અમદાવાદમાં ત્રિપલ તલાકનો બનાવ:કોર્ટ કેસથી કંટાળી ગયો છું કહીને રોડ પર જાહેરમાં પતિએ તલાક આપી દીધા, દાણીલીમડામાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના દાણીલીમડામાં ત્રિપલ તલાકની ઘટના, કોર્ટં કેસથી કંટાળી ગયો છું કહીને પતિએ ત્રણ તલાક આપી દીધાદેશમાં ત્રણ તલાક પર પ્રતિબંધ મૂકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ વર્ષ 2019માં લોકસભા પછી રાજ્યસભામાંથી બહુમતી સાથે પસાર થઈ ગયું હતું અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બન્યો હતો. પરંતુ હજી પણ ત્રણ તલાક આપવાના કિસ્સાઓ સામે આવતાં રહે છે. અમદાવાદના દાણીલીમડામાં પતિએ જાહેર રોડ પર પત્નીને ત્રિપલ તલાક આપતા પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્ન બાદ સાસરિયા સામે કોર્ટ કેસ
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018માં જુહાપુરાના યુવક સાથે થયા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ યુવતીને સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેથી તે દાણીલીમડામાં પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. ત્યાર બાદ યુવતીએ આ મામલે વર્ષ 2022માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેથી આ કેસ કાર્ટમાં ચાલી રહ્યો હતો.

સસરાએ જમાઈને રોકતા ઉશ્કેરાયો
શુક્રવારે યુવતી તેના પિતા અને ભાઈ સાથે બહાર નાસ્તો કરવા માટે ગઈ હતી. આ દરમિયાન તેઓ નાસ્તાની લારી પર ઉભા ઉભા નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન યુવતીનો પતિ ત્યાંથી નીકળ્યો હતો. તેથી યુવતીના પિતાએ જમાઈને રોક્યો હતો અને દીકરીના ઘર સંસાર અંગે વાત કરી હતી. જેથી યુવતીનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો.

પતિએ ત્રિપલ તલાક આપતા યુવતીને બ્લડપ્રેશર વધી ગયું
તેણે તેની પત્નીને કહ્યું હતું કે, 'તું મને છેલ્લા એક વર્ષથી કોર્ટના ઘક્કા ખવડાવે છે, હવે હું કંટાળી ગયો છું. મારા લગ્નની બીજે વાત ચાલી રહી છે. હું તારી સાથે હવે કોઈ સંબંધ રાખવા માંગતો નથી, હું તને તલાક આપું છું. જે બાદ યુવકે ગુસ્સામાં રસ્તા પર ત્રણ વાર તલાક બોલીને ચાલ્યો ગયો હતો. યુવકે પત્નીને રોડ પર જ ત્રણ વાર તલાક કહી દેતા યુવતીને આઘાત લાગ્યો હતો. યુવતીનું બ્લડ પ્રેશર વધી જતા તેને ચક્કર આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ મામલે યુવતીએ ફરિયાદ આપતા હવે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ત્રિપલ તલાક કાયદો શું છે?
મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) બિલ ઓગસ્ટ 2019માં લોકસભા અને રાજ્યસભા બંને દ્વારા પસાર થયા બાદ કાયદો બન્યું હતું. આ અંતર્ગત મુખ્ય જોગવાઈઓ કરવામાં આવી છે-

  • ત્રિપલ તલાક એટલે કે તલાક-એ-બિદ્દતને રદબાતલ અને ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી.
  • પોલીસ વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે.
  • ત્રણ વર્ષ સુધીની કેદની જોગવાઈ.
  • મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે, પરંતુ પીડિત મહિલાનો પક્ષ સાંભળવામાં આવશે ત્યારે જ જામીન આપવામાં આવશે.
  • પીડિત મહિલા પતિ પાસેથી ભરણપોષણનો દાવો કરી શકે છે
  • તેની રકમ મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે.
  • પીડિત મહિલા સગીર બાળકોને પોતાની સાથે રાખી શકે છે.

ત્રિપલ તલાકમાં શું છે જોગવાઈ?
- સરકાર 'ધ મુસ્લિમ વુમેન પ્રોટેકશન ઓફ રાઇટ્સ ઈન મેરેજ એક્ટ' નામથી કાયદો
- આ કાયદો માત્ર ત્રણ તલાક એટલે કે તલાક-એ-બિદ્દત પર જ લાગુ પડશે.
- ખરડો કાયદો બનતાં કોઈપણ મુસ્લિમ પતિ જો પોતાની પત્નીને ત્રણ તલાક આપશે તો તે ગેરકાયદેસર હશે.
- આ કાયદા અંતર્ગત તે પછી કોઈપણ સ્વરૂપે એટલે મૌખિક,લેખિત કે મેસેજ કરીને અપાયેલો તલાક હોય તે ગેરકાયદેસર જ ગણાશે.
- જે કોઈપણ તલાક આપશે તેને ત્રણ વર્ષની સજા અને દંડ થઈ શકે છે. ત્રણ તલાક બિન જામીનપાત્ર અને કોગ્નિઝેબલ ગુનો ગણાશે, જેમાં મેજિસ્ટ્રેટ નક્કી કરશે કે કેટલો દંડ હોય શકે છે.

વોટ્સએપ પર પણ નહીં આપી શકાય ત્રિપલ તલાક
- ખરડા પ્રમાણે એક વારમાં ત્રણ તલાક અથવા તલાક-એ-બિદ્દત કોઈ પણ રીતે ગેરકાયેદસર માનવામાં આવશે. જેમાં બોલીને અથવા કોઈ પણ ઈલેક્ટ્રિક ડિવાઈસથી પણ ત્રિપલ તલાક આપવા ગુનો બનશે.
- ઓફિશિયલ્સ પ્રમાણે દંડ અને બાળકોની કસ્ટડી મહિલાને આપવાનું પ્રોવિઝન એટલા માટે રાખવામાં આવ્યા છે જેથી મહિલાને ઘર છોડવાની સાથે જ કાયદાકીય રીતે સિક્યુરિટી મળી શકે. આ કેસમાં આરોપીને જામીન પણ નહીં મળી શકે.
- દેશમાં છેલ્લા એક વર્ષથી ત્રિપલ તલાક મુદ્દે વિવાદ શરૂ થયો છે અને સુપ્રીમ કોર્ટના આદેશ પછી સરકારે આ બિલ તૈયાર કર્યું હતું. સુપ્રીમ કોર્ટ ત્રિપલ તલાકને પહેલેથી જ મુળભૂત હક વિરુદ્ધનું અને ગેરકાયદેસર ગણાવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...