પરીક્ષાનું ટાઈમ મેનેજમેન્ટ:LRDની લેખિત અને શારીરિક કસોટીમાં કેવી રીતે કરશો ટાઇમ મેનેજમેન્ટ? 2 કલાકની લેખિત પરીક્ષામાં પ્રત્યેક MCQ માટે 83 સેકન્ડ મળશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • પુરુષ ઉમેદવારો 5 કિલોમીટરની દોડ 20 મિનિટમાં પૂરી કરે તો પૂરા 25 માર્ક્સ મળશે
  • મહિલા ઉમેદવારો 1600 મીટરની દોડ 7 મિનિટમાં પૂરી કરો તો તેમને 25 માર્ક્સ મળશે

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં 10 હજારથી વધુ જગ્યા માટે અંદાજે સાડાનવ લાખ જેટલાં પુરુષ અને મહિલા ઉમેદવારો તૈયારી કરી રહ્યાં છે. શારીરિક કસોટી સાથે લેખિત પરીક્ષાની પણ ઉમેદવારો સાથે જ તૈયારી કરી રહ્યા છે. આગામી ડિસેમ્બર મહિનાની 1થી 10 તારીખ વચ્ચે શારીરિક પરીક્ષા યોજાવાની છે. ઉમેદવારોની શારીરિક પરીક્ષા પૂરી થતાં એક મહિનામાં જ લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે, જેથી તેઓ અત્યારથી લેખિત પરીક્ષાની પણ તૈયારી કરતા રહે એ જરૂરી છે. શારીરિક કસોટીમાં પૂરા 25 માર્ક્સ લેવા માટે પુરુષ ઉમેદવારોને 20 મિનિટમાં, મહિલા ઉમેદવારોને 7 મિનિટ અને એક્સ-આર્મીમેને 9.30 મિનિટ કે તેથી ઓછા સમયમાં દોડ પૂરી કરવી પડશે. આવી જ રીતે લેખિત પરીક્ષામાં 2 કલાકમાં 100 પ્રશ્નો પૂછવામાં આવશે.

લેખિત પરીક્ષાનું ટાઈમ મેનેજમેન્ટ
શારીરિક અને લેખિત બંને કસોટી યોગ્ય સમયમાં પૂર્ણ કરવા માટે તમામ ઉમેદવારોએ ઝડપ જાળવી રાખવી પડશે. એવામાં દિવ્ય ભાસ્કરે દોડની પરીક્ષા તથા લેખિત પરીક્ષા માટે ખાસ એનાલિસિસ કર્યું છે, જે મુજબ 100 માર્ક્સની લેખિત પરીક્ષા માટે 120 મિનિટ આપવામાં આવી છે. આમ, પ્રત્યેક સવાલનો જવાબ માટે 83 સેકન્ડ જેટલો સમય ઉમેદવારને મળશે. જો કોઈ ઉમેદવાર દરેક સવાલ પાછળ 83થી વધુ સેકન્ડનો સમય લે છે તો છેલ્લે પેપરમાં કેટલાક સવાલો છૂટી જવાની સંભાવના રહી શકે છે. ઘણીવાર રીઝનિંગના પ્રશ્નોમાં ઉમેદવારોનો વધુ સમય જતો હોય છે. એવામાં પેપર આપતા સમયે ઉમેદવારે પોતાનો સમય યોગ્ય રીતે વહેંચીને આ પ્રશ્નોને એટેમ્ટ કરવા જોઈએ.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

પુરુષ ઉમેદવારો માટે દોડનું ટાઈમ મેનેજમેન્ટ
જે મુજબ પુરુષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ માટે આમ તો 25 મિનિટ અપાઈ છે, પરંતુ જો તેઓ 20 મિનિટ કે તેથી ઓછા સમયમાં દોડ પૂરી કરે છે તો પૂરા 25 માર્ક્સ મળશે. આટલા મોટા અંતરને નાના નાના ટાર્ગેટમાં વહેંચીને દોડવાથી સરળતા રહે છે. શારીરિક કસોટીમાં પુરુષ ઉમેદવારે પ્રત્યેક એક મિનિટમાં 250 મીટરની એવરેજ ઝડપ જાળવી રાખવી પડશે. જો તે આમ કરવામાં સફળ રહેશે તો 20 મિનિટમાં 5000 મીટરનું અંતર સરળતાથી પાર કરી શકશે.

મહિલા ઉમેદવારો માટે દોડનું ટાઈમ મેનેજમેન્ટ
આવી જ રીતે મહિલા ઉમેદવારોને 1600 મીટરની દોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ દોડ પૂરી કરવા તેમને આમ તો 9.30 મિનિટ સુધીનો સમય અપાયો છે, પરંતુ જો તેઓ 7 મિનિટ કે તેથી ઓછા સમયમાં આ અંતર પાર કરશો તેમને પૂરા 25 માર્ક્સ મળશે. મહિલા ઉમેદવારો જો છેક સુધી 1 મિનિટમાં 229 મિનિટ દોડવાની ઝડપ જાળવી રાખે તો તેઓ 7 મિનિટ કે તેથી ઓછા સમયમાં આ અંતર પાર કરી શકશે.

ફાઈલ તસવીર.
ફાઈલ તસવીર.

એક્સ-આર્મીમેન ઉમેદવારો માટે દોડનું ટાઈમ મેનેજમેન્ટ
એક્સ-આર્મીમેન ઉમેદવારોને 2400 મીટરની દોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ દોડ પૂરી કરવા માટે તેમને 12.30 મિનિટ સુધીનો સમય અપાયો છે, પરંતુ દોડના પૂરા 25 માર્ક્સ લેવા માટે તેમણે 9.30 મિનિટ કે તેથી ઓછા સમયમાં આ દોડ પૂરી કરવાની રહેશે. એવામાં આવા ઉમેદવારોએ પ્રત્યેક મિનિટમાં 258 મીટર કે તેથી વધુ ઝડપે દોડની સરેરાશ જાળવી રાખવી જરૂરી બને છે.

દોડના માર્ક્સની મેરિટમાં ગણતરી થશે
પુરુષ ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 20 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 7 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 9થી 9.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનાર ઉમેદવારને માત્ર 10 માર્ક્સ મળશે. એક્સ-સર્વિસમેને પૂરા 25 માર્ક્સ લેવા માટે 9.30 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 12 અને 12.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે, જેથી ઉમેદવારો જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરશે એટલા વધુ માર્ક્સ મળશે અને મેરિટમાં તેને ફાયદો થઈ શકે છે.