• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • I Consider It A Virtue To Be Displeased With A Government Which Has Done More Harm To India Than Any Other Monarchy In The Past: Gandhiji

રાજદ્રોહના કેસને 99 વર્ષ:જે સરકારે અગાઉના બીજા કોઇ પણ રાજતંત્ર કરતાં સરવાળે હિન્દનું અહિત જ કર્યું છે તેની સામે અપ્રીતિ થવી એને હું સદગુણ સમજું છું : ગાંધીજી

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંધીજી સામે થયેલા ટ્રાયલ વખતે ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ કોર્ટમાં હાજર હતા અને એમણે કોર્ટની કાર્યવાહી દરમિયાન પોલીસથી નજર બચાવીને બે પેન્સિલ સ્કેચ બનાવ્યા હતા. જેને આધારે પછી એ ઘટનાનું એકમાત્ર સાક્ષી ગણી શકાય એવું ઓઇલ પેઇન્ટિંગ ઐતિહાસિક બની ગયું. - Divya Bhaskar
ગાંધીજી સામે થયેલા ટ્રાયલ વખતે ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ કોર્ટમાં હાજર હતા અને એમણે કોર્ટની કાર્યવાહી દરમિયાન પોલીસથી નજર બચાવીને બે પેન્સિલ સ્કેચ બનાવ્યા હતા. જેને આધારે પછી એ ઘટનાનું એકમાત્ર સાક્ષી ગણી શકાય એવું ઓઇલ પેઇન્ટિંગ ઐતિહાસિક બની ગયું.
  • ગાંધીજી સામે રાજદ્રોહના ઐતિહાસિક કેસને 99 વર્ષ
  • આ કેસમાં ગાંધીજીને 6 વર્ષની કેદની સજા સંભળાવાઈ હતી
  • કોર્ટમાં હાજર કલાગુરુ રવિશંકર રાવળે ત્યાં જ પેન્સિલ સ્કેચ બનાવ્યા હતા

આઝાદીની ચળવળમાં ગાંધીજી સામે પણ રાજદ્રોહનો કેસ થયો હતો. 18 માર્ચ, 1922ની એ ઐતિહાસિક ઘટનાને 99 વર્ષ પૂર્ણ થઇ 100મું વર્ષ બેસશે. 11 માર્ચે સરદાર પટેલે "સિંહનો શિકાર' મથાળા નીચે લખ્યું હતું કે, "સ્વતંત્રતા મેળવવા અને ધર્મનું રક્ષણ કરવા ઇતિહાસમાં નવો અને ચમત્કારિક પ્રયોગ શરૂ કરનાર હિન્દુસ્તાનના સરદારને સરકારે આખરે કેદ કરવાની પણ હિંમત કરી છે. .. પણ વહેલો મોડો આ મહાપુરુષના તપોબળ આગળ તે બકરી બની રહેવાનો છે.' 1922ની 18મી માર્ચના રોજ ઐતિહાસિક ટ્રાયલ અમદાવાદની કોર્ટમાં બે કલાક ચાલ્યો હતો.

રવિશંકર રાવળના સ્કેચ પરથી ઐતિહાસિક ઓઈલ પેઈન્ટિંગ બન્યું
​​​​​​કલાગુરુ રવિશંકર રાવળે કહ્યું હતું કે, સર્કિટ હાઉસના એક ખંડમાં કેસ ચલાવવાનો હતો. પાછલા દરવાજેથી અમે ખંડની અંદર જઇ ભીંત પાસે ખાલી ખુરશીઓમાં ગોઠવાઇ ગયા. બરાબર પોણા બાર વાગે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મિ. હીલી ગાંધીજી અને શંકરલાલને સાબરમતી જેલમાંથી એક ખાસ એન્જિન જોડેલા ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં શાહીબાગના ફાટક આગળ ઉતારી લઇ આવ્યા. ગાંધીજી અંદર આવ્યા કે તરત જ સૌ સ્વાભાવિક માનપૂર્વક ઊભા થઇ ગયા. ગાંધીજી માત્ર પોતડીભેર હતા, પણ સાધુતા તેજ કરતી હતી. બારના ટકોરે મુંબઇથી આ કેસ માટે સરકારે મોકલેલા સેશન્સ જજ મિ. બ્રૂમફિલ્ડ આવ્યા. મેજિસ્ટ્રારે ગાંધીજી અને બૅન્કર પરનું તહોમતનામું સંભળાવ્યું. રાજદ્રોહ અને અસંતોષ ફેલાયાનો અર્થ કહ્યો અને ગાંધીજીને પૂછ્યું, "તમે આરોપો કબૂલ કરો છો કે મુકદ્દમો ચલાવવા માંગો છો?' ગાંધીજી ઊભા થયા અને શાંત અવાજે બોલ્યા, "મારી સામેના દરેક તહોમતનો હું સ્વીકાર કરું છું.' બૅન્કરે પણ એમ જ કહ્યું. સરકારી વકીલ તરીકે મુંબઇથી એડવોકેટ જનરલ મિ. આર્મસ્ટ્રોંગ આવ્યા હતા. તેમણે કહ્યું, "ગુનો પુરવાર કરવા નહીં, પણ સજા કેટલી ઠરાવવી તે નક્કી કરવા મુકદ્દમો ચલાવવો જોઇએ.' ન્યાયાધીશે કહ્યું કે, "હવે સજા ફરમાવવાની બાકી રહે છે પણ તે પહેલાં તહોમતદારને સજા વિશે કંઇ કહેવું હોય તો તે મારે સાંભળવું છે.'

ગાંધીજીએ ઉત્તરમાં પોતાનું નિવેદન વાંચવાની ઇચ્છા દર્શાવી. અદાલતમાં ચોમેર શાંતિ હતી. તેઓ બોલ્યા, "જો મને છૂટો કરવામાં આવે તો હું હજી તેમ જ કરું. કાયદાની દ્રષ્ટિએ જે ઇરાદાપૂર્વક ગુનો ગણાય, પણ મારે મન તો જે દરેક નાગરિકની એક ઊંચામાં ઊંચી ફરજ ગણાય છે તે માટે સખતમાં સખત સજા માંગી લેવા અને તેને તાબે થવા અહીં છું. કોઇપણ અમલદાર કે કારભારી સામે મારે અંગત કે વ્યક્તિગત એવું વેર નથી, તો સજાની સામે તો મારે અપ્રીતિ હોઇ જ ના શકે. પણ જે સરકારે અગાઉના બીજા કોઇપણ રાજતંત્ર કરતાં સરવાળે હિન્દનું અહિત જ કર્યું છે તેની સામે અપ્રીતિ થવી એને હું સદગુણ સમજું છું.'

એકરાર વંચાઇ ગયા પછી ન્યાયાધીશે લોકમાન્ય તિલક મહારાજના મુકદ્દમાને યાદ કરી, એ જ કલમની રૂએ ગાંધીજીને છ વરસની કેદની સજા ફરમાવી, પણ સાથે કહ્યું, 'સરકાર જો કદી તમને છોડી મેલી શકે તે દિવસે મારા જેટલો આનંદ કોઇને નહીં થાય.' ગાંધીજીએ ફેંસલો આવકારી લીધો. જે ટ્રેનમાં ગાંધીજીને લવાયા હતા તે જ ટ્રેનમાં ગાંધીજીને યરવડા જેલમાં લઇ જવાયા. તે દિવસે ન્યાયાસને બિરાજેલા બ્રૂમફિલ્ડ અને એડવોકેટ જનરલ આર્મસ્ટ્રોંગ બધા જ આ નરસિંહ આગળ પામર જણાતા હતા.’’

અન્ય સમાચારો પણ છે...