તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદનો વિચિત્ર કિસ્સો:પત્નીએ કામ-ધંધો કરી ઘરની જવાબદારી સંભાળવાનું કહેતાં પતિએ વ્યંડળના વેશમાં પૈસા માગવાનું શરૂ કર્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.

લગ્નજીવનના રથમાં બંને પૈડાં સરખાં હોય તો જ સંસારનો રથ સુખરૂપ ચાલે અન્યથા ઘર વિખેરાતાં વાર લાગતી નથી. આ સ્થિતિમાં પુરુષે ઘરની જવાબદારી નિભાવવી અનિવાર્ય છે, પરંતુ એક પુરુષ ઘરની જવાબદારીથી છટકવા વ્યંડળ બની વ્યંડળોની ટોળકીમાં જોડાઈ ગયો હતો. જોકે તેની પત્નીએ અભયમ હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માગતાં કાઉન્સિલરોએ પુરુષને સમજાવતાં તેણે વ્યંડળનો વેશ છોડી પત્ની અને બાળકોની જવાબદારી ઉપાડવાનું વચન આપ્યું હતું.

ઘાટલોડિયામાંથી મહિલા હેલ્પલાઈન પર એક ફોન આવ્યો હતો. મહિલાએ પોતાની વ્યથા વર્ણવતાં કહ્યું હતું કે હું બે બાળકોની માતા છું અને મારો પતિ કોઈ કામધંધો કરતો નથી. હું તેને મદદ કરવા માટે નાનું-મોટું કામ કરવા તૈયાર છું, પરંતુ તેઓ ઘરની જવાબદારીમાંથી છટકવા માટે વ્યંડળ બની ગયા છે. મારા પતિ સ્ત્રીઓનાં કપડાં પહેરી સ્ત્રીઓની જેમ જ શૃંગાર કરીને વ્યંડળોની ટોળકીમાં જ ફરે છે અને ઘરની કોઈ જ જવાબદારી ઉપાડતા નથી. આ સંજોગોમાં મારી પાસે આવકનું કોઈ સાધન નથી, હું શું કરું? મને મરવાના વિચારો આવે છે, પરંતુ બાળકોની સામે જોઈને વિચાર માંડી વાળું છું.

અભયમની ટીમે આ ફોન કરનારી મહિલાની વાત સાંભળી તેમના ઘરે જઈને તેના પતિનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ ટીમ ઘરે આવી હોવાનું જાણી પતિ સ્ત્રીના કપડામાં ઘેર આવ્યો હતો. કાઉન્સિલરે મહિલાના પતિને સમજાવ્યો હતો કે તમે પુરુષ તરીકે જન્મ લીધો છે તો જવાબદારીમાંથી છટકી જવા માટે વ્યંડળ બની પત્ની અને બાળકોને નોધારાં મૂકી દેવાય નહીં. કાઉન્સિલરોની સમજાવટ પછી પતિએ જવાબદારી ઉપાડવાનું સ્વીકાર્યું હતું.

બે સંતાન છતાં પતિ કોઈ કામ કરતો ન હતો
બે સંતાનો અને પત્નીનું ભરણપોષણ કરવાને બદલે પતિ કોઈ કામધંધો કરતો ન હતો. આ સંજોગોમાં પત્ની પતિને કામ કરીને પરિવારનો નિર્વાહ ચલાવવાનું કહેતી તો પતિ ઉશ્કેરાઈ જતો હતો અને આ બાબતને લઈને તેમની વચ્ચે રોજબરોજ ઉગ્ર ઝઘડો થતો હતો. આ સંજોગોમાં બે બાળકોની હાલત કફોડી થતી હતી.

વ્યંડળ ટોળકી સાથે મિત્રતા બાંધી હતી
ઘરની જવાબદારીમાંથી છટકવા પતિ કોઈ ને કોઈ બહાનું કરતો અને બહાર રખડી ખાતો હતો. ત્યાં સુધી પત્નીને એમ હતું કે તેઓ સુધરી જશે, પરંતુ ઘરની જવાબદારીથી છટકવા માટે પતિએ સ્ત્રીનાં કપડાં પહેરવાનું ચાલુ કર્યું અને સ્ત્રીની જેમ શ્રૃંગાર કરીને વ્યંડળોની ટોળકી સાથે ફરવાનું શરૂ કરતાં પત્નીએ નાછૂટકે મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરતાં અંતે મામલો થાળે પડયો હતો.