કોરોનાગ્રસ્ત લોકોની હેલ્પલાઇનને ફરિયાદ:એક શખસે કહ્યું, ‘કોરોના ગદા લઈ મારવા ઊભો હોય એવા સપના આવે છેે’, કો'કને ઊંઘ નથી આવતી તો કો'કને જમવાનું ભાવતું નથી

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હેપીનેસ ગ્રુપે શરૂ કરેલી ‘ટોક ઇટ આઉટ’ નામની હેલ્પલાઇનને લોકોના વિચિત્ર પ્રશ્નો

કોરોનાની મહામારીને કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમનાં સ્વજનોને કાઉન્સેલિંગના માધ્યમથી માનસિક રીતે સ્વસ્થ બનાવવા માટેની મથામણ હાથ ધરવામાં આવી છે. શહેરના સમાજ સેવા સાથે નિસબત ધરાવતા વિવિધ યુવાનોના હેપીનેસ ગ્રુપના માધ્યમથી ટીઆઈઓ (ટોક ઈટ આઉટ ) નામની હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં છેલ્લા 25 દિવસોમાં 500થી વધુ લોકોનું વિવિધ સાઇકોલોજિસ્ટ, મનોચિકિત્સક સહિતના લોકો તરફથી કાઉન્સેલિંગ હાથ ધરાયું છે. કોરોનાગ્રસ્ત લોકોની હેલ્પલાઈનમાં લોકોની ફરિયાદ છે કે તેમને સપનામાં એવું લાગે છે કે તેમને કોરોના ગદા લઈને મારવા આવે છે.

સમગ્ર ગુજરાતમાંથી આવે છે કોલ્સ
કોરોનાગ્રસ્ત લોકોની હેલ્પલાઈનમાં કોરોનાના કારણે માનસિક રીતે અસ્વસ્થ બનેલા લોકોએ મારાં માતા-પિતાને કોરોના થયો છે, તેમને કંઈ થશે તો મારું શું થશે, કોરોનામાં મારા ભાઈનું નિધન થયું છે, મને તો કશું નહીં થાયને? સહિતના વિવિધ સવાલો હેલ્પલાઈનમાં પૂછ્યા હતા. ગુજરાત તેમજ સમગ્ર દેશના જનજીવન પર છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની મહામારીના કારણે સામાન્ય લોકોની નોકરી-વ્યવસાય પર તેમજ માનસિક પરિસ્થિતિ પર વિકટ અસર પડી છે. આવી સ્થિતિમાં હતાશ-અજંપાભરી દશામાં મુકાયેલા લોકોની માનસિક સમસ્યા, વર્તણૂકને લગતા પ્રશ્નો સાંભળીને તેના ઉકેલ-નિરાકરણ માટે હેપીનેસ પ્રોગ્રામ અંતર્ગત ટીઆઈઓ નામની હેલ્પલાઈન શરૂ કરાઈ હોવાનું ફાઉન્ડર મેમ્બર ડો. પાર્થિવરાજ સિંહ કઠવાડિયાએ જણાવ્યું છે.

હેલ્પલાઈન સમક્ષ આ પ્રકારના પ્રશ્નો પુછાયા

  • કોવિડનો ભોગ બનનારી વ્યક્તિ કે તેના સ્વજનના વર્તનને લગતા પ્રશ્નો.
  • કોરોનામાં મારા પતિની નોકરી જતી રહી છે, તે રોજ મારી સાથે મારઝૂડ કરે છે.
  • મેં બેવાર વેક્સિન લઈ લીધી છે, હવે મને કશું નહીં થાયને?
  • મારા સ્વજન કોરોનાને કારણે ગભરાઈ જવાને કારણે ખાતા નથી.
  • કોરોનાના કારણે મારી ઊંઘ ઊડી ગઈ છે, હવે હું શું કરું?

માનસિક રીતે ત્રસ્ત થયેલા લોકોને મદદ પૂરી પાડવાનો હેતુ
કોરોનાના કારણે અનેક લોકોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યા, કેટલાયે લોકોએ પારાવાર માનસિક યાતનાઓ ભોગવી રહ્યા છે. લોકોને આવી સ્થિતિમાંથી બહાર લાવીને તેમનું માનસશાસ્ત્રીય પૃથક્કરણ હાથ ધરીને, માનસિક હૂંફ આપીને કાઉન્સેલિંગ કરવા માટે આ હેલ્પલાઈન શરૂ કરાઈ છે. વિવિધ 100થી વધુ સાઇકોલોજીના કાઉન્સેલિર, મનોચિકિત્સક, ડોક્ટર્સ તેમજ વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સને સાંકળી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માનસિક રીતે ત્રસ્ત થયેલા લોકોનું કાઉન્સેલિંગ કરવાનો છે. - ડો. પાર્થિવરાજ સિંહ કઠવાડિયા, ફાઉન્ડર, હેપીનેસ ગ્રુપ.

અન્ય સમાચારો પણ છે...