તાજેતરમાં સમગ્ર દેશમાં હાલ NIA દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર છે. ગુજરાતમાં કોણ કોણ ISIS આતંકવાદી સંગઠન સાથે જોડાયા છે તેની તપાસ ચાલી રહી છે, ત્યારે આજે સુરતથી અમદાવાદ આવેલા સનાતન સંઘના પ્રમુખ ઉપદેશ રાણાને ISISના નામથી ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સનાતન સંઘના પ્રમુખને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે ISISIમાં હોવાની ઓળખ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સનાતન સંઘના પ્રમુખે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
સારંગપુર ન્યુ ક્લોથ માર્કેટ પહોંચ્યા ને ફોન આવ્યો
સુરતમાં રહેતા સનાતન સંઘના પ્રમુખ ઉપદેશ રાણા હાઇકોર્ટના કામથી અમદાવાદ આવ્યા હતા. જે બાદ સાંજે પોતાની ગાડીમાં તેમને મળેલી પોલીસની સુરક્ષા સાથે સુરત પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન ઉપદેશ રાણા સારંગપુર ન્યુ કોલથ માર્કેટ પહોંચ્યા ત્યારે તેમના ફોન પર અજાણ્યા નંબરથી વૉટસએપ કોલ આવ્યો હતો. જેમાં ફોન કરનારે કહ્યુ કે, હું ISISમાંથી બોલું છું. અમે તારી ગાડીની પાછળ જ છીએ. પહેલા તારા ગાર્ડને ગોળી મારીશું જે બાદ તને ગોળી મારીને તારી હત્યા કરી દઇશું.
ઉપદેશ રાણાએ કહ્યું ફોન ચાલુ રાખ
અજાણી વ્યક્તિએ આટલું કહેતા જ ઉપદેશ રાણાએ કહ્યું ફોન ચાલુ રાખ, હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાવ છું. જેથી સામેવાળાએ ફોન કાપી નાખ્યો હતો. જે બાદ ઉપદેશ રાણાએ 100 નંબર પર ફોન કર્યો હતો. પોલીસ આવતા કાગડાપીઠ પોલીસ સ્ટેશન જઈને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મને અનેક વખત ધમકી મળી છેઃ ઉપદેશ રાણા
આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે, અગાઉ કમલેશ તિવારીની હત્યા થઈ હતી, ત્યારથી મને સરકાર દ્વારા સિક્યુરિટી માટે એક ગાર્ડ આપવામાં આવ્યો છે. મને અનેક વખત ધમકી મળી છે અને એક વખત યુપીમાં મારા પર હુમલો થયો છે. ગુજરાતમાં મે 10 પોલીસ ફરિયાદ કરી છે અને અન્ય રાજ્યોમાં પણ મારી ફરિયાદ છે. હું સમગ્ર દેશમાં ફરું છું, જેથી મને ગુજરાત બહાર પણ સિક્યુરિટી આપવામાં આવે તથા 1 જ ગાર્ડ છે તેની જગ્યાએ મારી સિક્યુરિટી વધારવામાં આવે તે માટે જ હું હાઇકોર્ટ આવ્યો હતો અને હાઇકોર્ટથી પરત સુરત જતો હતો ત્યારે જ મને ધમકી મળી છે.
રવિવારે NIAની ટીમે અમદાવાદ સહિત 4 શહેરમાં સર્ચ કર્યું
31 જુલાઈના રોજ NIAની ટીમે ISIS મોડ્યુલને લઈને ગુજરાત સહિત છ રાજ્યના 12 જિલ્લામાં એકસાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં ISISના તાર જોડાયેલા હોવાના પુરાવા NIA અને સેન્ટ્રલ IBને મળ્યા હતા. જેને પગલે સેન્ટ્રલ એજન્સીઓના ધાડા અમદાવાદ, સુરત, નવસારી અને ભરૂચ એમ ચાર જગ્યાએ સર્ચમાં ઉતર્યા હતા.
NIAને શંકાસ્પદ ગતિવિધિના પૂરાવા મળ્યા
NIAને પુરાવા મળ્યા છે કે, અમદાવાદ, નવસારી, સુરત અને ભરૂચના અમુક વિસ્તારોમાં કેટલાકની ગતિવિધિ શંકાસ્પદ છે. એવા પુરાવા પણ મળ્યા કે, આ લોકો અન્ય લોકોને દેશવિરોધી પ્રવૃત્તિમાં સામેલ થવા ઉશ્કેરી રહ્યા છે. કેટલાક વાંધાજનક દસ્તાવેજ, સાહિત્ય વહેંચી રહ્યા છે. આ પુરાવા મળતા જ NIA, ATS અને IBની ટીમે તેમના જૂના રેકોર્ડ તપાસ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોના જૂના ‘કારનામા’ની માહિતી હાથ લાગી.
નવસારી અને અમદાવાદમાં શંકાના આધારે કેટલાકની પૂછપરછ કરી હતી
આ માહિતી કન્ફર્મ થતાં જ NIAએ ઈન્ટરનેશનલ કૉલ ટ્રેસિંગના આધારે એક્શન લીધા. ભરૂચમાં આમોદ અને કંથારિયાથી મૌલાના અમીન અને તેના પિતાની પૂછપરછ કરાઈ, પરંતુ મોડી સાંજે તેમને છોડી દેવાયા. બીજી તરફ, નવસારીના ડાભેલની મદરેસામાંથી ચાર વિદ્યાર્થી, અમદાવાદના શાહપુરથી બે અને સુરતમાં જલીલ નામના યુવકને પકડ્યો. આ તમામની પૂછપરછ શરૂ કરાઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.