અમદાવાદમાં પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતે થતો ઝગડો પોલીસ ફરિયાદ સુધી પહોંચી જાય છે. શહેરમાં રહેતી મહિલાને તેના પતિએ શાકમાં મીઠું વધારે પડતાં અસ્ત્રા વડે માથામાં ટકો કરી નાંખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પતિએ પત્નીને બેરહેમી પૂર્વક માર માર્યો હતો. બાદમાં તેને ઘરમાંથી કાઢી મુકી હતી. ઉશ્કેરાયેલા પતિને જોઈને મહિલા એટલી હદે ગભરાઈ ગઈ હતી કે, તેણે પોલીસ ફરિયાદ કરવાનો પણ વિચાર નહોતો કર્યો.પરંતુ ફરી એક વખત ઝઘડો થતાં યુવતીએ આ અંગે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
પતિએ તેની પત્નીને ઘરની બહાર કાઢીને માર માર્યો
પોલીસ ફરિયાદ મુજબ અમદાવાદના વટવામાં રહેતી 28 વર્ષિય યુવતી પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ મજુરી કરે છે. પાંચેક દિવસ પહેલાં આ યુવતી નેતા બાળકો સાથે ઘરમાં હતી ત્યારે તેનો પતિ ઘરે આવ્યો હતો. આ દરમિયાન યુવતીએ તેના પતિને જમવાનું આપ્યું હતું. શાકમાં થોડું મીઠું વધારે હોવાથી તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો. તે શાકમાં કેમ મીઠું વધારે નાંખ્યું છે એમ કહીને તેની પત્નીને ઘરની બહાર કાઢીને મારવા માંડ્યો હતો.
પત્નીના માથાના વાળ કાઢી નાંખીને ટકો કરી નાંખ્યો
પત્નીને બિભત્સ ગાળો બોલી રહેલા પતિને મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં તે વધારે ઉશ્કેરાયો હતો અને પત્નીને મારવા માંડ્યો હતો. તેણે લાકડાના દંડાથી બે ફટકા પણ માર્યાં હતાં. પતિએ તેની પત્નીને ધમકી આપી હતી કે, જો તું મારી સામે બોલીશ તો તને ફરી આવો જ માર મારીશ. મહિલા તેના પતિની ધમકીથી ગભરાઈ ગઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ અસ્ત્રા વડે તેની પત્નીના માથાના વાળ કાઢી નાંખીને ટકો કરી નાંખ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.