આટલા વર્ષથી કોંગ્રેસને કોણ ફંડ આપે છે?:27 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ કેવી રીતે આટલા વર્ષોથી લડત આપી રહી છે, ઉમેદવારો કેટલો ચૂંટણી ખર્ચ કરે છે?

4 મહિનો પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય

રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી, તેની અસર તેની તિજોરી પર પડી છે. કોંગ્રેસની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. જેને પગલે વિધાનસભા ચૂંટણી લડતાં ઉમેદવારે ચૂંટણી લડવા મિત્રો કે પછી શુભેચ્છકોની મદદ લેવી પડે તેવી સ્થિતિ છે. વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ અને ઉમેદવાર માટે ખર્ચ મહત્વનો ભાગ ભજવતો હોય છે. તેમાં પણ કોંગ્રેસ ગુજરાતમાં 27 વર્ષથી વનવાસમાં છે. જેના કારણે ચૂંટણી સમયે પક્ષ અને અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ માટે મુસીબતોનો સામનો કરવો પડે છે. અન્ય સત્તાધારી મજબૂત રાજકીય પાર્ટી ની સામે ટકી નથી શકતી તેવો કોંગ્રેસના કાર્યકર્તાઓનો આક્રોશ છે.

ચૂંટણી પંચની મર્યાદામાં રહીને ચૂંટણી ખર્ચ કરાય છે
ગુજરાતમાં ચૂંટણી સમયે કોંગ્રેસ નાણાકીય તંગીના કારણે ક્યાં ઉમેદવારને ફંડ આપવું તે પ્રાયોરિટી નક્કી કરે છે. દરેક ઉમેદવારે ચૂંટણી પંચની મર્યાદા પ્રમાણે ખર્ચ કરવો પડે છે. 2017ના આંકડા પર નજર કરીએ તો અંદાજીત 28 લાખ દરેક ઉમેદવારની ચૂંટણી ખર્ચની મર્યાદા હતી. પણ વાસ્તવમાં પાર્ટીનો ચૂંટણી ખર્ચ આનાથી પણ વધારે હોય છે. 27 વર્ષથી કોંગ્રેસ સત્તામાં ના હોવાના કારણે કોંગ્રેસ તેમના જાહેર કરેલા ઉમેદવારમાં પ્રાયોરિટી નક્કી કરે છે. જેના કારણે જે સક્ષમ ઉમેદવાર હોય છે, જેનો ખર્ચ તેને પોતે જાતે જ ઉઠવવો પડે છે. જે ઉમેદવાર ચૂંટણી ખર્ચ કરવામાં સક્ષમ નથી, તેવા ઉમેદવારને પાર્ટી ચૂંટણી લડવા ફંડ આપે છે. પણ તે ચૂંટણી લડવા પૂરતું નથી હોતું, જેના કારણે મિત્ર અથવા શુભેચ્છકો થકી ફંડ મેળવા માટે પ્રયાસ કરે છે.

ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી નાણાકીય તકલીફ ઊભી થાય છે
કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીનું કહેવું છે કે, 27 વર્ષથી કોંગ્રેસ ગુજરાત સત્તામાં નથી, જેના કારણે ધીમે ધીમે પાર્ટી ફંડ આપનાર લોકોની સંખ્યા ઘડતી જાય છે. બીજી બાજુ કાર્યકર્તાઓની પણ આર્થિક તકલીફમાં વધારો થાય છે. કારણ કે, લાંબા સમયથી સરકારના હોવાના કારણે કાર્યકર્તાઓ લાંબા સમય સુધી રીતે આર્થિક રીતે પક્ષને યોગદાન આપી શકતા નથી. જેના કારણે અન્ય રાજકીય પાર્ટી 1 લાખ ખર્ચે ત્યારે કોંગ્રેસ માત્ર 1 રૂપિયો જ ખર્ચ કરે તે પ્રકારની સ્થિતિ ઉભી થાય છે. જે ઉમેદવાર ચૂંટણી ખર્ચ ઉપાડી નથી શકતી તેવા ઉમેદવારને 50 ટકા જેટલી રકમ પાર્ટી આપતી હોય છે. પાર્ટી પાસે ફંડ ઓછું આવવાના કારણો આપતા મનીષ દોશી કહે છે કે, સરકારના હોવાના કારણે સારા કામ લોકો સુધી પહોંચી શકતા નથી. જેના કારણે પાર્ટીમાં ફંડ આપનાર લોકોની સંખ્યા ઘટે છે અને ચૂંટણી સમયે નાણાકીય પ્રશ્ન ઉભો થાય છે.

કોંગ્રેસ ઉમેદવારો પાછળ કેટલો ખર્ચ કરે છે
જો 2017ના વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા 28 લાખની હતી. કોંગ્રેસ દ્વારા જે ઉમેદવાર ચૂંટણી ખર્ચ પૂરો કરવામાં સક્ષમ નહોતા. તેવા ઉમેદવારને ચૂંટણી લડવા માટે અંદાજીત 14થી 20 લાખ જેટલી સહાય કરી હતી અને પાર્ટીએ દરેક વિધાનસભા દીઠ 25થી 35 લાખ અલગથી ખર્ચ કર્યો હતો. 182 સીટ માટે આ ફંડ ભેગું કરવાનું હોવાથી તે ફંડ ભેગું કરવામાં પણ કોંગ્રેસને આંખે પાણી આવે તે પ્રકારની સ્થિતિ થઈ હતી.

ચૂંટણીમાં કયા પ્રકારના ખર્ચ થતાં હોય છે
ચૂંટણી આવે ત્યારે રોડથી લઈને સોશિયલ મીડિયામાં પ્રચાર માટે પોલિટિકલ પાર્ટી એજન્સી રોકતી હોય છે. જેમાં માર્કેટિંગ, LED, હોડિંગ્સ, એકોમોડેશન, ટ્રાન્સપોર્ટેશન માટે અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપાય છે અને તેનો ખર્ચ કરોડો રૂપિયામાં થતો હોય છે. અહીંયા પણ ફંડનો પ્રશ્ન આવતો હોઇ કોંગ્રેસ પાર્ટી અન્ય પાર્ટીઓ કરતાં પાછળ રહી જાય છે.

અન્ય પાર્ટીઓની સરખામણીએ ચૂંટણી ખર્ચમાં પાછળ રહીએ છીએ- ઇમરાન ખેડાવાલા
સત્તા ના હોવાના કારણે નાણાકીય ભંડોળ ઉભું કરવું પ્રશ્ન બને છે. ચૂંટણીમાં નાણાકીય પ્રશ્નના કારણે અન્ય રાજકીય પાર્ટીની સરખામણીએ અમે પ્રચાર પ્રસાર માધ્યમમાં પાછળ રહી જઈએ છીએ. પણ કેટલીક જગ્યાએ જો ઉમેદવાર બેકગ્રાઉન્ડ સારું હોય તો જે તે વિસ્તારમાં સભા કે પછી કાર્યાલય ખોલવાનું હોય તો સામાજિક આગેવાન તેમના ખર્ચે ઉઠાવીને વ્યવસ્થા પુરી પાડીને મદદ કરે છે. જે કોંગ્રેસની શક્તિના રૂપમાં કામ કરે છે. પણ આ બધા પ્રશ્નો વચ્ચે પણ કોંગ્રેસ ચૂંટણીમાં ફાઇટ આપવામાં પાછી પાની કરતી નથી.

અન્ય સમાચારો પણ છે...