ભાસ્કર ઇન્ટરવ્યૂ:હું રામ ને ગોપાલ લક્ષ્મણ, મોદી PM છે એનો મને ગર્વ છે : ઇસુદાન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઇસુદાન ગઢવી ‘આપ’નો સીએમ ચહેરો
  • લો બોલો, ઇશુએ કહ્યું... સરકાર બનાવવા મોદીજી અમને મદદ કરે

તુષાર દવે
આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ એમની અને ગોપાલ ઈટાલિયાની જોડીને રામ-લક્ષ્મણની જોડી ગણાવે છે. પાર્ટી દ્વારા સીએમ ફેસ જાહેર થયા બાદ તેમણે ભાસ્કર સાથે ખાસ વાત કરી હતી.
ભાસ્કર : તમે હમણા કહ્યું કે, મોદી વડાપ્રધાન છે એનું ગૌરવ છે - આ સમજાવો, તમે એમની સામે ચૂંટણી લડો છો.
ઇશુદાન : નરેન્દ્ર મોદી તો પ્રધાનમંત્રી છે જ અને પ્રધાનમંત્રી કોઈ પાર્ટીના નહીં, પણ દેશના હોય છે. ગુજરાતને ભાજપવાળાઓએ... સીઆર પાટીલે બદહાલ કરી નાંખ્યું છે.
ભાસ્કર : ભાજપ અને મોદીને અલગ કેવી રીતે કરી શકો?
બન્ને અલગ છે. કારણ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એ કંઈ મુખ્યમંત્રી બનવા થોડા આવશે.
ભાસ્કર : તમે કહ્યું, ‘મોદી વડાપ્રધાન છે એ વાતનું ગૌરવ છે’ - આ લાઈન પાર્ટીલાઈન છે કે ઈશુદાનની લાઈન છે?
હું પોતે પર્સનલી માનું છું. વ્યક્તિગત રીતે માનું છું. માનું જ છું કે નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી છે અને આપણને સૌને ગૌરવ છે કે એ પ્રધાનમંત્રી છે. આ ગૌરવ બધાને હોવું જોઈએ. તેઓ દેશના પ્રધાનમંત્રી છે. ગુજરાતના ભાજપવાળાઓને કારણે પેપરો ફૂટી રહ્યા છે, બદનામી થઈ રહી છે. હું તો ત્યાં સુધી કહીશ કે મોદીજીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સહયોગ કરવો જોઈએ જેથી એક સ્વચ્છ તંત્ર ચાલે અને બદનામી અટકે.
ભાસ્કર : તમે કહો છો કે તમારી સરકાર બને પછી ભ્રષ્ટાચારીઓનો વીડિયો બનાવીને મોકલો, 24 કલાકમાં જેલભેગા કરીશું. મોરબી બ્રિજકાંડમાં ટિકિટના પૈસા વધુ લેવાયાનું સ્પષ્ટ છે અને સમારકામમાં ગોબાચારી હતી એટલે જ તો બ્રિજ તૂટી ગયો તો શું સરકાર બનશે તો જયસુખ પટેલ જેલમાં જશે?
નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી રચાશે. મોટા નેતાઓ સહિત જે દોષી હશે એમને છોડવામાં નહીં આવે. માત્ર મોરબી નહીં, લઠ્ઠાકાંડ, તક્ષશીલા અને ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરીને ન્યાય અપાવાશે.
ભાસ્કર : ઈશુદાનભાઈ, તમે કહ્યું કે જે કોઈપણ જવાબદારો છે એમની સામે કાર્યવાહી થશે, તમને પોતાને કોઈ જવાબદાર દેખાય છે મોરબીકાંડમાં?
મેં એક રિપોર્ટિંગમાં વાંચેલું કે કલેક્ટરે ના પાડી હતી છતાં ગાંધીનગરથી કોલ આવે છે અને કોન્ટ્રાક્ટ અપાય છે. હવે ગાંધીનગરથી આવેલા કોલની તપાસ તો ભાજપની સરકાર હશે ત્યાં સુધી ક્યાંથી થશે. આમ આદમીની સરકાર આવશે તો અમે કોલ રેકોર્ડિંગ કઢાવીશું કે કોણે કોલ કરેલો. કોલ કરનાર પણ જેલમાં જશે.
ભાસ્કર : સર્વેમાં લોકોએ તમને કેમ પસંદ કર્યાં, ગોપાલ ઈટાલિયા કેમ પાછળ રહ્યાં? તમને શું કારણ લાગે છે?
અમે બંન્ને રામ-લક્ષ્મણની જોડી છીએ. અમે કોઈ CMકે ધારાસભ્ય બનવા નથી આવ્યા. અમે તો બધું છોડીને આવ્યા છીએ. એ બે સરકારી નોકરી છોડીને આવ્યા છે. જો અમારા સિવાય પણ બીજા કોઈ સમાજસેવકનું નામ આવ્યું હોત તો એમને હાથેપગે લાગીને લાવી દેત. અમે બહુ ક્લિયર છીએ. અમારે કશું નથી જોઈતું.
ભાસ્કર : ગોપાલ ઈટાલિયા સામે કાર્યવાહી થઈ ત્યારે કેજરીવાલે ટ્વિટ કરેલું કે આનાથી પાટીદારો નારાજ થશે, એ રીતે તમે પાટીદાર કાર્ડ રમેલા, તો એવું નથી લાગતું કે એમને ઉમેદવાર ન જાહેર કરવાથી પાટીદાર વોટ નારાજ થશે?
આમ આદમી પાર્ટીની એન્ટ્રી થાય ત્યાં જ્ઞાતિ-જાતિ-ધર્મની રાજનિતી નથી થતી. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.એમ.થી મોટા હોય છે, 33 વર્ષની નાની વયમાં ગોપાલભાઈ પ્રદેશ અધ્યક્ષ છે. અમારા માટે કોણ ક્યાં છે એ મહત્ત્વનું નથી. આપની સરકાર બને અને ખેડૂતો, વિદ્યાર્થીઓ, વંચિતો, શોષિતો માટે કંઈક કરી શકીએ એ જરૂરી છે. સાડા છ કરોડ જનતા સીએમ હશે.
ભાસ્કર : ભાજપ AAPને હિન્દુવિરોધી ચિતરવાનો પ્રયાસ કરે છે એ છબિ સુધારવા શું કરશો?
ભાજપ 27 વર્ષનો હિસાબ નથી આપી શકતી અને સરકાર જાય છે એટલે લોકોને ભ્રમિત કરવાનો આ પ્રયાસ છે. લોકો બધું જાણે-સમજે છે.
ભાસ્કર : AAP કોંગ્રેસના વોટ કાપશે એવા સવાલોના જવાબમાં તમે કહેતા રહ્યા છો કે એમએલએ તો કોંગ્રેસના ભાજપમાં ભળતા હોવાથી એ બંન્ને મળેલા છે તો ચૂંટણી બાદ આપના ધારાસભ્યો ભાજપમાં નહીં ભળે એની કોઈ ગેરંટી ખરી?
આમ આદમીમાં બધા બધું છોડીને જોડાયા છે. અહીં બધા સ્વયંભુ બીજાના માટે કશું કહેવા માગે છે.
ભાસ્કર : બિલકિસના ગુનેગારોને છોડાયા એના પર કોઈ ટિપ્પણી કેમ ન આવી?
હું એમ કહું છું કે અમને રાજનીતિ કરતા નથી આવડતી, જેની જવાબદારી હોય એને પૂછો. અમને રાજનીતિનો ર નથી આવડતો કામનો ક આવડે છે. અમે શિક્ષણ આપીશું. સારા શિક્ષણ માટે અમને મત આપો.
ભાસ્કર : તમે સતત પૂર્ણ બહુમતિનો દાવો કરો છો તો એક આંકડો તો આપો કે કેટલી બેઠક આવશે?
જનતા પર વિશ્વાસ રાખો કે પૂર્ણ બહુમતની સરકાર આવશે.
ભાસ્કર : પૂર્ણ બહુમત એટલે 92 થાય, કેટલી 92 આવશે?
બિલકુલ, પંજાબ જેવું રિઝલ્ટ અહીં મળશે.

અન્ય સમાચારો પણ છે...