ફાયરબ્રિગેડની ભૂલ?:છોકરી બચી જાત, પણ ફાયર ટીમે પાણીનો મારો કર્યો તે 5મા માળ સુધી જ પહોંચ્યો અને સીડી ન ખૂલી: નજરે જોનાર સ્થાનિક

એક મહિનો પહેલાલેખક: આનંદ મોદી

શાહીબાગના ગિરધરનગરમાં આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં આજે સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. સાતમા માળે ફ્લેટમાં આગ લાગતાં ફાયરની ગાડી તો આગ બુઝાવવા માટે પહોંચી હતી, પરંતુ સમયસર સીડી ના ખૂલતાં પાણી પાંચમા માળ સુધી જ પહોંચતું હતું. થોડી મહેનત કર્યા બાદ અને થોડો સમય ગયા બાદ સાતમા માળ સુધી પાણી પહોંચી શક્યું, પરંતુ ફ્લેટમાં ફસાયેલી 17 વર્ષની સગીરાનો જીવ ના બચી શકાયો. મા-બાપથી દૂર રહેતી સગીરાએ આગમાં દાઝી જવાને કારણે જીવ ગુમાવ્યો છે. ફાયરબ્રિગેડની ભૂલને કારણે મોત થયું હોવાનું લોકો ચર્ચા કરી રહ્યું છે. આ ઘટના સંદર્ભે દિવ્ય ભાસ્કરે પ્રત્યક્ષદર્શી મહેશ ચોપરા સાથે વાતચીત કરી હતી, જેમાં તેણે પ્રાંજલની બૂમાબૂમથી માંડીને તેના સળગીને મોતને ભેટવા સુધીની દર્દભરી હકીકત રજૂ કરી હતી.

સવારે ઊઠ્યો ત્યારે બધા બૂમાબૂમ કરતા હતા
ઘટનાના પ્રત્યક્ષદર્શી મહેશ ચોપરાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સવારે 7-20 વાગે ઊઠ્યો તો જોયું બધા બૂમો પાડી રહ્યા હતા. હું સી બ્લોકમાં રહું છું. જેથી મેં મારા ઘરેથી જોયું તો બાજુના બિલ્ડિંગમાં આગ લાગી હતી અને એક છોકરી પણ ફસાયેલી હતી, જેથી હું તરત નીચે ગયો, હું નીચે ગયો ત્યારે ફાયરબ્રિગેડની ગાડી આવી ચૂકી હતી. ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, પરંતુ પાંચમા માળ સુધી જ પાણી પહોંચતું હતું, જેથી મેં તેમને સીડી ખોલવા કહ્યું, પરંતુ તેમની સીડી ખૂલી નહોતી. મેં તેમને કહ્યું, મારી સાથે આવો, બાજુના બિલ્ડિંગમાંથી પાણી નાખો. બાજુના બિલ્ડિંગમાં લઈ જઈ અમે તેમની સાથે પાણી નખાવ્યું. પાણી સમયસર 7મા માળે પહોંચ્યું હોત તો છોકરી બચી જાત.

એ લાચાર દીકરીને લપેટીને નીચે લાવવામાં આવી
સીડી છેલ્લે સુધી ના ખૂલી પછી ફાયર ફાઈટર બાજુની ગાડી પણ ચઢીને પાણી છાંટવા લાગ્યા તોપણ પાણી ન પહોંચ્યું. છોકરીને મેં જોઈ ત્યારે ગેલરીમાં બેઠી હતી. બૂમાબૂમ કરતી હતી પછી બેભાન થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડ આવ્યા બાદ 30 મિનિટ બાદ આગ બુઝાવવામાં આવી હતી અને છોકરીને નીચે લાવવામાં આવી હતી. છોકરીને લપેટીને લઈ જવામાં આવી રહી હતી.

17 વર્ષીય પ્રાંજલ કાકા-કાકી સાથે રહેતી
શાહીબાગમાં આવેલા ગિરધરનગરમાં ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં બી બ્લોકમાં સાતમા માળે પ્રાંજલ જીરાવાલા નામની સગીરા તેના કાકા, કાકી અને તેમના 2 દીકરા સાથે રહતી હતી. પ્રાંજલનાં માતા-પિતા થોડા સમય અગાઉ જ અમદાવાદથી સુરત શિફ્ટ થયાં હતાં, પરંતુ પ્રાંજલ બારમા ધોરણમાં ભણતી હોવાથી તેનાં કાકા-કાકી સાથે અમદાવાદ રહેતી હતી. પ્રાંજલ માર્ચ મહિનામાં આવનારી બોર્ડની પરીક્ષા માટે તૈયારી પણ કરી રહી હતી.

લાકડાનું ફર્નિચર હોવાથી આગ વધુ પ્રસરી ને પ્રાંજલ બાલ્કનીમાં છુપાઈ
આજે સવારે 7 વાગે ઘરમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. ઘરમાં લાકડાનું ફર્નિચર વધારે હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. આગ લાગવાને કારણે ઘરમાંથી બહાર આવવાના રસ્તા પ્રાંજલ માટે બંધ થઈ ગયા હતા, જેથી પ્રાંજલ રૂમની બાલ્કનીમાં પહોંચી હતી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પ્રાંજલ બાલ્કનીમાં લપાઈને બેસી ગઈ હતી અને મદદ માટેની આશા લગાવી રહી હતી. આસપાસના લોકોએ પણ બૂમાબૂમ કરતાં સમગ્ર ફ્લેટના લોકો ભેગા થઈ ગયા હતા. જોકે પ્રાંજલના કાકી અને તેમના બે દીકરા જીવ બચાવીને નીચે જતા રહ્યા હતા.

15 ટીમ હતી છતાં સાતમા માળે ફાયરની ટીમ ન પહોંચી શકી
ફાયરની ટીમને જાણ થતાં ફાયરની ત્રણ ગાડી શરૂઆતમાં પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, પરંતુ પાણી સાતમા માળ સુધી પહોંચતું ન હતું. થોડા સમય બાદ બીજી ફાયરની ગાડી આવતાં ફાયર ફાઈટર દ્વારા ગાડીની ઉપર ચઢીને આગ બુઝાવવાની કોશિશ કરવામાં આવી, પરંતુ સાતમા માળે યોગ્ય રીતે પાણી પહોંચી શકતું ન હતું. આમ, એક બાદ એક 15 ગાડી પહોંચતાં અંતે સાતમા માળ સુધી પાણી પહોંચ્યું અને ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધી પ્રાંજલ બેભાન થઈને બાલ્કનીમાં પડી હતી.

108માં રાજસ્થાન હોસ્પિટલ ખસેડી પણ મૃત
ફાયરની ટીમે પ્રાંજલને રેસ્ક્યૂ કરીને સારવાર માટે 108 દ્વારા રાજસ્થાન હોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર પ્રાંજલને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવી હતી, ત્યારે તે થર્ડ ડીગ્રી બર્ન થઈ ચૂકી હતી, એટલે કે તેના શરીરનો મોટા ભાગનો હિસ્સો બળી ગયો હતો અને તેણે જીવ પણ ગુમાવી દીધો હતો. પ્રાંજલનાં માતા-પિતા સુરતથી અત્યારે અમદાવાદ આવી રહ્યાં છે, ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...