જો તમે સંક્રમિત છો તો ખાસ વાંચો:હોમ આઇસોલેશનમાં કેટલા દિવસ રહેવું?, ત્રણ દિવસથી તાવ આવે છે તો શું કરવું?, એક કોલ પર મેળવો આવા જ તમામ પ્રશ્નોના જવાબ

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • પોઝિટિવ દર્દીઓ માટે AMC દ્વારા ટોલ ફ્રી નંબર 14499 “સંજીવની ટેલીમેડિસિન” સેવા શરૂ
  • દિવ્ય ભાસ્કરે કર્યો ગ્રાઉન્ડ રિપોર્ટ કરી જાણ્યું આ કોલ સેન્ટર કેવી રીતે કામ કરે છે

રાજ્યમાં કોરોના મહામારીની હવે સુનામી આવી ગઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં દૈનિક 6000 કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. જોકે કોરોનામાં હળવાં લક્ષણો ધરાવતા મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને ડોકટરના માર્ગદર્શનની જરૂરિયાત ઊભી થાય તો તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટોલ ફ્રી નંબર 14499 “સંજીવની ટેલીમેડિસિન” સેવા શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી સંજીવની ટેલીમેડિસિનના સેવાના કોલસેન્ટરનો દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. ઓન કોલ પર હાજર રહેલા ડોક્ટરો દર્દીઓને દવા અને તેમને પડતી તકલીફના નિરાકરણ અંગે સમજાવે છે, એની સમગ્ર વિસ્તૃત માહિતી મેળવી હતી.

ડો.વિરલ શાહ, SVP હોસ્પિટલ.
ડો.વિરલ શાહ, SVP હોસ્પિટલ.

કેવી રીતે કામ કરે છે ટેલીમેડિસિન કોલ સેન્ટર?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટસિટી સેન્ટર ખાતે આ ટેલીમેડિસિનના કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરો ત્રણ શિફ્ટમાં 24 કલાક કામગીરી કરે છે. SVP હોસ્પિટલના ટેલીમેડિસિન વિભાગના ડોકટર વિરલ શાહે આ સેવા અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ દર્દીઓ જેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે તેમને તબીબી માર્ગદર્શન આપવામાં આવે છે. ફોન આવે ત્યારે તેમનું નામ, એરિયા અને તેમને શું લક્ષણો છે એની માહિતી આપીએ છીએ. જે રીતે લક્ષણો હોય એ મુજબની દવા લેવા માટે અમે દવાના નામ સાથે વિસ્તૃત માહિતી આપીએ છીએ. જો વધુ તાવ હોય અને સતત તાવ રહેતો હોય તો SVP હોસ્પિટલમાં અથવા નજીકની હોસ્પિટલમાં જવા માટે સૂચન કરીએ છીએ.

ડો. મારીષા કોઠવાલા, SVP હોસ્પિટલ.
ડો. મારીષા કોઠવાલા, SVP હોસ્પિટલ.

દરરોજ 100 કોલ આવે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે 9 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી આ ટેલીમેડિસિન સેવામાં દરરોજના 50થી 100ની વચ્ચે કોલ આવે છે, જેમાં વધુપડતા ફોન લોકો પોતાને જે તકલીફ છે તો શું કરવું એના વિશે પૂછે છે. ઘણા લોકો ઘરે ગભરાઈ ગયા હોય છે, જેથી એક સાઇકિયાટ્રિક ડોકટરને પણ ટેલીમેડિસિન સેવામાં રાખવામાં આવ્યા છે.

એક વ્યક્તિ પોઝિટિવ હોય તો આખા ઘરનું શું થાય?
ટેલીમેડિસિન સેવામાં લોકોને ડોક્ટરી સલાહ આપતાં SVP હોસ્પિટલના રેસિડેન્ટ ડો.મિરિષા કોઠવાલાએ જણાવ્યું હતું કે જે પણ દર્દીનો ફોન આવે છે એમાં મોટા ભાગે હોમ આઇસોલેશનમાં કેટલા દિવસ રહેવાની જરૂર છે. મારી સાથે મારા ઘરના લોકો રહી શકે કે કેમ એવા પ્રશ્નો પણ કરે છે. જે લોકો પોઝિટિવ આવ્યા હોય છે તે હવે શું કરે એટલે આગળ હવે તેમને શું કરવાનું તેવા પ્રશ્ન કરે છે, જેથી અમે તેમને ડોક્ટરી સલાહ અને તેમની તબિયત અંગેની જાણકારી આપીએ છીએ. જેને પણ કફ-શરદી હોય તો તેને એ રીતે નજીકની અર્બન હેલ્થ સેન્ટરમાં સરકાર દ્વારા જે પણ દવા આપવામાં આવે છે એ લેવા માટે જણાવીએ છે. ઉપરાંત ઉંમરલાયક વ્યક્તિ છે તેમને વધારેપડતી તકલીફ હોય તો તેમને નજીકની હોસ્પિટલમાં જઈને સારવાર મેળવવા તેમજ દાખલ થવા માટે પણ જણાવીએ છીએ

સંજીવની ટેલીમેડિસિનના સેવાના કોલ સેન્ટરનો દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો.
સંજીવની ટેલીમેડિસિનના સેવાના કોલ સેન્ટરનો દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો.

દર્દી માટે ખાસ ડોકટર ટેલી-કન્સલટેશન સુવિધા
આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાથી જે-તે દર્દીને કોરોનાની સારવાર બાબતે હેલ્પ સેન્ટરમાં કાર્યરત ડોકટરોની ટીમ દ્વારા જરૂરી પૂછપરછ કરી વિગતો મેળવવામાં આવશે અને તબીબી સલાહ અને માર્ગદર્શન 24 કલાક ઉપલબ્ધ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના નાગરિકો કે જેઓ કોરોના પોઝિટિવ છે અને જેને ડોક્ટરની સલાહ-માર્ગદર્શનની જરૂરિયાત છે તેઓ આ હેલ્પલાઇન પર ફોન કરી ડોકટરનું ટેલી-કન્સલટેશન મેળવી શકે છે.

હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરો ત્રણ શિફ્ટમાં 24 કલાક કામગીરી કરે છે.
હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરો ત્રણ શિફ્ટમાં 24 કલાક કામગીરી કરે છે.

શું છે “સંજીવની કોરોના ઘર સેવા”?
આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત “સંજીવની કોરોના ઘર સેવા” ટીમ સમયાંતરે મુલાકાત લઈ તેમની તબિયતનું ચેકિંગ કરે છે. જરૂરી વાઇટલ ચકાસે છે અને જરૂરિયાત મુજબ દવાઓ પૂરી પાડવામાં આવે છે તથા જરૂર જણાય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા બાબતે સલાહ પણ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...