રાજ્યમાં ઠંડીની વિદાય થઈ રહી છે ત્યારે ફરીવાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે માવઠું થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 'અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતાં વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 19 ફેબ્રુઆરીના હળવો વરસાદ પડી શકે છે. રાજ્યમાં આ સિવાયના મોટા ભાગના હિસ્સામાં સૂકું વાતાવરણ રહેશે. આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછીના 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડીગ્રીનો વધારો થઇ શકે છે. 'વરસાદની શક્યતાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગત રાત્રિએ 9 ડીગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું.
ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે
અમદાવાદમાં 33.5 ડીગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.1 ડીગ્રીનો, જ્યારે 15.6 ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.9 ડીગ્રીનો વધારો થયો હતો. રાજ્યમાંથી અન્યત્ર ગાંધીનગરમાં 14, દીવમાં 16.4, વડોદરા-સુરેન્દ્રનગરમાં 16.8, ભુજમાં 17, ભાવનગરમાં 19.5, સુરતમાં 19.6 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ગરમીમાં વધારો અનુભવાઇ રહ્યો છે. હાલ ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. આગામી 3-4 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 3 ડીગ્રી સુધીનો વધારો થઇ શકે છે.
ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા
21 ફેબ્રુઆરી સુધી અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળાં વાદળો ગુજરાતના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શક્યતા છે. વધુ ભેજવાળા વાદળો હશે તો વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 21થી 23 ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષ અને કમોસમી વરસાદ થવાની શકયતા છે.
તાપમાન બહુ નીચું જવાની સંભાવના ઓછી
હવામાન વિભાગ પ્રમાણે, હજુ પણ ઠંડીનો ચોથો તબક્કો આવે તેવી સંભાવના દર્શાવાઇ રહી છે. જોકે તાપમાન બહુ નીચું જવાની સંભાવના ઓછી છે. ફેબ્રુઆરીના અંતમાં ઉનાળાની શરૂઆત થવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાયો છે, જયારે લઘુતમ તાપમાન પણ ઊંચકાતાં ધીમે-ધીમે શિયાળો વિદાય લઇ રહ્યો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં તાપમાન 4 ડીગ્રી સાથે ગત રોજ કરતાં પોઈન્ટ છ ડીગ્રી જેટલું ઊંચકાયું હતુ. ત્યારે દિવસ દરમિયાન તાપમાન 24 ડીગ્રી નોંધાયું હતું.
રાજ્યભરમાં મિશ્ર ઋતુનો અહેસાસ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઠંડીનું જોર ઘટી ગયું છે અને તાપમાનનો પારો પણ ઊંચે આવ્યો છે. એવામાં ગરમી અને ઠંડી બંને અનુભવાઈ રહી છે. હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ, ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં વારંવાર પલટો આવી શકે છે. આ દરમિયાન કમોસમી વરસાદ પણ પડી શકે છે. 14મી ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.