તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પત્નીને વાની બીમારી થતાં પતિ અને સાસુએ પિયર મોકલી દીધી, કહ્યું - દવાના પૈસા લઈ આવ તો રાખીએ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાપુનગરની યુવતીએ ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

લગ્નજીવનમાં પતિપત્નીએ સુખદુ:ખ સાથે વહેંચીને જીવનની નૌકા પાર પાડવાની હોય છે, પરંતુ અમુક વખતે એક પાત્ર બીજાની તકલીફમાં સાથ ન આપવાને બદલે પોતાની રાહ બદલી લેતું હોય છે. આવું જ કંઈક બાપુનગરની યુવતી સાથે થયું છે, જેમાં તેને લગ્નના દોઢ વર્ષ પછી વાની બીમારી થતા પતિ અને સાસુએ તેને દવા નહીં કરાવી પિયરમાં મોકલી દીધી હતી. આ સંજોગોમાં યુવતીએ કંટાળીને પતિ અને સાસુ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન(ઈસ્ટ)માં ફરિયાદ નોંધાવી છે.

ભૂલો કાઢી વારંવાર હેરાન કરતા હતા
બાપુનગરમાં રહેતી 31 વર્ષીય યુવતીનાં લગ્ન 2013માં તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્નજીવનનનો શરૂઆતનો દોઢ વર્ષ સુધીનો તબક્કો સારી રીતે પસાર થયો હતો, પરંતુ એક દિવસ યુવતીને તાવ આવ્યો અને ત્યાર બાદ તેને વાની બીમારી હોવાનું નિદાન થયું. ત્યાર બાદથી તેના પતિ અને સાસુનો વ્યવ્હાર બદલાઈ ગયો હતો અને તેને નાનીનાની બાબતોમાં સાસુએ ભૂલો કાઢી હેરાન કરવાનું શરૂ કરી દીધું.

બીમારીમાં પરિવાર સાથ નહોતો આપતો
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સાસુ કહેતાં હતાં કે, તારા પિયરમાં આરામ કરવા જતી રહે ત્યાંથી દવા કરાવ. વારંવાર આમ કહીને તેને પિયર મોકલી દેવામાં આવતી હતી. ત્યાર બાદ યુવતી સાજી થાય ત્યારે તેનો પતિ તેને તેડી જતો હતો, પરંતુ પતિ તરફથી પત્નીની બીમારીમાં કોઈ પ્રકારનો સાથ સહકાર મળતો ન હતો. પતિ યુવતી સાથે હોસ્પિટલ પણ જતો ન હતો તેમ જ તેને મેડિકલ સ્ટોરમાંથી દવા લાવવાનું કહે તો ઇનકાર કરી દેતો હતો. આ સંજોગોમાં યુવતીને તેનાં સાસુ કહેતાં કે, તારી દવા કરાવવા માટે અમે સમર્થ નથી, તું તારા પિયરમાંથી દવાના પૈસા લઈને આવ તો જ તને રાખીશું એમ કહીને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા.

પત્નીને આરામ કરવા પિયર મોકલી તેડવા ન ગયો
આ દરમિયાન યુવતીને 2017માં પતિ દવા અને આરામ કરવાના બહાને પિયરમાં મૂકી ગયો હતો. ત્યાર બાદથી તેને તેડવા આવ્યો ન હતો. આ સંજોગોમાં કંટાળીને યુવતીએ મહિલા પોલીસ સ્ટેશન (ઈસ્ટ)માં પતિ અને સાસુ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

પતિએ કહ્યું, મારે છૂટાછેડા લેવાના છે
પત્નીને પિયરમાં આરામ કરવાના બહાને મોકલી દીધા બાદ લાંબા સમય સુધી તેડવા ન આવતા યુવતીના પરિવારજનોએ યુવતીના પિયરિયા તેના સાસરીએ ગયા હતા. જ્યાં પતિ અને સાસુએ કહ્યું હતું કે, તમારી દીકરીને લાંબા સમયની બીમારી છે, જેથી અમારે છૂટાછેડા લેવાના છે. આ કહીને રાખવાની સ્પષ્ટ ના પાડી હોવાનું યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...