વિવાદ:કોરોનાથી સસરાનું અવસાન થતાં પતિએ પત્નીને પિયરના મકાનમાંથી હિસ્સો લાવવાનું દબાણ કર્યું

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પતિ કામ ધંધો કરતો ન હોવાથી અવારનવાર પિયરમાંથી પૈસા લઈ આવવા પત્નીને દબાણ કરતો હતો. દરમિયાન કોરોનાના કારણે પત્નીના પિતાનું અવસાન થતા પિયરનું મકાન વેચાવીને પત્નીના ભાગે આવતા પૈસા લાવવા પતિ દબાણ કરતો હતો. દાદાનું શ્રાદ્ધ કરવા પત્ની પિયર ગઇ, તો પતિ અને સાસુએ તેના પિયેર પહોંચી પૈસા માટે ઝઘડો કરીને પતિએ લાકડી વડે પત્નીને ફટકારી અને સાઢુ ભાઈની ગાડીના કાચ તોડી નાખ્યા હતા.

ઘાટલોડિયામાં રહેતાં પ્રજ્ઞાબેન(38)એ આનંદકુમાર નાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રજ્ઞાબહેને નોંધાવેલી ફરિયાદ મુજબ લગ્ન બાદ પતિ આનંદ કોઇ કામધંધો કરતો ન હોવાથી દેવું થઇ જતા પત્નીનેે તેના માતા-પિતા પાસેથી પૈસા લાવવા દબાણ કરતો હતો. ગત વર્ષે પ્રજ્ઞાના પિતા સેવંતીલાલ નાયકનું કોરોનાના કારણે અવસાન થયું હતું. ત્યાર બાદ આનંદ, તેની માતા કંચનબેન અને નણંદ ભાવના પ્રજ્ઞાને કહેતાં હતાં કે, તારા પિયેરનું મકાન વેચાવીને આપણા ભાગના પૈસા તું લઈ લે.

5 ઓકટોબરે પ્રજ્ઞાના દાદાનું શ્રાદ્ધ હોવાથી તે બાળકો સાથે પિયર ગઇ ત્યારે આનંદ અને સાસુ કંચનબેને ત્યાં જઇને પ્રજ્ઞાને મકાનના પૈસા લઈ લેવા દબાણ કરીને ઝઘડો કર્યો હતો, જે બાબતે આનંદ અને પ્રજ્ઞા વચ્ચે બોલાચાલી-ઝઘડો થતા આનંદે પ્રજ્ઞા પર લાકડીથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં ઘર પાસે પાર્ક કરેલી પ્રજ્ઞાના બનેવીની કારના કાચ પણ તોડી નાખ્યા હતા. આ અંગે પ્રજ્ઞાએ પતિ આનંદ, સાસુ કંચનબેન અને નણંદ ભાવના ચેતન નાઈ વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...