અમદાવાદના આધેડે કહ્યું...:‘મને પત્નીનો પ્રેમ મળતો નથી,હું પ્રેમિકા અને પત્નીને એકસાથે રાખવા માગુ છું’

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મહિલા હેલ્પલાઈને પતિ, પત્ની અને પ્રેમિકાને સમજાવીને મામલો થાળે પાડયો

પ્રેમને કોઈ ઉંમર નથી હોતી એવું કહેવાય છે પરંતુ કયારેક માનવી પ્રેમને પામવા માટે પરિવારને મુશ્કેલીમાં મુકી દેતો હોય છે. આવી જ એક ઘટના મહિલા હેલ્પલાઈનમાં આવી હતી, જેમાં આધેડવયના વકીલે તેની પત્ની પાસેથી પ્રેમ મળતો ન હોવાનું કહીને પ્રેમિકા તથા પત્નીને એકસાથે રાખવાની જીદ પકડી હતી. જો કે તેમનું કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

આધેડવયના વકીલને પરિવારમાં ત્રણ સંતાનો છે. સંતાનો પૈકી એક દીકરીના લગ્ન પણ થઈ ગયા છે, જો કે વકીલને એવો અહેસાસ થયો કે તેમને પત્ની તરફથી પ્રેમ મળતો નથી. પ્રેમની શોધમાં રહેલા વકીલને ગાવાનો શોખ હોઈ તેઓ સોશિયલ મીડિયામાં સક્રિય હતા.દરમિયાન તેમને એક સિંગિગ એપ્લિકેશન મારફતે પુનાની એક મહિલા સાથે ઓળખાણ થઈ હતી. આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી અને એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું હતું.

પત્ની અને બાળકોને છોડીને અન્ય મહિલા સાથે રહેવું સમાજની દ્રષ્ટિએ યોગ્ય ન લાગતા વકીલે પત્ની અને પ્રેમિકા બંનેને સાથે રાખવાનું નક્કી કર્યું હતું. આ વાત તેમણે પત્નીને કરતા તેને આઘાત લાગ્યો હતો આ સંજોગોમાં ઘરમાં ઝઘડા થતાં જોઈને વકીલની યુવાન દીકરીએ મહિલા હેલ્પલાઈન 181 માં ફોન કરીને કહ્યંુ હતું કે મારા પપ્પા કહે છે મને પત્નીનો પ્રેમ મળતો નથી જેથી હવે હું પત્ની અને પ્રેમિકા બંનેને સાથે રાખવા માગુ છંુ. આ પ્રકારનો ફોન આવતા મહિલા હેલ્પલાઈનની ટીમે વકીલના ઘરે જઈને વકીલ, તેમની પત્ની અને પ્રેમિકાનંુ કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડયો હતો.

દીકરીએ ફોન કરી પરિવારને તૂટતો બચાવ્યો
આધેડ વયના વકીલે પ્રેમિકા અને પત્નીને સાથે રાખવાની વાત કરતા પરિવારમાં હલચલ મચી ગઈ હતી. આ સંજોગોમાં વકીલની યુવાન દીકરીએ હિંમત કરીને મહિલા હેલ્પલાઈનનો સંર્પક કરીને મદદ માગી હતી. જેના પરિણામે સુખદ ઉકેલ આવતા પરિવાર તૂટતો બચી ગયો હતો અને સૌ આ વાત ભૂલી નવેસરથી જીવન જીવવા સંમત થઈ ગયા હતા.

આખરે પત્ની સમક્ષ દિલગીરી વ્યક્ત કરી
મહિલા હેલ્પલાઈનની ટીમે કાઉન્સેલિંગ કરી વકીલની પત્નીને સમજાવી હતી કે તમે પતિને પ્રેમ આપો તેમનુ ધ્યાન રાખો. બીજીબાજુ વકીલને સલાહ આપી હતી કે, જ્યાં સુધી તમારા છૂટાછેડા ન થાય ત્યાં સુધી તમે બીજા લગ્ન કરી શકશો નહીં.જયારે પ્રેમિકાને સમજાવી હતી કે, નોકરી કરીને પણ ગુજરાન ચલાવી શકાય છે,અને તમે જેને પ્રેમ કર્યો છે એ આધેડ પહેલેથી પરિણીત છે અને ત્રણ સંતાન છે. ત્યારબાદ પતિએ પત્ની સમક્ષ દિલગીરી વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...