દિવાળી વેકેશન:રાજસ્થાન, લોનાવાલા, મહાબળેશ્વરની હોટલ-રિસોર્ટમાં ત્રણથી પાંચગણો ભાવ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેસતાં વર્ષના દિવસ માટે ફ્લાઈટોના ભાડામાં ત્રણગણો વધારો થયો
  • કેટલાક પ્રવાસન સ્થળે બુકિંગ માટે ઈન્ક્વાયરી, ટોલબૂથ પર કારની સંખ્યા બમણી
  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા પણ ટૂર ઓપરેટરોએ ભાડાં ન ઘટાડ્યા

દિવાળીના તહેવારોમાં ગુજરાત અને આસપાસના પ્રવાસન સ્થળોએ ભારે ભીડ રહેશે. હોટલો અને રિસોર્ટના ભાવમાં ત્રણથી પાંચગણો ભાવ વધારો થયો છે. અમદાવાદના વિવિધ ટોલબૂથ પર કારની સંખ્યા પણ પણ બમણી થઈ છે. આ સાથે અમદાવાદથી જુદા-જુદા પર્યટન સ્થળોએ જતી ફ્લાઈટના ભાડામાં પણ ત્રણગણો વધારો થયો છે.

રાજસ્થાન, લોનાવાલા, મહાબળેશ્વરની હોટલ અને રિસોર્ટમાં ત્રણથી પાંચગણો ભાવ વધારો થયો છે. એક દિવસના રૂ. 1 હજારની હોટલના ત્રણ હજાર અને રૂ.2500ના રિસોર્ટના 7500 થઇ ગયા છે. ભાવ વધારો છતાં પ્રવાસન સ્થળોએ હજી પણ લોકો બુકિંગ માટે પૂછપરછ કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટતા ખાનગી વાહનો સાથે ટૂરનું આયોજન કરનારની સંખ્યા વધી રહી છે. આ સાથે ટૂર ઓપરેટરોએ ભાડા ઘટાડ્યા ન હોવાની પણ ફરિયાદો સામે આવી છે.

હોટલ માલિકોના જણાવ્યા અનુસાર આ વખતે અમદાવાદમાં પ્રવાસીઓનો ધસારો છે. ગુજરાતના નાના-મોટા વિવિધ સ્થળોએ હોટલો અને રિસોર્ટ ભરાઇ ગયા છે. ગુજરાતમાં દ્વારકા, બેટ દ્વારકા, સાસણગીર, સોમનાથ સહિત સૌરાષ્ટ્રના નાના-મોટા સ્થળો, કચ્છ, દીવ, સાપુતારા, પંચમહાલ, વિજયવાડા, પોળોના જંગલ, પાવાગઢ, બરોડા, દાંડી અને મહારાષ્ટમાં લોનાવાલા અને મહાબળેશ્વરની હોટલો અને રિસોર્ટમાં એડવાન્સ બુકિંગ થઇ ગયું છે. નવા વર્ષ અને ભાઈબીજના દિવસે અમદાવાદથી પર્યટન સ્થળોએ જવા માટે ફ્લાઈટોના ભાડા ત્રણગણા સુધી વધી ગયા છે. જ્યારે વિદેશમાં ફરવા માટે દુબઈ અને માલદીવ મોટી સંખ્યામાં લોકો જતા હોવાથી તેના ભાડામાં પણ ધરખમ વધારો થયો છે. અમદાવાદના વિવિધ ટોલબૂથ પર દિવાળીના તહેવારોના લીધે કારની સંખ્યા બમણી થઇ ગઇ છે. સામાન્ય દિવસોમાં અંદાજે 30 હજાર કાર પસાર થાય છે જેની સંખ્યા બમણી થતા ટોલટેક્સની આવક 55થી 60 લાખ પર પહોંચી છે. સુરત અને બરોડાથી અમદાવાદ આવનાર કારની સંખ્યામાં થોડો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...