તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રનનો પ્રત્યક્ષદર્શી:'મારી કારને 120ની સ્પીડે ઓવરટેક કરી, જાણે રીતસર રોડ પર સ્ટંટ કરતા હતા', પૂરપાટ દોડતી i20 કારથી માંડ માંડ બચેલો કેબચાલક

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
અકસ્માત સર્જનાર i20 કારથી બચી જનારા કેબ- ડ્રાઇવર (કોર્નરમાં)ની તસવીર.
  • શિવરંજની પાસે ફૂટપાથ પર સૂતેલા પરિવાર પર કાર ફરી વળી
  • અકસ્માત પહેલાં જોધપુર ચાર રસ્તા પાસે કેબ-ડ્રાઇવર માંડ માંડ બચ્યો

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. કારના ચાલકો રીતસર રેસિંગ અને સ્ટંટ કરી રહ્યા હોવાનું એક કેબચાલકે જોયું અને તેની કારને આ લોકો 120ની સ્પીડે જોધપુર ચાર રસ્તા પાસે ઓવરટેક કરી હતી. સમગ્ર ઘટના વિશે આ યુવકે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી.

શિવરંજની પાસે કાર રેસિંગમાં બચી ગયેલો યુવક સામે આવ્યો
બોપલ વિસ્તારમાં રહેતા સુજલ ઠક્કરે જણાવ્યું હતું કે હું રાતે 12.30 વાગે ઇસ્કોનથી કાલુપુર તરફ જઈ રહ્યો હતો. હું જ્યારે જોધપુર પાસે પહોંચ્યો ત્યારે બે કાર આઈ20 અને વેન્ટો આશરે 120ની ઝડપે મને ભયંકર રીતે ઓવરટેક કર્યો હતો, જેમાં હું પોતે પણ બચી ગયો હતો. જાણે તેઓ રસ્તા પર રેસ કરતા હોય અને કોઈ સ્ટંટ કરવા માગતા હોય એ રીતે કાર ચલાવતા હતા. હું કારમાં હતો એટલે એ સમયે આ કારમાં કેટલા લોકો હતા એ જોઈ શક્યો નહીં, પણ હું શિવરંજની પહોંચ્યો ત્યારે એ જ કારનો અકસ્માત થયેલો હતો.

મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો સ્થળે પહોંચી ગયો હતો.
મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો સ્થળે પહોંચી ગયો હતો.

'હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે આગળના ટાયરમાં પુરુષ ફસાયો હતો'
તેઓ વધુમાં કહે છે, કારમાંથી ઊતરીને બે લોકો વિરુદ્ધ દિશામાં ભાગ્યા હતા અને બે લોકો સીધી દિશામાં ભાગ્યા હતા. કાર ફૂટપાથ પર ફરી વળી હતી. મેં કારમાંથી ઊતરીને જોયું તો કારના આગળના ટાયરમાં પુરુષ ફસાયો હતો, જ્યારે પાછળના ટાયરમાં બે બાળકો ફસાયેલાં હતાં. આ અકસ્માતમાં મહિલા ઊછળીને દૂર ફેંકાયેલી હતી. મને આવતાંની સાથે જ લાગ્યું હતું કે તેઓ મૃત છે, પછી 108 આવી ત્યારે મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય લોકોને બચાવવા માટે તેમજ કાર નીચે ફસાયેલા લોકોને કાઢવા માટે હું પ્રયાસ કરી રહ્યો હતો.

અકસ્માતમાં ફૂટપાથ પર પડેલાં અન્ય વાહનોને પણ નુકસાન થયું.
અકસ્માતમાં ફૂટપાથ પર પડેલાં અન્ય વાહનોને પણ નુકસાન થયું.

વેન્ટોમાં પોલીસ પીછો કરતા હોવાનું લાગતા કાર દોડાવીઃ પર્વ
પોલીસમાં હાજર થયા બાદ પર્વ શાહે DivyaBhaskarને જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે તે મિત્રો સાથે થલતેજ ગુરુદ્વારા ચાર રસ્તા પાસે બેઠા હતા અને પછી વરસાદ પડતાં થોડા રોકાઈને મીઠાખળી સિદ્ધગિરિ ફ્લેટ સ્થિત તેમના ઘરે રવાના થયા હતા. સિંધુભવન રોડ પાસેથી વળ્યા ત્યારે તેમને લાગ્યું કે વેન્ટો કારમાં પોલીસવાળા તેમનો પીછો કરી રહ્યા છે એટલે તેમણે ગાડી ફાસ્ટ દોડાવી હતી. આવામાં શિવરંજની પછી તેમની કારને વેન્ટોવાળાએ દબાવતા તેમણે બ્રેક મારી પણ નિયંત્રણ ન રહ્યું અને ગાડી ફૂટપાથ પર ચઢી ગઈ હતી. જો કે, રાત્રે અકસ્માત થયા બાદ તેઓ તુરત પોલીસ સમક્ષ હાજર કેમ ન થયા તે પ્રશ્નનો તેમની પાસે કોઈ જવાબ નહોતો.

આરોપીને શોધવા પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
આરોપીને શોધવા પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો

* બાબુભાઈ

* જેતન (બાળક)

* સુરેખા (બાળક)

* વિક્રમ (બાળક)

જમવાનું બનાવતી મહિલાને મોત મળ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર સોમવારે મોડી રાત્રે લોકો સૂઈ રહ્યા હતા. વરસાદથી બચવા પ્રયાસ કરી રહેલાઓને જરા પણ ખબર ન હતી કે તેમની સાથે થોડીવારમાં શું બનવા જઇ રહ્યું છે. મોડી રાત્રે કાળ બનીને આવેલી i20 કાર આ લોકો પર ફરી વળી હતી. માસૂમ લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. અન્ય લોકો માટે જમવાનું બનાવી રહેલી સંતુબેન નામની એક મહિલાને કારે કચડી મારતાં તેમનું મોત નીપજ્યું છે.