અમદાવાદીઓ રોડ પર સાચવજો:શહેરમાં બે દિવસમાં 7 જગ્યાએ વિશાળ ભૂવા પડ્યા, ખોખરામાં વધુ બે ભૂવા પડતાં લોકોમાં રોષ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે અમદાવાદના ખોખરા અને હાટકેશ્વર વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએ ભૂવા પડ્યા છે. ખોખરામાં જશોદાનગરથી મણિનગર જતા રોડ પર ભગવતીપાર્ક સોસાયટીના ગેટની સામે ભૂવો પડતા આઈસર ટ્રક તેમાં ફસાઈ ગઈ હતી. જ્યારે ખોખરા સેવન્થ ડે સ્કૂલના ગેટ પાસે જ ભૂવો પડ્યો છે. અમદાવાદમાં વરસાદ બાદ પણ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના ખોખરા વિસ્તારમાં બે દિવસમાં ત્રણ ભૂવા પડ્યા છે. 48 કલાકમાં સાત જેટલા ભૂવા પડતાં શહેરમાં હવે ગમે ત્યારે રોડ ઉપર વિશાળ ખાડો પડે તેવી ભીતિ સેવાઈ રહી છે, જેથી નાગરિકોએ હવે રોડ ઉપર સાવચેતીથી ચાલવું પડશે અને તેમના વાહનો પણ ધ્યાન રાખીને ચલાવવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

પુરાણ મુદ્દે ટોરેન્ટ પાવરને તાકીદ કરાઈ
સ્થાનિક રહીશો મુજબ જશોદાનગરથી મણિનગર જતાં રોડ પર વીજ કંપની ટોરેન્ટ પાવરે થોડા મહિના પહેલા કેબલ નાખવાના કામને લઈને કરેલા ખોદકામ બાદ પુરાણ અને વોટરિંગ કામ ગુણવત્તાસભર ન કરતા અવારનવાર ભૂવા પડી રહ્યા છે. તેઓએ કોર્પોરેટરો તેમજ ટોરેન્ટ પાવરના અધિકારીઓને બોલાવીને તાકીદ કરી કે આવી રીતે જે પુરાણ કરવામાં આવ્યું છે, તે યોગ્ય નથી તેને સુધારો નહીં તો કોઈ ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી ટોરેન્ટ પાવરની રહેશે.

ભૂવાના રિપેરિંગની કામગીરી
શુક્રવારે મણિનગર દક્ષિણી સોસાયટી પાસે અચાનક 12 ફૂટ જેટલો મોટો ભૂવો પડ્યો હતો. નજીકમાં ચા પી રહેલા નાગરિકોનો તેમાંથી બચાવ થયો હતો. એક તરફ દક્ષિણી પાસેથી પસાર થતી ડ્રેનેજ લાઇન આગળથી ચોકઅપ હતી. આ સમયે આ ચોકઅપ દૂર કરીને પ્રવાહને પૂર્વવત્ કરવા માટે મ્યુનિ. દ્વારા પ્રયાસો હાથ ધરાયા હતા. બીજી તરફ 45 વર્ષ જૂની આ લાઇનમાં પાણી દૂર કરવા માટે ચોકઅપ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જ અચાનક મેઈનહોલ બેસી ગયો હતો. મ્યુનિ. દ્વારા તત્કાલ આ સ્થળે ડિવોટરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેથી ત્યાં પાણી ખાલી થાય તો ભૂવાના રિપેરિંગની કામગીરી થઇ શકે. બીજી તરફ અખબારનગર સહિત અન્ય 4 સ્થળે ભૂવા પડ્યા હતા. જેમાં એક જગ્યાએ રોડ બેસી જવાની ઘટના બની હતી. મધ્ય ઝોનમાં એક તથા પશ્ચિમ ઝોનમાં 2 ભૂવા પડ્યા છે. જ્યારે દક્ષિણઝોનમાં મણિનગર ખાતે વધુ એક સ્થળે ભૂવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...