અત્યાચાર:અમદાવાદમાં પતિનું કોરોનાથી મૃત્યુ થયું, સાસરિયાઓએ પરીણિતા પર સારવારનો ખર્ચ પિયરથી લાવવા દબાણ કર્યું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસરિયાઓએ પરીણિતા પર ત્રાસ ગુજાર્યો ( પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
સાસરિયાઓએ પરીણિતા પર ત્રાસ ગુજાર્યો ( પ્રતિકાત્મક તસવીર)
  • સાસરિયાઓએ પૈસા માટે પરીણિતાને પીયરમાં જતી રહેવાનું કહેતાં તે પીયરમાં પુત્રી સાથે રહેવા લાગી હતી.
  • પોલીસે પરીણિતાની ફરિયાદને આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી.

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી એક પરીણિતાએ તેના સાસરિયા વિરૂદ્ધ ત્રાસ અપાયાની ફરિયાદ નોંધાવી છે. પરીણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ કોરોનાને કારણે મૃત્યુ પામ્યો ત્યારથી તેની પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. પતિનિ કોરોનાની સારવાર માટેનો ખર્ચ પણ પિયરમાંથી લાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું પણ તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પતિના મૃત્યુ બાદ સાસરિયાઓએ રંગ બતાવવાનું શરૂ કર્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મણિનગર પૂર્વ વિસ્તારમાં 41 વર્ષિય મહિલાના 2001માં લગ્ન થયાં હતાં. તેને સંતાનમાં એક પુત્રી છે. તેના પતિ મહેસાણા દુધસાગર ડેરીમાં નોકરી કરતાં હતાં. ગત મે માસમાં તેના પતિનું કોરોનાને કારણે અવસાન થયું હતું. પતિના મૃત્યુ બાદ સાસરિયાઓએ રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. સાસુ, સસરા, દિયર, દેરાણી અને નણંદ તથા માસીજીના પુત્ર અવારનવાર મહિલાને ત્રાસ આપતા હતા.

પિયરમાંથી પૈસા નહીં લાવે ત્યાં સુધી ઘરમાં ન રહેવા દેવાનું કહી ત્રાસ આપતા હતા ( પ્રતિકાત્મક તસવીર)
પિયરમાંથી પૈસા નહીં લાવે ત્યાં સુધી ઘરમાં ન રહેવા દેવાનું કહી ત્રાસ આપતા હતા ( પ્રતિકાત્મક તસવીર)

પતિની સારવારનું બિલ પિયરમાંથી લાવવા દબાણ કરાતું
મહિલાના પતિને કોરોનાની સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું બિલ ચૂકવ્યા બાદ પૈસા પિયરમાંથી લઈ આવવા દબાણ કરતા હતા. એટલું જ નહીં, ઘરમાંથી કાઢી મૂકવાનું કહીને મિલકતમાં ભાગ ન આપવાનું કહી ત્રાસ આપતા હતા. તમામ લોકો મહિલા જ્યાં સુધી પિયરમાંથી પૈસા નહીં લાવે ત્યાં સુધી ઘરમાં ન રહેવા દેવાનું કહી ત્રાસ આપતા હતા. સાસરિયાઓએ સતત ત્રાસ આપી પૈસા ન લાવે તો પિયરમાં રહેવા જતા રહેવાનું કહેતા મહિલા પિયરમાં રહેવા લાગી હતી.

સાસરિયાઓના ત્રાસને કારણે પરીણિતાએ ફરિયાદ કરી
બીજી તરફ મહિલાના પતિનું મૃત્યુ થયા બાદ તેણે દૂધસાગર ડેરીમાં નોકરી મેળવવા માટે અરજી કરી હતી. જોકે, સાસરિયાઓએ મહિલાને નોકરી ન મળે તેવી અરજી કરી હતી. આમ સાસરિયાઓએ પરિણીતાને અલગ અલગ પ્રકારે ત્રાસ આપતા આખરે પરિણીતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.