કોઈપણ અમદાવાદી પૂર્વમાં નારોલ સર્કલથી વિશાલા ટોલનાકા તરફ આવતો હોય ત્યારે રસ્તામાં પિરાણા સ્થિત કચરાના પહાડ તરફ અનિચ્છાએ પણ ડોકિયું કરીને નાકનું ટેરવું ન ચઢાવે તો જ નવાઈ! અહીંથી નીકળતા દર સોમાંથી એંશી વ્યક્તિના મોઢામાંથી એવું વાક્ય નીકળતું જ હશે કે "ભગવાન જાણે આ કચરાનો ડુંગર ક્યારે દૂર થશે!" દૂરથી જ જેને જોઈને ચિતરી ચઢે અને નજીક પહોંચતાં દુર્ગંધથી નાક પર કપડું મૂકી દેવાય એવી આ નર્કાગાર જગ્યા ગરીબોની 'હેપ્પી સ્ટ્રીટ' છે. આ ડમ્પિંગ સાઈટના 200 ફૂટ ઊંચા ઢગલા પર દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું. ત્યાં આ નર્કમાં પણ ખુશીઓ શોધતા ગરીબોનું ખાણી-પીણીનું નાનું બજાર ભરાય છે. અહીં નાનાં ભૂલકાં-મહિલાઓએ ફાઈવ સ્ટાર લાઇફની ચકાચૌંધ ક્યારેય જોઈ નથી, પણ કચરાની ખાલી થતી ગાડીઓમાં પોતાનાં સપનાં શોધે છે.
'કચરામાંથી કંચન'રૂપી ખુશીઓ શોધતા લોકો
પીરાણા ચોકડીએથી પસાર થતા લોકો અહીંની દુર્ગંધથી નિસાસો નાખે છે. અહીં આખા અમદાવાદનો રોજનો 2300 મેટ્રિક ટન જેટલો કચરો ખડકાય છે, એટલે આ જગ્યા નર્ક જેવી હોય એવું સ્વાભાવિક છે, પણ અહીં ઉપર પણ એક દુનિયા છે, જેના પર સેંકડો લોકો નભે છે. અહીં પણ નાની-નાની ખુશી છે, પણ એ નર્ક જેવું જીવન જીવતા લોકોએ સ્વીકારી લીધું છે. કોઈ 3થી 4 વર્ષનું બાળક છે તો કોઈ એક દાયકાથી અહીં જ છે. બધા અહીં સમોસાં-ચટણી અને ચાની લહેજત માણે છે ને ટિફિન ખોલીને પણ ખાવા બેસી જાય છે. તેમના માટે તો આ તક કચરામાંથી કંચનરુપી ખુશીઓ શોધવા જેવી છે.
કચરાના ઢગલા પર 300 લોકો રોજી રોટીની શોધમાં
દિવ્ય ભાસ્કરએ જ્યારે પીરાણા ડમ્પિંગ સાઇટ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે માત્ર દુર્ગંધ અને કચરાના ઢગલા, જેમાં ચાલતાં ડમ્પર, જે કચરો ભરીને આવતાં હતાં એ જ નજરે ચઢતાં હતાં. ધીમે ધીમે જ્યારે કચરાના ઢગલા ઉપર જાઓ ત્યારે જરાય સહન ન થાય એવી દુર્ગંધ સાથે સડેલી વસ્તુઓ અહીં પડેલી હતી, પણ જ્યારે 200 ફૂટ ઉપર જાઓ, એટલે એ નજારો જોઈને ચોંકી જવાય એવો હતો. અહીં મહિલાઓ, બાળકો, વૃદ્ધ અને અન્ય 300 જેટલા લોકો કોઈપણ પરેશાની કે ચિંતા વિના બિનધાસ્ત ફરી રહ્યાં હતાં.
કચરો ભરેલી ગાડી આવતાં જ એક-એક કરી લોકો ગોઠવાઈ જતા
અહીં એક કચરાની ગાડી આવે એટલે તેની ફરતે લોકો ગોઠવાઈ જતા અને એક-એક વસ્તુ અલગ કરીને ભેગી કરતા હતા, જેમાં પ્લાસ્ટિક, કાચની બોટલ, દારૂની ખાલી બોટલ અને વાળ સૌથી વધુ ડિમાન્ડમાં હોય એને વીણવા લોકોની પડાપડી થતી હતી. અહીં કામ કરવા આવતા લોકો આ કચરો વીણીને વેપારીઓને વેચે છે, જેમાંથી કોઈ 200 તો કોઈ 2000 કમાય છે, પણ ગરીબના ભાગે માત્ર મજૂરી અને સાંજે જમવા પૂરતા રૂપિયા જ નસીબમાં હોય છે. કચરાના ઢગલા પર આ બધાની વચ્ચે પણ ક્યાંક નાની-નાની ખુશી મેળવવા આ લોકો પ્રયાસ કરતા હોય છે. એટલું જ નહીં, ક્યારેક કોઈને તકલીફ હોય અથવા પરિવારને કોઈ સમસ્યા હોય તો ગરીબ લોકોના મનમાં વધુ લાગણી હોય છે. તે તેને સારા રૂપિયા મળે એવો કચરો આપવા માટે પ્રયાસ કરતા હોય છે અને એકબીજાની તકલીફમાં સાથી બને છે.
કચરાના પહાડ પર હેપ્પી સ્ટ્રીટની વ્યવસ્થા
આ કચરાના પહાડ પર અમદાવાદના લો ગાર્ડન કે માણેક ચોક જેવી ચોખ્ખાઈ તો નથી, ત્યાં પણ એક હેપ્પી સ્ટ્રીટની જેમ ખાણી-પીણીની વ્યવસ્થા છે. અહીં આ પરિસ્થિતિમાં સમોસાં અને અન્ય વસ્તુઓ વેચાય છે. અહીં લોકોને ચા-કોફી પણ મળે છે. ફક્ત ફરક એટલો છે કે આ જગ્યા અમદાવાદનું નર્ક છે. તેમના નસીબમાં ઘર, વાહન કે ખાવા માટે પિત્ઝા-બર્ગર તો નથી, પણ અહીં જે તેમને મળી રહ્યું છે, એનાથી તેમની સંતુષ્ટિ આજકાલના લોકોને ઘણું શીખવી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.