા

આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર મત આપનારા ઘણા યુવા મતદારો છે. પહેલીવાર મત આપીને આ નવલોહિયા યુવક-યુવતીઓએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની ઉત્તેજના વ્યક્ત કરી હતી. લાઈફમાં પહેલી વખત મતદાન કરીને પોતાની નાગરિક તરીકેની પહેલી ફરજ અદા કર્યાનો રોમાંચ આ દરેક યુવાઓના ચહેરા પર જોઈ શકાતું હતું. અરે... ઘણા તો એવા પણ યુવા મતદાર હતા, જેમને સવારે મતદાન કરવા જવાનું વિચારથી રાતે ઊંઘ પણ ન આવી.

પહેલીવાર વોટ હતો એટલે થોડીક નર્વસ હતી
નડિયાદમાં કોલેજમાં ભણતી અને પહેલી જ વખત મતદાન કરનારી ધ્વનિ શાહના રોમાંચનો પાર નહોતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે મેં તો મારી લાઈફમાં પહેલીવાર મત આપ્યો. સાચું કહું તો મને તો કાલ રાતથી જ ખૂબ ખુશી થતી હતી કે મારે આજે કાંઈક નવું કરવાનું છે. અહીં મત આપવા પહેલીવાર જ આવી એટલે થોડીક નર્વસ પણ હતી. મને ખબર નહોતી કે આ પ્રોસેસ કઈ રીતે થશે.. હું યોગ્ય રીતે મતદાન કરી શકીશ કે નહીં.. આવા સવાલો થતા હતા, પરંતુ અહીં ખૂબ સારી સગવડ છે અને ક્યાં મારું મતદાન પતી ગયું એ પણ ખબર ના પડી. મને ખૂબ આનંદ છે.

નડિયાદની ધ્વનિ શાહે મતદાન પછી મીડિયા સાથે વાત કરી.
નડિયાદની ધ્વનિ શાહે મતદાન પછી મીડિયા સાથે વાત કરી.

ખુશીની ખુશી તો મતદાનમાં જ આવી ગઈ
ખુશી પટેલે પણ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાના પહેલીવારના મતદાન અંગે આવો જ ભાવ વ્યક્ત કર્યો હતો. ખુશીએ કહ્યું હતું કે હું અહીં એસવાયમાં કોલેજમાં ભણું છું અને નડિયાદ સિટીનો સારી રીતે વિકાસ કરે તેવા નેતાને મેં મત આપ્યો છે. મેં મારી લાઈફમાં પહેલી વખત મતદાન કર્યું છે. હું અમારા જેવા યુવા મતદારો કે જેઓ પહેલીવાર મતદાન કરવાના છે તેમને આગળ આવીને દેશ માટેની ફરજ પૂરી કરવા અપીલ કરું છું. દરેકે મતદાન કરવું જ જોઈએ.

આજીવન લોકશાહીના ઉત્સવને ઉજવવા મતદાનનો સંકલ્પ
અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી સૌ પ્રથમ વખત મતદાન બાદ ઉન્નતી ઝાલાએ જણાવ્યું હતું કે મને ગર્વ છે કે હું ભારત દેશની નાગરિક છું. આજે વિધાનસભા ચૂંટણી માટે પહેલીવાર મતદાન કર્યું છે. ઉન્નતિ કહે છે કે, મતદાન કરતા એક ભારતીય નાગરિક અને ગુજરાતી તરીકે ગર્વની લાગણી અનુભવાય છે. દરેક નાગરિક સુરક્ષિત રહે એવી સરકાર બનવાની અપેક્ષા છે. ઉન્નતિ ફાર્મસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આજીવન લોકશાહીના ઉત્સવને ઉજવવા મતદાનનો સંકલ્પ કર્યો છે અને તેઓ સંપર્કમાં આવતા અન્ય લોકોને પણ મતદાન માટે જાગૃત કરવા સંકલ્પબદ્ધ થયા છે.

મેડિકલની સીટો વધારે તેને મતદાન કર્યું
તો વડોદરામાં રહેતા રાજ શાહે પણ આ વખતે જીવનમાં પહેલી વખત જ મત આપ્યો. મતદાન કર્યા બાદ રાજે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમારા સિટી માટે વિકાસ બહુ મોટો મુદ્દો છે. હું તો ઈચ્છું છું કે એવી સરકાર બને, જે મેડિકલની સીટો વધારે અને યુવા વર્ગ માટે પણ ઘણું કામ કરે. તમામ અભ્યાસક્રમોમાં ફી ખૂબ વધી ગઈ છે તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આ બધાં ફેક્ટરને ધ્યાનમાં રાખીને જ મેં મત આપ્યો છે. મારા મતે તો માત્ર યુવાનો જ નહીં, પરંતુ 18 વર્ષથી ઉપરની વયના બધા મતદારોએ વોટિંગ કરવું જ જોઈએ.

તમને સારા નેતા મળે એ માટે વોટિંગ કરો
અમદાવાદ શહેરની આફરીન મલેક નામની યુવતીએ પણ આવી જ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આફરીને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે મેં સૌપ્રથમવાર મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મને સવારથી જ મારો મત આપવા બાબતે ખૂબ જ ઉત્સાહ હતો. મારી દેશના સૌ લોકોને અપીલ છે કે આજે મતદાન કરવા માટે આવે અને પોતાના અધિકારનો ઉપયોગ કરે. તમને સારા નેતા મળે એ માટે તમે તેમને પસંદ કરો એ પણ ખૂબ જરૂરી છે.

પહેલીવાર મત આપનાર કુશ પટેલ (ડાબી બાજુ) અને આફરીન મલેક.
પહેલીવાર મત આપનાર કુશ પટેલ (ડાબી બાજુ) અને આફરીન મલેક.

મોડર્ન જમાનામાં બધા મોડર્ન બનીને મતદાન કરે
અમદાવાદમાં રહેતા કુશ પટેલના વળી મતદાનના વિચારો ખૂબ મોડર્ન હતા. કુશે મતદાન કર્યા બાદ પોતાના એક્સાઈટમેન્ટ સાથે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે મેં મારી લાઈફમાં પહેલી વખત મતદાન કર્યું છે. મારું કહેવું છે કે વધતા વિકાસ અને મોડર્ન જમાના સાથે મતદારોએ પણ મોડર્ન બનવું જ જોઈએ. આપણે પોતે જ આપણી સરકારને ચૂંટવી જોઈએ કે જે સુધારાઓ લાવે અને યુવાઓ તથા મહિલાઓ માટે ખૂબ સારું કામ કરે. મને આ રીતે જ મતદાન કરવાનો ખૂબ આનંદ આવ્યો અને દરેક જણ મતદાન કરે એવી મારી અપેક્ષા છે.

તમે મત નહીં આપો તો બીજું કોઈ રાજ કરી જશે
વૃંદા બારોટ, જે નડિયાદમાં રહે છે અને અભ્યાસ કરે છે, તેણે પણ પોતાના મતદાન અંગે ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો. વૃંદાએ જણાવ્યું હતું કે દરેક નાગરિકનો મતાધિકાર એ બહુમૂલ્ય અધિકાર છે. દરેક નાગરિકે મતાધિકારનો ઉપયોગ તો કરવો જ જોઈએ. જો તમે તમારા મતાધિકારનો ઉપયોગ નહીં કરો તો બીજું કોઈ રાજ કરી જશે અને નિરાશા થશે. માટે તમને જે પણ યોગ્ય લાગે તે ઉમેદવાર માટે તમારે મતદાન કરવું જ જોઈએ.

નડિયાદના ઉર્વીશ બારોટે પ્રથમવાર મતદાન કર્યું.
નડિયાદના ઉર્વીશ બારોટે પ્રથમવાર મતદાન કર્યું.

મેં તો મારા સિટીના વિકાસ માટે મતદાન કર્યું
નડિયાદના જ ઉર્વીશ બારોટે પણ વિધાનસભામાં પહેલીવાર મત આપીને ખૂબ Happiness વ્યક્ત કરી હતી. ઉર્વીશે દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની ઉત્તેજના દર્શાવતાં કહ્યું હતું કે અમે નડિયાદના વિકાસના મુદ્દે જ મતદાન કર્યું છે. લોકો પણ આજે પોતાના ઘરમાંથી બહાર નીકળે અને પોતાના મનપસંદ ઉમેદવારને મત આપે એ ખૂબ જરૂરી છે. આ માટે મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ.

અન્ય સમાચારો પણ છે...