28 મે, શનિવારની મોડી રાત્રે જ્યારે અમદાવાદીઓ ગાઢ નિદ્રામાં પોઢી ગયા હતા ત્યારે એક ભયંકર અકસ્માતમાં નવપરિણીત દંપતીનું ધ્રુજાવી દેતું મોત થયું હતું. શહેરના સોલા ઓવરબ્રિજ પર ઓવરસ્પીડમાં જતી સ્વિફ્ટ ડિઝાયર કારે ટીવીએસ જ્યુપિટર પર જઈ રહેલા યંગ કપલને પાછળથી જબરદસ્ત ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી ખતરનાક હતી કે સ્કૂટર પહેલા અનેક ફૂટ સુધી ઢસડાયું હતું અને પછી પતિ-પત્ની ઊછળીને બ્રિજની નીચે પટકાયાં હતાં. બંને અંદાજે 50-60 ફૂટના અંતરે પટકાયાં હતાં. બીજી તરફ, ટક્કર મારનાર કાર પણ પલટી થઈને બ્રિજ પર અંદાજે 100 ફૂટ સુધી ઢસડાઈ હતી. નીચે પટકાયેલાં પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં, ડ્રાઈવર કાર મૂકીને ભાગી ગયો હતો. આ અંગે દિવ્ય ભાસ્કરે મૃતક કપલનાં પરિવારજનો અને ઘટનાસ્થળે હાજર લોકોને મળી અકસ્માત અંગેની વિગતો જાણી હતી, જેમાં હચમચાવી દેતા ઘટસ્ફોટ થયા હતા.
SG હાઈવે પર હોટલમાં જમવા ગયા હતા
અમદાવાદના ચાંદખેડામાં આસ્થા સ્ક્વેર સોસાયટીમાં રહેતા હસમુખભાઇ રામજીભાઇ વાણિયા પોલીસમાં ASI પદેથી રિટાયર થયા છે. પરિવારમાં બે મોટી દીકરી અને એક નાનો દીકરો દ્વારકેશ હતો. 34 વર્ષીય દીકરા દ્વારકેશના બે મહિના પહેલાં 28 માર્ચના રોજ હર્ષદભાઈ મેકવાનની 32 વર્ષીય દીકરી જુલી સાથે લગ્ન થયા હતા. દ્વારકેશ વાણિયા આસ્થા મોટર્સ નામનો ટૂ-વ્હીલરનો શોરૂમ ચલાવતો હતો. નવપરિણીત કપલે હસીખુશીથી નવી જિંદગી શરૂ કરી હતી. બંનેએ અનેક સપનાં સજાવ્યા હતા. દરમિયાન લગ્નના બે મહિના પૂરા થતાં એનિવર્સરી પર કપલ SG હાઈવે પર નવું ખરીદેલું ટીવીએસ સ્કૂટર લઈને ડિનર પર નીકળ્યું હતું, જ્યાં બંનેએ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો, પણ કપલને ક્યાં ખબર હતી કે તેમની જિંદગીની આ છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. રાત્રે કપલ સ્કૂટર પર બેસીને ઘરે જવા નીકળ્યું હતું. કપલ જેવું સોલા ઓવરબ્રિજ પર પહોચ્યું કે પાછળથી આવતી સ્વિફ્ટ ડિઝાયર કાર (નંબર-GJ01 KP 9398)એ ધડામ દઈને ટક્કર મારી હતી.
બ્રિજના બોલ્ટ સાથે ઘસાતાં દ્વારકેશનાં આંતરડાં બહાર આવી ગયાં
કારે એટલી ભયંકર રીતે ટક્કર મારી હતી કે સ્કૂટર રોડ પર અનેક ફૂટ સુધી ઢસડાયું હતું. બે ઘડી કંઈ સમજે એ પહેલાં દ્વારકેશ પણ બ્રિજ નીચે પટકાયો હતો. દ્વારકેશ બ્રિજ ઉપરથી નીચે પડ્યો એ પહેલાં સાઈડની પાળી પર લાગેલા એક ફુટના બોલ્ટ સાથે ઘસાયો હતો. આ કારણે તેનું પેટ ફાટીને આંતરડાં બહાર આવી ગયાં હતાં. બોલ્ટ પર તેના શર્ટનો એક ટુકડો પણ ચોંટી ગયો હતો. નીચે પડેલા દ્વારકેશનું ત્યાં ને ત્યાં જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બે સેકન્ડ બાદ જુલી ઊછળીને બ્રિજની નીચે માથાભેર પટકાઈ હતી.
બંનેના હાથ-પગના જોઈન્ટ વિરુદ્ધ દિશામાં ફરી ગયા હતા
આ અંગે દ્વારકેશના મિત્ર સ્વપ્નેશ નાગર સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે આ બહુ જ ખરાબ અકસ્માત હતો. ગાડી ચલાવનારની બહુ જ ગંદી બેદરકારી સામે આવી હતી. એક્સિડન્ટ બાદ પણ બંને 50-60 ફૂટ સુધી ઘસડાયાં હતાં. ત્યાર બાદ બંને પુલ પરથી નીચે પડતાં તેમના હાથ પગના જોઇન્ટ પણ વિરુદ્ધ દિશામાં ફરી ગયા હતા. જ્યારે ભાભી માથાના ભાગે નીચે પડ્યાં હતાં.
લોકોએ રૂપિયા અને મોબાઈલ ચોરી લીધો
દ્વારકેશના મિત્ર સ્વપ્નેશ નાગરે ચોંકાવનારો આરોપ પણ મૂક્યો હતો. તેણે કહ્યું હતું, 'અમને પાછળથી ખબર પડી કે દ્વારકેશ જ્યાંથી જમીને નીકળ્યો એના અડધો કલાક પહેલાં જ એક ડીલ કરી હતી, જેનું 80-90 હજાર રૂપિયાનું પેમેન્ટ પણ તેની પાસે હતું. દ્વારકેશ નીચે પડ્યો ત્યારે રૂપિયા વેરાઈ ગયા. એ વખતે પબ્લિકે પણ લાભ લીધો હતો. એક્સિડન્ટ કરવાવાળાએ તો કર્યું, પરંતુ એવા સમયે કોઈએ એના પૈસા અને મોબાઇલની પણ ચોરી કરી લીધા હતા. દ્વારકેશના મોબાઈલ પર ફોન કરતાં કોઈ ઉપાડતું નહોતું. પાછળથી એક અજાણ્યા શખસે ફોન ઉપાડી ગાંધીનગર બોલાવીને અમને ફોન અને ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા. એ ભાઈએ એવું પણ જણાવ્યું કે ત્યાં પૈસા ઊડ્યા હતા. અમારે પૈસા નથી જોતા, પરંતુ આવા સમયે માણસને બચાવવાની જગ્યાએ લોકોએ જે કર્યું એ અયોગ્ય હતું.'
દ્વારકેશ સામાન્ય રીતે કાર લઈને જતો, પણ એ રાતે જ એક્ટિવા લઈને ગયો
મૃતકના કાકા કનુભાઇએ કહ્યું હતું કે દ્વારકેશ એટલો શાંત સ્વભાવનો હતો કે તેણે ક્યારેય રફ ડ્રાઇવિંગ કર્યું નથી. આમ તો એ ગાડી લઈને જ જાય છે, પરંતુ એ દિવસે ખબર ના પડી કે જમવા સ્કૂટર લઈને ગયો હતો. એ રાત્રે પોલીસનો ફોન આવ્યો અને તેઓ સોલા સિવિલમાં ગયા ત્યારે બંનેની બોડી જોઈને તેમની ઉપર આભ તૂટી પડ્યું હતું. જાણવા મળતી વિગત મુજબ ટીવીએસ જ્યુપિટરનો નંબર પણ હજી આવ્યો નથી તેમજ તેના પર દોરેલો સાથિયો પણ હજી ભૂંસાયો નથી. આ સ્કૂટર દ્વારકેશે જુહીને ગિફ્ટ કર્યું હતું.
રોડ પરનાં નિશાન અકસ્માતની ભયાનકતા દેખાડે છે
સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે બ્રિજ પર જ્યાં અકસ્માત થયો હતો ત્યાં હાલ પણ ટાયરનાં નિશાન તથા ગાડી ઊંધી પડીને ઘસડાયા બાદ સફેદ રંગનાં નિશાન જોઈ શકાય છે. ઉપરાંત ગાડી જ્યાંથી દીવાલ પર ચડી ત્યાં દીવાલ પર ટાયરનાં કાળાં નિશાન પડી ગયાં છે. અકસ્માત સ્થળના નિશાન જોતાં જ એ કેટલી હદે ભયાનક હશે એ સમજી શકાય છે. જ્યારે દ્વારકેશ અને જુલીના મૃતદેહ નીચે પડ્યા તેમની વચ્ચે પણ આશરે 60 ફૂટ જેટલું અંતર હતું. જુલી રસ્તાની બીજી તરફ આવેલા STના બોર્ડ પાસે પડી હતી, જ્યારે દ્વારકેશ બમ્પ પાસે પડ્યો હતો.
પિતાના આધારકાર્ડને આધારે ઓળખ થઈ
અકસ્માતથી બોમ્બબ્લાસ્ટ થયો હોય એવો અવાજ આવ્યો હતો. થોડીવારમાં રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બંનેના મૃતદેહોને 108 એમ્બ્યુલન્સમાં સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. દ્વારકેશના પિતા હસમુખભાઇનું આધારકાર્ડ દ્વારકેશ પાસે જ હતું, જેના આધારે લોકો શોધતાં શોધતાં રાણીપ જૂના ઘરે પહોચ્યા હતા. બાદમાં રાણીપ રહેતા સંબંધીએ હસમુખભાઈને જાણ કરી હતી.
સ્થાનિક લોકોએ શું કહ્યું?
આ અંગે દિવ્ય ભાસ્કરે એક સ્થાનિક વ્યક્તિ સાથે વાત કરતાં તેમણે કહ્યું, 'હા, મેં પણ સાંભળ્યુ કે આવી કોઈ ઘટના બની હતી. ભાઈ પેલી તરફ પડ્યા હતા અને બેન આ બાજુ પડ્યાં હતાં. એક્ઝેટલી તો ખબર નથી, કારણ કે રાતે સાડાઅગિયાર થયા હતા અને હું ઘરે જતો રહ્યો હતો. જોકે આ બ્રિજ બન્યો ત્યારથી આવા અકસ્માતો ચાલુ ને ચાલુ જ છે.' અન્ય એક મહિલાએ પણ એવું કહ્યું હતું, 'રાતે ખબર પડી કે અકસ્માત થયો છે તો અમે ઘરની બહાર દોડી આવ્યા. ત્યાં જઈને જોયું તો ભાઈ બમ્પ આગળ હતા અને બેન તેમનાથી દૂર પડ્યાં હતાં.'
મોતનું બીજું સરનામું એટલે સોલા બ્રિજ
અન્ય એકનું કહેવું હતું કે અગાઉ પણ સોલા બ્રિજ પર આવી ઘટનાઓ બની હતી.. હવે અહી પણ બની રહી છે. આવા અકસ્માતો ગોતા બ્રિજ પર પણ વધારે થાય છે. પહેલું લૉકડાઉન થયું એ વખતે ગોતા બ્રિજ પર એક ASI પ્રાઈવેટ કારમાં જતા હતા અને અચાનક ગાડી પલટી મારી ગઈ હતી. એની પહેલાં પણ એક અકસ્માત થયો ત્યારે એક્ટિવા પર જતા વૃદ્ધને ટક્કર મારતાં તેઓ બ્રિજ પર પડ્યા હતા, જ્યારે એક્ટિવા બ્રિજથી નીચે પડ્યું હતું. એક્ટિવા જ્યાં પડ્યું એ સ્થળે એક મોચી તથા એક દરજી બેસે છે. જો અકસ્માત દિવસે થયો હોત તો બંનેનો ભોગ લેવાઈ ગયો હોત. ઉપરાંત પોલીસની ગાડી પણ પેટ્રોલિંગ કરતી હોય છે. જો એની પર એક્ટિવા પડ્યું હોત તો એને પણ નુકસાન તો થાત જ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.