હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે વસાવેલા હાઈટેક મશીનો માટેના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જ ન હોય એવો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અંદાજીત 2 વર્ષ પહેલા ECHO અને TMT મશીન લાવામાં આવ્યા હતા પણ મશીનને ચલાવી શકે એવા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર ન હોવાના કારણે તેનો ઉપયોગ થઈ શક્યો નથી અને મશીનો શોભના ગાઢિયા સમાન બન્યા છે. રાજ્ય સરકાર આરોગ્ય માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પણ સરકારના અધિકારીઓની અણઆવડતના કારણે લાખો રૂપિયા ખર્ચીને વસાવવામાં આવેલા મશીનો લોકઉપયોગી થઈ શકતા નથી.
કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોસર્જન સહિતના કાયમી ડોક્ટર જ નથી
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અંદાજીત 100થી વધારે દર્દીઓ આવે છે. જેમને ECHO મશીનની જરૂર પડતી હોય છે પણ વ્યવસ્થાના અભાવે કે કાર્ડિયોલોજિસ્ટના અભાવે મશીન હોવા છતાં ડોક્ટર ન હોવાને કારણે સારવાર મળી શકતી નથી. ન માત્ર કાર્ડિયોલોજિસ્ટ પણ ન્યુરોસર્જન, ગેસસ્ટ્રો, નેફ્રોલોજિના કાયમી ડોક્ટર જ નથી. દર્દીઓની વધતી સંખ્યાને લઈને આ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છેલ્લા 2 મહિનાથી અઠવાડિયામાં માત્ર 6 કલાક આવે છે તેવો દાવો કરાયો છે.
અધિકારીઓની અણઆવડતના કારણે દર્દીઓને તકલીફ
આવી ખાડી ગયેલી વ્યવસ્થા વચ્ચે સવાલ એ થાય કે ડોક્ટર ક્યારે આવે છે તે જોઈને બીમારી આવશે કે પછી બીમાર પડ્યા પછી ડોક્ટરની જરૂર પડે ત્યારે ડોક્ટર મળવા જરૂરી છે? ખેર આ પ્રકારના ગાંધીનગરના સરકારી અધિકારીઓના અણઘડ વહીવટના કારણે અકસ્માત-હાર્ટ એટેક જેવી ઇમરજન્સીમાં સરકારી હોસ્પિટલની આશાએ સારવાર કરાવા જતા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે અને આખરે તકલીફ તો સામાન્ય દર્દીઓને જ પડે છે.
બ્રેન અને હાર્ટ એટેકના દર્દીઓને ધક્કો થાય છે
અસારવા સિવિલ હોસ્પિટલ બાદ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ જિલ્લાના અલગ અલગ વિસ્તારના લોકો માટે સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. જેના કારણે અહીંયા મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. પણ કાયમી ડોક્ટર ન હોવાના કારણે તેમને ધક્કો થાય છે. લોકો દર્દીઓને ઈમરજન્સીમાં હોસ્પિટલ પહોંચે તો બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
સોલા સિવિલ હોસ્પિટલના RMOએ ડોક્ટર ન હોવાનો સ્વીકાર કર્યો
આ અંગે જ્યારે સોલા સિવિલ હોસ્પિટલના RMO પ્રદીપ પટેલ સાથે દિવ્યાભાસ્કરે વાત કરી ત્યારે તેમને કહ્યું કે છેલ્લા 2 મહિનાથી ન્યુરોસર્જન, યુરોસર્જન, ગેસ્ટ્રોલોજિ, રેટાયનો સર્જનના ડોક્ટર અઠવાડિયામાં 2 દિવસ 3 કલાક પાર્ટટાઇમ આવતા હોય છે. 2 મહિનાથી ગાંધીનગર પરમિશન માગી ડોક્ટર ભરવાની કામગીરી ચાલુ છે. બ્રેન અને હાર્ટ એટેકના દર્દીઓ ઇમરજન્સીમાં કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર ન હોવાના કારણે બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ. ECHO મશીનનો અમે ઉપયોગ કરીએ છે પણ TMT મશીનના ડોક્ટર ન હોવાના કારણે ઉપયોગ નથી કરતા.
હાઈટેક મશીનો 'સ્ટોરરૂમ'માં ધૂળ ખાઈ રહ્યા છે
અમે જ્યારે 2 વર્ષ પહેલા લાવેલા ECHO મશીન અને TMT મશીન ખરેખર ઉપયોગમાં લેવાય છે કે કેમ તેની તપાસ કરી ત્યારે જ્યાં મશીન પડ્યા છે તે રૂમ બંધ રાખવામાં આવ્યો હતો. લાખો રૂપિયા ખર્ચીને લાવામાં આવેલ ECHO અને TMT મશીન ધૂળ ખાઈ રહેલા જોવા મળ્યાં હતાં. TMT મશીનનો ઉપયોગ દર્દીને સાજા કરવાના બદલે અન્ય હોસ્પિટલની સાધન સામગ્રી મુકવા માટે કરવામાં આવ્યો હતો. આમ જો સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર મળે તો જ દર્દીઓને પડતી મુશ્કેલી ઉકેલી શકાય અને લાખો રૂપિયા ખર્ચીને ધૂળ ખાઈ રહેલા મશીનનો ઉપયોગ કરી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.