તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:બ્લૂ ફિલ્મ જોતી હોવાની શંકાથી પત્નીની હત્યા કરનારા પતિને આજીવન કેદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્ની કોઈ સાથે વોટ્સએપ ચેટ કરતી હોવાની પણ શંકા રાખતો હતો

ઓઢવમાં પત્ની ટેબ્લેટ ફોનમાં બ્લૂ ફિલ્મ જોતી અને કોઈની સાથે વોટ્સએપ પર વાતો કરતી હોવાની શંકા રાખી જમવામાં જીવાત મારવાની દવા નાખી ગળું દબાવી હત્યા કરનારા પતિને એડિ.સેશન્સ જજ સુભદા બક્ષીએ દોષિત ઠરાવી આજીવન કેદની સજા ફટકારવાનો આદેશ કર્યો છે.

ડીસાના રસાણા ગામે રહેતા આલાભાઈ પરમારની દીકરી દુર્ગાના લગ્ન ભરત પરમાર સાથે થયા હતા. ભરત પત્ની દુર્ગા અને પુત્ર સાથે ઓઢવના રણછોડ પાર્કમાં રહેતો હતો. ખાનગી નોકરી કરતા ભરત પરમારે પત્ની દુર્ગાને ટેબ્લેટ ફોન લઈ આપ્યો હતો, જે ટેબ્લેટ ફોનમાં પત્ની બ્લૂ ફિલ્મો જોવે છે અને વોટ્સએપ પર કોઈની સાથે વાતો કરે છે, તેવી શંકા ભરત રાખતો હતો.

શંકાથી પીડાતા ભરતે પત્ની દુર્ગાને 2018માં જમવામાં જીવાત મારવાની દવા ઓગાળી નાખી હતી. દુર્ગા જમીને સૂઈ રહી હતી ત્યારે પતિ ભરતે ઓશિકાથી તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્ની મરી ગયાની ખાતરી થયા બાદ ભરત બાઇક લઈ ભાગી ગયો હતો.

આ ઘટના અંગે મૃતક દુર્ગાના પિતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કર્યુ હતું. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ભાવેશ પટેલે 14 સાક્ષી અને 12 દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતાં. સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપી પત્ની પર શંકા રાખતો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડા થતા હતા. આથી પતિએ પત્નીનું કાસળ કાઢી નાખવા માટે ખોરાકમાં ઝેરી દવા ઓગાળી તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપીના આ કૃત્યને હળવાશથી ન લેવું જોઇએ. આરોપી વિરુદ્ધ કેસ પુરવાર થતો હોઇ વધુમાં વધુ સજા કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...