દીકરાની કસ્ટડી મેળવવા પતિ અને પ્રેમી બંનેએ ગુજરાત હાઇકોર્ટમાં દાવો કર્યો છે. વિચિત્ર પ્રકારના કિસ્સામાં પત્નીએ ધરાર બાળક કોનું છે? તે કહેવા સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. પ્રેમીએ ખાનગી લેબોરેટરીમાં કરાવેલા ડીએનએ ટેસ્ટમાં બાળક તેનું હોવાનું સ્પષ્ટ થયું છે. આ રિપોર્ટ રજૂ થતાં પતિ કોર્ટ રૂમમાં જ પડી ભાંગ્યો હતો. તેણે કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, દીકરો પ્રેમીનો હોય તો પણ તે સ્વીકારવા તૈયાર છે.
કોર્ટે વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે બાળક સાથે પતિ અને પ્રેમીને બંનેને મળવાનો હક આપેલો છે. દરમિયાનમાં બંનેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ડીએનએ ટેસ્ટ કરાવવા આદેશ કર્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ કોર્ટ કસ્ટડીનો આખરી નિર્ણય લેશે.
બાળકની કસ્ટડી માટે પિતાએ હેબિઅસ કરી
પતિએ હાઇકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે તેની પત્ની 4 મહિના પહેલા દીકરાને લઇને કોઇને કહ્યા વગર ઘર છોડીને જતી રહી હતી. જતી વખતે તેણે ચિઠ્ઠી લખી હતી તેમાં ચીમકી ઉચ્ચારી હતી કે, મને શોધવા આવતા નહીં. મને શોધવા કે મળવાનો પ્રયત્ન કરશો તો આત્મહત્યા કરી લઇશ. ચિઠ્ઠીમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અને કંકાસનું કારણ પણ લખ્યું હતુ. ત્યારબાદ પતિને જાણ થઇ હતી કે તે એકલી રહે છે. તેથી બાળકની કસ્ટડી મેળવવા હેબિઅસ કોર્પસ કરી હતી.
પત્નીના પ્રેમી સામે ગુના નોંધાયા હોવાની દલીલ
પતિ તરફે એવી દલીલ કરાઇ હતી કે તેની પત્ની જેની સાથે અનૈતિક સંબંધ ધરાવે છે તે વ્યક્તિ સામે અનેક ગુના નોંધાયા છે. પ્રેમીની પત્નીએ પણ તેની સામે છૂટાછેડાનો કેસ કર્યો છે. ગુનાઈત માનસિકતા ધરાવતા વ્યક્તિને તેના બાળકની કસ્ટડી આપી શકાય નહી. પત્નીને અનૈતિક સંબંધ હોવાથી સંતાનની કસ્ટડી તેને આપવામાં આવે તો બાળકનો ઉછેર યોગ્ય રીતે નહીં થાય. હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, બાળકના પિતા હશે તેમને કાયદા અનુસાર કસ્ટડી આપવામાં આવશે.
પત્ની-પ્રેમીએ સંબંધ હોવાનો ઈનકાર કર્યો
હેબિઅસ કોર્પસની સુનાવણી દરમિયાન પ્રેમી અને પત્નીને કોર્ટે તેમની વચ્ચેના સંબંધ વિશે પૂછતા બંનેએ કહ્યું હતું કે અમારી વચ્ચે કોઇ સંબંધ નથી.જો કે ડીએનએ ટેસ્ટમાં પ્રેમીનો દીકરો હોવાનું બહાર આવતા બન્ને વચ્ચેનો અનૈતિક સંબંધ બહાર આવ્યો છે. પતિએ કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરી હતી કે, બાળક તેના પ્રેમીનું હશે તો પણ તે સ્વીકારવા તૈયાર છે. પરતું કોર્ટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ આખરી નિર્ણય લેવાનો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.