મોર્નિંગ બ્રીફ:વાવાઝોડું તાઉ-તેની અસરથી ગુજરાતના અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, રાજ્યમાં કોરોનાનો દૈનિક મૃત્યુઆંક 100ની ઓછો થયો

5 મહિનો પહેલા

નમસ્કાર
રાજ્યમાં કોરોનાનો કહેર છે ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ભાવનગર જશે. રાજ્યમાં 28 દિવસ બાદ દૈનિક મૃત્યુઆંક 100થી નીચો આવ્યો છે. તો રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાની અસર આજથી શરૂ થશે અને રાજ્યના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે..

સેન્સેક્સ48,73242
ડોલર73.29-0.13

સોનું(અમદાવાદ) પ્રતિ 10 ગ્રામ

--

આ 6 ઘટના પર રહેશે નજર

1) તાઉ-તે વાવાઝોડાની રાજ્યના દરિયાકાંઠાના જિલ્લા અને વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના 2) મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાની સ્થિતિ અને નિયંત્રણની કામગીરીની સમીક્ષા કરવા આજે ભાવનગરની મુલાકાતે 3) અમદાવાદમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનનો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા 9 વોર્ડમાં પ્રારંભ કરાવશે 4) તાઉ-તે વાવાઝોડાને કારણે ભાવનગરના મહુવાનું માર્કેટ યાર્ડ આજથી 3 દિવસ એટલે કે 16મી મેથી 18મી મે સુધી બંધ રહેશે 5) રાજ્યમાં આજે પણ 45થી વધુ વયના લોકોને વેક્સિન નહીં અપાય, 10 જિલ્લામાં 18થી 45 વર્ષ સુધીનાનું વેક્સિનેશન થશે 6) અમદાવાદમાં AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) ગુજરાતમાં 28 દિવસ બાદ દૈનિક મૃત્યુઆંક 100થી ઓછો અને કુલ મોતનો આંકડો 9 હજારને પાર, સતત પાંચમા દિવસે 15 હજાર દર્દી ડિસ્ચાર્જ

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. રાજ્યમાં 28 દિવસ બાદ 9 હજાર આસપાસ 9 હજાર 61 નવા કેસ નોંધાયા છે. તેમજ સતત 11મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને 15 હજાર 76 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં દૈનિક મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને રાજ્યમાં 95 દર્દીના મોત થયા છે. 28 દિવસ બાદ 100થી ઓછા દર્દીના મોત નોંધાયા છે. અગાઉ 17 એપ્રિલે 97ના મોત નોંધાયા હતા. જેમાં સતત પાંચમા દિવસે 15 હજાર દર્દી ડિસ્ચાર્જ થયાં છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 83.84 ટકા થયો છે. કુલ મોતના આંકડો 9 હજારને પાર થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) તાઉ-તે વાવોઝાડાને લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક, સુરક્ષાની તૈયારીઓ કરવા તંત્રને સૂચના
ભારત સરકારના ગૃહમંત્રાલયમાં આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવિઝન-નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પોરબંદર અને નલિયા આસપાસ બપોરના સમયે ત્રાટકશે. તો ગાંધીનગરમાં તાઉ-તે વાવાઝોડાને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની મિટિંગ મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ ઝીરો કેઝ્યુઆલીટીના એપ્રોચ સાથે વહિવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા માટે સૂચના આપી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરી રહેલા સુરતના 'આપ'ના નેતા સહિત 3 યુવાનની કારનો વડોદરા નજીક અકસ્માત, ત્રણેયનાં ઘટનાસ્થળે મોત
વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં ત્રણ યુવાનનાં સ્થળ પર મોત નીપજ્યાં હતા. કારચાલકને ઝોકું આવી જતાં ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં પહોંચી ગઇ હતી અને પસાર થતી ટ્રક સાથે ભટકાઇ હતી. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવાનો પૈકી એક 'આપ' પાર્ટીના નેતા છે. જે સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવી રહ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) વડોદરામાં એકલવાયું જીવન જીવતા માતા-પુત્રીના નગ્ન અવસ્થામાં ઘરમાંથી મૃતદેહ મળ્યા, મકાનમાંથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવતી હતી
વડોદરા શહેરના હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસે આવેલ સવાદ ક્વાટર્સ સ્થિત પાર્વતીનગરમાં 161 નંબરના ઘરમાંથી એકલવાયું જીવન જીવતા માતા-પુત્રીના નગ્ન અવસ્થામાં રહસ્યમય મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઇ હતી. 161 નંબરના ઘરમાંથી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આ સાથે પોલીસે રહસ્યમય મોત અંગે તપાસનો દોર શરૂ કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) અમદાવાદના નરોડાના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, કોવિડ હોસ્પિ.માં દાખલ 12 દર્દીઓને 9 એમ્બ્યુલન્સની મદદથી રેસ્ક્યુ કરી SVP ખસેડાયા
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા સ્મશાન પાસેના એક કોમ્પ્લેક્સમાં બપોરે ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. કોમ્પ્લેક્સમાં કોરોનાની વેદાંત મલ્ટીસ્પેશિયાલ્ટી હોસ્પિટલ પણ આવેલી છે, ત્યાં એડમિટ 12 દર્દીઓને 9 એમ્બ્યુલન્સની મદદથી રેસ્ક્યૂ કરીને SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ આગ કાબુમાં આવી ગઈ છે, કોઈ જાનહાનિ થઈ નથી
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...