તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર સામે પડકાર:અમદાવાદની ખાનગી હોસ્પિટલોનો માં કાર્ડથી કોરોનાની સારવાર પર ઈનકાર, AHNAએ કહ્યું, સરકાર ભૂલ ભરેલો પરિપત્ર પાછો ખેંચે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જે પણ દર નક્કી કરાયા છે તેમાં સરકારે પોતાના નોલેજનો ઉપયોગ કર્યો નથીઃ AHNAના પ્રમુખ
  • સરકાર મન ફાવે તેમ ભાવ નક્કી ન કરે, તાત્કાલિક આ પરિપત્ર પાછો ખેંચી લેવો જોઇએ: ડો. ગઢવી
  • અમદાવાદ શહેરમાં એક પણ ખાનગી હોસ્પિટલ પરિપત્રનો અમલ નહીં કરે: ડો. ગઢવી
  • ICU વિથ વેન્ટિલર માટે AMCએ 20 હજાર ચાર્જ નક્કી કર્યો, સરકારે માત્ર 5 હજાર જાહેર કર્યા, આ રકમ ન પોશાય - ડો. ગઢવી

ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મધ્યમવર્ગના પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડનો ઉપયોગ કરી શકશે તેવો નિર્ણય લેવાયો હતો. જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે. જોકે AHNAના પ્રમુખ દ્વારા આ નિર્ણય અનેક ખામીઓ હોવાનું કહીને વિરોધ કરાયો છે.

સરકારના પરિપત્રને માનવાથી AHNAનો ઈનકાર
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશનના પ્રમુખ ડો. ભરત ગઢવીએ આ પરિપત્ર પર કહ્યું કે, આ યોજનામાં જાહેર કરાયેલ રકમ પોશાય તેમ નથી. જે પણ દર નક્કી કરાયા છે તેમાં સરકાર પોતાના નોલેજનો ઉપયોગ કર્યો નથી. આઈ.સી.યુ વિથ વેન્ટિલેટર માટે AMC દ્વારા 20 હજાર ચાર્જ નક્કી કરાયો છે. સરકારે માત્ર 5 હજાર આઇ.સી.યુ વેન્ટિલર માટે જાહેર કર્યા છે, આ રકમ ન પોશાય.

માં કાર્ડની ફાઈલ તસવીર
માં કાર્ડની ફાઈલ તસવીર

'સરકારનો પરિપત્ર ભૂલ ભરેલો છે'
તેઓ વધુમાં કહે છે, સરકાર મનભાવે તેમ ભાવ નક્કી ન કરે. સરકારે તાત્કાલિક આ પરિપત્ર પાછો ખેંચી લેવો જોઇએ. અમદાવાદ શહેરમાં એક પણ ખાનગી હોસ્પિટલ તેનો અમલ નહીં કરે. સરકારનો પરિપત્ર ભુલ ભરેલો છે અને તેમાં કોઇ સ્પષ્ટતા નથી. દર્દીનું એક લાખ રૂપિયા બિલ હોય તો કોણ કેટલા પૈસા આપશે તેની પરિપત્રમાં સ્પષ્ટતા કરવી જોઈએ.

કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો ( ફાઈલ ફોટો)
કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો ( ફાઈલ ફોટો)

મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ પર કોરોનાની સારવારનો પરિપત્ર
મુખ્યમંત્રીએ સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યનાં 80 લાખથી વધુ ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોને સૌથી મોટી રાહત મળશે. ગત 15મી એપ્રિલે સરકારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાઈકોર્ટના સૂચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરકારક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા હતા. સાથે જ આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોવિડ-19ની સારવારને પણ શામેલ કરવામાં આવી છે, તેમ જણાવ્યું હતું.