LRD ભરતી:શારીરિક કસોટીના પૂરા 25 માર્ક્સ લેવા માટે પુરુષ, મહિલા અને એક્સ-આર્મીમેન ઉમેદવારોએ આટલા સમયમાં દોડ પૂરી કરવી, સમજો માર્ક્સનું ગણિત

અમદાવાદ6 મહિનો પહેલા
શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારોની તસવીર.
  • પુરુષ ઉમેદવારોએ 25 માર્ક્સ માટે 20 મિનિટમાં 5 કિમીની દોડ પૂરી કરવી પડશે
  • મહિલા ઉમેદવારોએ 7 મિનિટ કે એનાથી ઓછો સમય 1600 મીટરની દોડ પૂરી કરવી પડશે

લોકરક્ષક દળની ભરતીમાં સૌથી પહેલા ફિઝિકલ ટેસ્ટ, એટલે કે શારીરિક કસોટી લેવામાં આવશે, જેમાં નિયત સમયમાં દોડ પૂરી કરનાર પાસ તો ગણાશે, પરંતુ ફિઝિકલ ટેસ્ટના માર્ક્સને મેરિટમાં ગણવામાં આવશે. દોડમાં જેટલા વધુ ગુણ હશે એટલો મેરિટમાં નંબર આગળ આવી શકે છે. એમાં પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટર (5000 મીટર)ની દોડ વધુમાં વધુ 25 મિનિટમાં, જ્યારે મહિલા ઉમેદવારોએ 1600 મીટર દોડ 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. એક્સ-સર્વિસમેને 2400 મીટરની દોડ 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.

દોડમાં 25થી 10 સુધીના માર્ક્સ મળશે
LRDની ભરતીમાં 9.46 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરીને અરજી કન્ફર્મ કરાવી છે. ત્યારે દિવ્યભાસ્કર તમને જણાવી રહ્યું છે કે શારીરિક કસોટીમાં કેટલા સમયમાં કેટલું દોડશો તો તમને કેટલા માર્ક્સ મળશે. તમારી દોડ પૂરી કરવાના સમય મુજબ અલગ અલગ માર્ક્સ મળશે, જે મેરિટ સમયે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પુરુષ અને મહિલા ઉમેદવારોને વધુમાં વધુ 25, જ્યારે ઓછામાં ઓછા 10 માર્ક્સ આ દોડની કસોટીમાં મળવાના છે.

દોડના માર્ક્સની મેરિટમાં ગણતરી થશે
પુરુષ ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 20 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. વધુમાં 24થી 25 મિનિટની વચ્ચે જો દોડ પૂરી થશે તો માત્ર 10 જ માર્ક્સ મળશે. જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 7 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 9થી 9.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. એક્સ-સર્વિસમેને પૂરા 25 માર્ક્સ લેવા માટે 9.30 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 12 અને 12.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. જેથી ઉમેદવારો જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરશે એટલા વધુ માર્ક્સ મળશે અને મેરિટમાં તેને ફાયદો થઈ શકે છે.

9.46 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ
નોંધનીય છે કે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા 9 નવેમ્બરના રોજ પૂરી થઈ ગઈ. લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓ આવી છે, જેમાં 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ છે. 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. છેલ્લા દિવસે કુલ 86,188 જેટલી અરજીઓ આવી હતી.

LRDની ભરતીનું ટાઈમ-ટેબલતારીખ
કોલ લેટર ઇસ્યુ થવાની તારીખ20 નવેમ્બર
શારીરિક પરીક્ષા1થી 10 ડિસેમ્બર
લેખિત પરીક્ષા

માર્ચનું પહેલું અઠવાડિયું

(આ પરીક્ષાની તારીખનું સંભવિત ટાઈમ ટેબલ છે)