અમદાવાદ મ્યુનિ.નું હાઇકોર્ટમાં સોગંદનામું:હવે ફાયર NOC વિનાની હોસ્પિટલ-બિલ્ડિંગોને બીયુ પરમિશન નહીં અપાય

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મુદ્દે HCમાં ચાલી રહેલી સુનાવણીમાં મ્યુનિ.નું સોગંદનામું
  • દર 11 મહિને ફાયર એનઓસી રિન્યુ કરાવવાની જવાબદારી બિલ્ડરની હોય છે

શ્રેય હોસ્પિટલના આઇસીયુમાં લાગેલી આગમાં 8 દર્દીઓના મોત મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી. ફાયર સેફટી મામલે કોર્પોરેશને હાઇકોર્ટમાં સોગંદનામું કર્યુ છે તેમા એવી રજૂઆત કરી છે કે, હવે પછી ફાયર એનઓસી મેળવ્યા વગરની ઇમારતો અને હોસ્પિટલોને બી.યુ પરમીશન આપવામાં નહી આવે. કોર્પોરેશને પબ્લીક નોટિસ દ્વારા તમામ હોસ્પિટલોને ફાયર એનઓસી લેવા માટે પૂરતો સમય આપ્યો હતો. તે સમયગાળા દરમિયાન મોટાભાગની હોસ્પિટલોએ એનઓસી મેળવવા અરજી કરી હતી.

કેટલીક હોસ્પિટલોને ફાયર સેફટીના સાધનોની અછત હોવાના કારણે ફરીથી સમય આપવામાં આવ્યો હતો. પૂરતો સમય આપ્યા બાદ પણ એનઓસી નહીં લેનાર હોસ્પિટલો અને બહુમાળી ઇમારતોને હવે પછી બીયુ પરમીશન આપી શકાશે નહી. વર્ષ-2002 પછી કોઇ બિલ્ડિંગને એનઓસી વગર બી.યુ પરમીશન આપવામાં આવી નથી તેવી રજૂઆત કરી છે.11 મહિના બાદ રિન્યુ કરવાની હોવાથી તેની જવાબદારી બિલ્ડિંગ માલિક,બિલ્ડરની હોય છે પરંતુ તેઓ સમયસર રિન્યુ નહીં કરાવીને લોકોના જીવને જોખમમાં મુકે છે.

તાજેતરમાં જ 6 હોસ્પિટલ સીલ કરાઇ હતી
અમદાવાદની 60 કોવિડ હોસ્પિટલમાં એનઓસી છે જયારે 6 હોસ્પિટલ પાસે એનઓસી નહી હોવાથી સીલ કરવામાં આવી છે. કોર્ટના નિર્દેશ બાદ એનઓસી વગરની હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ કરવા પર પણ રોક લગાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...