તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇમાનદારીનું ઇનામ:પેસેન્જરના 750 US ડોલર પરત કરનાર સફાઈ કર્મચારીનું સન્માન

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારના સભ્યોને એરપોર્ટ બોલાવી તેમની હાજરીમાં સન્માન કરાયું
  • એરપોર્ટ પર પેસેન્જર 750 US ડોલર ભરેલી બેગ ભૂલી ગયો હતો

અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટમાં પેસેન્જરના પર્સમાંથી સિક્યોરિટી ચેક એરિયામાં પોલિથિનમાં મુકેલા 750 યુએસ ડોલર હાઉસકીપિંગ સ્ટાફ (સફાઈ કર્મચારી)ને મળી આવ્યા હતા. જે તેણે તત્કાલ સીઆઈએસએફના જવાનોને પરત કરતાં તેમણે સીસીટીવી કેમેરાની મદદથી પેસેન્જરને શોધી પરત કર્યા હતા. આ ઘટના બાદ એરપોર્ટના અધિકારીઓએ સફાઈ કર્મચારીના પરિવારને એરપોર્ટ બોલાવી તેમની સામે કર્મચારીનું સન્માન કર્યું હતું.

એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે, ડોમેસ્ટિક ટર્મિનલના સિક્યોરિટી ચેક એરિયામાં સ્ક્રીનિંગ બાદ કોઈ પેસેન્જર ટ્રેમાં 750 યુએસ ડોલર સાથેની પોલિથિન બેગ ભૂલીને જતા રહ્યા હતા. એ દરમિયાન ત્યાં ફરજ પરના હાઉસકીપિંગ કર્મચારી જેકી ચાવડા ટ્રે અને સ્ક્રીનિંગ મશીનને સેનેટાઈઝ અને સફાઈ કરવા માટે આવ્યો હતો. દરમિયાન તેને ટ્રેમાં પડેલી બેગ મળી આવી હતી, જે તેણે સીઆઈએસએફના કર્મચારીઓને સોંપી હતી.

ત્યારબાદ તે કર્મચારીઓએ સીસીટીવીમાં પેસેન્જરને ટ્રેક કરવાની કોશિશ કરી હતી અને બેગ ભૂલી ગયેલા પેસેન્જરની ઓળખ કરી તેને શોધવા જવાનોને સૂચના આપી હતી. થોડા સમય બાદ ફ્લાઇટમાં બેસવા જતા પેસેન્જરને ઓળખી તેની પૂછપરછ કરવામાં આવી હતી અને આ ડોલરની બેગ તેની હોવાનું જણાતાં, બેગ મુસાફરને પરત અપાઈ હતી.

આ ઘટના બાદ એરપોર્ટ અધિકારીઓએ કર્મચારીના પરિવારના 9 સભ્યોને બુધવારે એરપોર્ટ બોલાવી, એરપોર્ટમાં ફેરવ્યા બાદ પરિવારના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તેનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...