ભાસ્કર વિશેષ:પતિ મૃત્યુ પામ્યો છે, પૈસાદાર સસરા ભરણપોષણ આપે : પત્ની વૃદ્ધ સસરાને સાચવવાના હોય, આવી માંગ ન કરાય : કોર્ટ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અવસાન થયું ત્યાં સુધી પતિ દર મહિને 25 હજાર ખાધાખોરાકી ચૂકવતો હતો

પતિ પાસેથી ભરણપોષણ મેળવતી પત્નીએ પતિના અવસાન બાદ સસરા પાસેથી ભરણપોષણ મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, તેના પતિનું 2019માં અવસાન થયુ છે તેને સંતાનમાં 2 દીકરા છે. પતિનું અવસાન થયું તે પહેલાં મહિને 25 હજારનું ભરણપોષણ દર મહિને ચૂકવતા હતા પરતું તેમના મોત બાદ પતિની કંપની તરફથી મળેલા નાણાં તેમના સસરા પાસે છે. સસરા ખૂબ પૈસાદાર છે તેથી તેમણે ભરણપોષણ આપવું પડે.

હાઈકોર્ટે મહિલાની અરજી ફગાવતા નારાજગી વ્યકત કરી હતી. કોર્ટે એવું અવલોકન કર્યુ હતું કે, સસરા વૃદ્ધ થાય પછી દીકરાની જગ્યા પુત્રવધૂએ લેવાની હોય તેમની દરકાર લેવાની હોય, તેના બદલે તમે સસરા પાસે ભરણપોષણ માગો છો? સસરાની વૃદ્ધાવસ્થામાં તેમને સાથ આપવાને બદલે તેમને કોર્ટના ધક્કા ખવરાવાની વૃત્તિ અને કાયદો બન્ને મંજૂરી આપતો નથી. ત્યારબાદ હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી.

દીકરા ધ્યાન રાખે તો ભરણપોષણ માગી શકાય
મહિલા અરજદારે કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, તેમના બંને દીકરા સારું કમાય છે પણ સંતાનો પાસે માગવા છતાં મને મળતા નથી. હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, દીકરા તમારું ધ્યાન ન રાખે તો તેમની પાસેથી ભરણપોષણ માગવા હકદાર છો. પરંતુ પતિના મોત બાદ તેમના પિતા પાસેથી ભરણપોષણ માગી શકાય નહીં.

એક દીકરો વિદેશ હોવા છતાં માગણી કરી
હાઇકોર્ટે મહિલાને એવા સવાલ કર્યા હતા કે, તમારે બે દીકરા છે તેઓ શું કરે છે? તેમની ઉંમર શું છે? તમારા પતિનું મૃત્યુ થયા પછી પણ તમારે તેમના પરિવાર પાસેથી શું લેવું છે? હાઇકોર્ટે એકસાથે મહિલાને કરેલા પ્રશ્નોથી મહિલા ગભરાઇ ગઇ હતી. તેણે કોર્ટને એવી રજૂઆત કરી હતી કે, દીકરા બન્ને કમાય છે. એક દીકરો વિદેશમાં સારી આવક ધરાવે છે.

અંતિમક્રિયામાં પણ આવી ન હતી
મહિલા અરજદારના સસરાએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેમનો પુત્ર બીમાર હતો અને હોસ્પિટલમાં દાખલ હતો છતાં તેની પત્ની ખબર કાઢવા પણ આવી નથી. દીકરાની અંતિમ વિધિ દરમિયાન દર્શન કરવા પણ આવી નથી. તેણે મારા પુત્રને આખી જિંદગી માંગણી કરી કરીને ત્રાસ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...