શહેરમાં ગત રાત્રિએ રિલિફ રોડ પર આવેલી વિનસ હોટેલમાં છૂપાયેલા 2 શાર્પશૂટરની માહિતી મળતા ATSની ટીમે ત્યાં રેડ કરી હતી. આ દરમિયાન બે શાર્પશૂટરમાંથી એક શાર્પશૂટરે ફાયરિંગ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને ATSએ ઈરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાલિયા નામના મુંબઈના શાર્પશૂટરને ઝડપી લીધો હતો, જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો. આ શાર્પશૂટર 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના રાજકારણીઓને નિશાન બનાવવા આવ્યા હોવાનું મનાય છે. આ અંગે DivyaBhaskarએ હોટલના મેનેજર અને માલિક જેઠાભાઈ લાલવાની સાથે વાતચીત કરી સવારે શાર્પશૂટરે હોટેલમાં કરેલી એન્ટ્રીથી લઈ મધરાતે થયેલા ફાયરિંગ બાદ ધરપકડ સુધીની ઝીણવટપૂર્વની વિગતો મેળવી હતી. હોટેલ માલિક એક સમયે VHPમાં હતા અને ગોરધન ઝડફિયા સાથે સંગઠનમાં સાથે કામ કરી ચૂક્યા છે.
એન્ટ્રી કરી ત્યારે બેગ ચેક કરી પણ સાંજે બહાર જઈને આવ્યો ત્યારે ચેકિંગ ન કર્યું: માલિક
હોટેલ માલિક જેઠાભાઈ લાલવાની મુજબ, આ શાર્પશૂટર સવારે 10 વાગ્યે હોટલમાં આવ્યો હતો અને રાત્રે 3 વાગ્યે જવાનો હતો. તે જ્યારે આવ્યો ત્યારે તેની મનેજરે બેગ ચેક કરી હતી. આ સમયે કંઈ મળ્યું નહોતું. પરંતુ સાંજે તે બહાર જઈને આવ્યો હતો, ત્યારે બેગ ચેક કરી નહોતી.
શાર્પશૂટર 3.30 વાગ્યે બેગ લઈ બહાર ગયો હતો અને સાડા પાંચ વાગ્યે પાછો આવ્યોઃ મેનેજર
જ્યારે મેનેજર કરણસિંહ વાઘેલા મુજબ,ઈરફાન સવારે 10 વાગ્યાની આસપાસ હોટેલમાં રોકાવા માટે આવ્યો હતો. તેણે રજીસ્ટરમાં એન્ટ્રી માટે આધારકાર્ડ આપ્યું અને મેં એન્ટ્રી કરી. જેમાં મેં તેનું નામ અને મોબાઈલ નંબર લખ્યા. અને બપોરે 3.30 વાગ્યે બેગ લઈ બહાર ગયો. ત્યાર બાદ તે સાંજના 5 કે સાડા પાંચ વાગ્યે એ જ બેગ લઈને પાછો આવ્યો હતો. રાત્રે 12.30 વાગ્યે એક પોલીસ અધિકારી આવ્યા હતા, પણ તેનું નામ ખબર નથી. ફાયરિંગ થયું ત્યારે હું પાસેના આશિક પાન પાસે ઉભો હતો. એક ફાયરિંગનો અવાજ આવ્યો હતો. ત્યાર પછી એ વ્યક્તિને બન્ને હાથ બાંધીને કમાન્ડો લઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.