ફેમિલિ કોર્ટનો આદેશ:સાબુના પાણીને લીધે લપસી પડી ઈજાગ્રસ્ત થયેલી વૃદ્ધાને સારવારના 2 લાખ ચૂકવવા હોસ્પિટલને આદેશ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગાંની ખબર કાઢવા ગયા અને અકસ્માત થતાં ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી હતી

સીમ્સ હોસ્પિટલમાં સંબંધીની ખબર કાઢવા ગયેલા વૃદ્ધા સાબુના પાણીમાં લપસી પડતાં હોસ્પિટલ પાસેથી સારવારનો તમામ ખર્ચ મેળવવા ગ્રાહક કોર્ટમાં અરજી કરી હતી. ગ્રાહક કોર્ટે હોસ્પિટલને સારવારનો તમામ ખર્ચ રૂ. 1,98,625 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટે સર્જરી બાદ ફિઝિયોથેરાપીના નાણાં પણ ચૂકવવા આદેશ કર્યો છે.

ભારતીબેન મોદી નામના ફરિયાદીએ ગ્રાહક કોર્ટમાં સીમ્સ હોસ્પિટલ સામે વળતર મેળવવા અરજી કરી હતી. તેમના તરફથી એડવોકેટ હાર્દિક શાહે એવી રજૂઆત કરી હતી કે, ફરિયાદીના સંબંધીની ખબર કાઢવા તેઓ હોસ્પિટલ ગયા હતા. હોસ્પિટલ સાફ કરવા સાબુનું પાણી ઢોળ્યું હતું તેમાં તેઓ લપસી પડતાં ત્યાં જ તેમનું ઑપરેશન કરાવવું પડ્યું હતું. સારવારનો કુલ ખર્ચો 3 લાખ જેટલો થયો હતો. તેમનો મેડિક્લેઇમ એક લાખનો હતો. અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, વૃદ્ધાની સારવાર માટે તેમની અમેરિકા રહેતી દીકરીની આવવા જવાની ટિકિટનો ખર્ચો પણ ચૂકવવા માગણી કરી હતી. જોકે અમેરિકાની ટિકિટનો ખર્ચો ચૂકવવા કોર્ટે ઈનકાર કર્યો હતો.

ઑપરેશન પછી ઘરે રાખેલી નર્સનો ખર્ચ પણ માંગવામાં આવ્યો
ફરિયાદીએ ગ્રાહક કોર્ટમાં ઑપરેશન પછી ઘરે રાખેલી નર્સનો ખર્ચ રૂપિયા 20 હજાર પણ માગ્યો હતો. હોસ્પિટલની બેદરકારીને લીધે ઑપરેશન કરવું પડ્યું હતું તેથી આ ખર્ચ પણ હોસ્પિટલે ચૂકવવો પડે તેવી રજૂઆત કરાઈ હતી. જોકે કોર્ટે આ ખર્ચ આપવા ઈન્કાર કર્યો હતો. કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે ફરિયાદીએ આ ખર્ચ પોતાની સગવડ માટે કર્યો હોવાથી તે આપી શકાય નહિ.

હોસ્પિટલે ફિઝિયોનો ખર્ચ ચૂકવવો પડશે
ગ્રાહક કોર્ટે ઑપરેશન બાદ સારવારના ભાગરૂપે કરેલો ફિઝિયોથેરાપીનો ખર્ચો અને કાનૂની ખર્ચો પણ ફરિયાદીને ચુકવી દેવા આદેશ કર્યો છે. અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ઑપરેશન બાદ સારવારનાં ભાગરૂપે ફિઝીઓથેરાપી કરવાની હતી તેથી તેનો ખર્ચ પણ સારવારમાં સમાવિષ્ટ થઈ જાય છે.

સિક્યુરિટી મૂકવી હોસ્પિટલની ફરજ
ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જે.જે. પંડ્યાએ તેમના હુકમમાં જણાવ્યું છે કે હોસ્પિટલની ફર્સ ભીની હોય કે કામ ચાલતું હોય ત્યારે ત્યાં કોઈ નોટિસ બોર્ડ લગાવવું જોઇએ. અથવા સિકયુરિટી ગાર્ડને ત્યાં હાજર રાખવાની ફરજ બને છે. જેમાં હોસ્પિટલે ચૂક કરી છે.

અન્ય સમાચારો પણ છે...