વિવાદ:ચાંદખેડામાં દહેજ માટે પતિનો ત્રાસ, પત્ની રડે ત્યાં સુધી સંબંધ બાંધતો હોવાની ફરિયાદ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પતિએ પત્નીની ફિક્સ ડિપોઝિટ ઉપાડી ઘરમાંથી કાઢી મૂકી
  • નવું મકાન લેવા​​​​​​​ સાસરિયાં પિયરથી 5 લાખ, દાગીના લાવવા દબાણ કરતા હતા

ચાંદખેડામાં રહેતી પરિણીતાએ પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે, જેમાં એવો આક્ષેપ કર્યો છે કે પતિ તેને દહેજ મામલે એટલી હદે ત્રાસ ગુજારતો કે તે રડી ન પડે ત્યાં સુધી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહેતો હતો. આ મામલે મહિલા પોલીસે પતિ, સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 37 વર્ષીય મહિલાનાં લગ્ન 2006માં સમાજના યુવક સાથે થયા હતા. લગ્નમાં તેના પિયરપક્ષ તરફથી ક્ષમતા મુજબ કરિયાવર આપવામાં આવ્યું હતું. લગ્નની શરૂઆતના તબક્કામાં મહિલાને તેનો પતિ તથા સાસરિયાં સારી રીતે રાખતા હતા. દરમિયાન મહિલાએ બે સંતાનને જન્મ આપ્યો હતો. જોકે મહિલાના જેઠના લગ્ન થયા ત્યાર બાદથી મહિલાનો કપરો સમય શરૂ થયો હતો. તેના સાસરિયા નવું મકાન લેવા માટે મહિલાને તેના પિયરમાંથી પાંચ લાખ રૂપિયા અને દાગીના લઈ આવવા માટે દબાણ કરવા લાગ્યા હતા, જેનો મહિલાએ ઈનકાર કરતા તેને મેણાંટોણાં મારી પરેશાન કરાતી હતી.

મહિલાના પિતા સામાન્ય નોકરી કરતા હોવાથી તેને ‘વોચમેનની દીકરી છે’ કહીને બધાની વચ્ચે અપમાનિત કરાતી હતી. એટલું જ નહીં પતિ સાસરિયાના કહેવાથી પત્ની સાથે ખરાબ વર્તન કરતો હતો અને તેને માર મારતો હતો. પતિ સાસરિયાંના કારણે પત્ની સાથે ઝઘડો કરી તેને માર મારતો અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો અને તે રડી ન પડે ત્યાં સુધી શારીરિક સંબંધ બાંધતો અને પિશાચી આનંદ મેળવતો હતો. મહિલા આ ત્રાસ સહન કરી સંસાર ન બગડે તે માટે બધું સહન કરતી હતી.

સાસરિયાને વાત કરે તો તેઓ મહિલાનો વાંક કાઢી તેને મેણાં મારતા હતા. દરમિયાન મહિલાએ ફિક્સ ડિપોઝિટમાં મૂકેલાં નાણાં દબાણ કરી ઉપાડી લઈ પોતાની પાસે રાખી પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. અંતે આ સ્થિતિમાં કંટાળીને મહિલાએ પતિ અને સાસરીયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પતિ કહેતો, ‘તારા જેવી બહાર હજારો મળે છે’
ફરિયાદમાં જણાવ્યા મુજબ, પત્નીને જીવનસાથી ગણવાના બદલે પતિ તેની સાથે નોકરાણી હોય તેવો વ્યવહાર કરતો હતો. પતિપત્ની વચ્ચે શારીરિક સંબંધ બાંધવા પતિ બળજબરી કરતો અને પત્ની ઇનકાર કરે તો કહેતો હતો કે, હું જેમ કહું તેમ સંબંધ બાંધવાના, નહીં તો તારા જેવી હજારો બહાર મળે છે.

નણંદોઈ સામે દુષ્કર્મની ફરિયાદ માટે દબાણ કરાતું
​​​​​​​મહિલાની નણંદને તેના પતિ સાથે વારંવાર ઝઘડા થતા હોવાથી તે તેના પિયરમાં જાણ કરી વાત કરતી ત્યારે પતિ તેની પત્નીને કહેતો કે, તંુ નણંદોઈએ તારી સાથે દુષ્કર્મ કર્યું છે તેવી પોલીસ ફરિયાદ કર, જેથી તે સીધો થઈ જાય. જોકે મહિલા ખોટી પોલીસ ફરિયાદ કરવા માટે તૈયાર ન થતા તેનો પતિ અને સાસરિયાં તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...