પતિ-પત્નીનો વિચિત્ર કિસ્સો:હનીમૂન પર ગયેલા પતિને માતાની અંતિમવિધિમાં પત્નીએ નહીં આવવા દેતાં અંતે છૂટાછેડા માટે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: તેજલ અરવિંદ શુકલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પતિએ કહ્યું, માતાના અંતિમ દર્શન પણ ન કરી શકતા અપરાધભાવ અનુભવંુ છું

લગ્નના એક મહિનામાં જ પતિએ પત્નીથી છૂટાછેડા મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી છે. તેણે એવી રજૂઆત કરી હતી કે, લગ્ન બાદ બન્ને હનીમૂન પર ગયા હતા દરમ્યાનમાં પતિની માતાનું અવસાન થતા પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેની પત્નીએ જીદ કરીને તેમની અંતિમવિધિમાં આવવા દીધો નહોતો. આ બનાવને પગલે પતિની માનસિક સ્થિતિ દયનીય બની ગઇ હતી. પરિવારના લોકો પણ આ બનાવ બાદ દીકરાથી નારાજ હતા. જેના કારણે પતિએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. જસ્ટિસ સોનિયા ગોકાણીની ખંડપીઠે પતિ-પત્નીને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

પતિએ અરજીમાં રજૂઆત કરી હતી કે, તેની પત્ની છૂટાછેડા આપવા માટે તૈયાર નથી. લગ્ન બાદ તરત જ માતાની અંત્યેષ્ઠીમાં પણ હાજર નહીં રહેવા દેતા પતિને પત્ની પરથી માન ઉતરી ગયું હતું. તે સતત અપરાધભાવ અનુભવતો હતો. પત્નીના લીધે માતાના અંતિમ દર્શન કરી શકયો નહોતો. આવી સ્ત્રી સાથે લાંબો સમય રહી શકાય નહીં તેવી રજૂઆત કરી હતી.

પત્નીએ કહ્યું, એક ભવમાં બીજો ભવ કરી શકાય નહીં
હાઇકોર્ટે પત્ની તરફે એડવોકેટને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, પત્નીને પતિની સાથે રહેવું છે તે પતિને છોડવા તૈયાર નથી. હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે, તમારા પતિ તમારી સાથે રહેવા ઇચ્છતા નથી છતાં તમે કેમ તેમની સાથે રહેવા માગો છો? પત્ની તરફે એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, એક ભવમાં બીજો ભવ કરી શકાય નહીં. અને તે પોતે ભણેલી નથી તેથી કમાઇ શકે તેમ પણ નથી તેથી પતિને છોડીને જઇશ નહીં.

પતિનો પરિવાર પુત્રવધૂને સ્વીકારવા માટે તૈયાર નથી
લગ્નના થોડા સમયમાં હનીમૂન પર ગયેલા દંપતીને પાછા આવવા પરિવારજનોએ કહેવા છતાં તેઓ માતાની અંત્યેષ્ઠીમાં હાજર નહીં રહેતા પરિવારજનો નારાજ થયા હતા. તેમણે દીકરાને કહ્યંુ હતું કે, તેને પત્ની સાથે રહેવું હોય તો રહી શકે છે પરતું પરિવાર પુત્રવધૂને કયારેય સ્વીકારી શકશે નહી. જસ્ટિસ સોનિયા ગોકાણીની ખંડપીઠે પતિ-પત્નીને રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે. બન્ને વચ્ચે સમાધાનનો પ્રયાસ કર્યા બાદ કોર્ટ નિર્ણય લેશે.

અન્ય સમાચારો પણ છે...