PCR વાનમાં નોકરી કરવા લાંચ:અમદાવાદમાં હોમગાર્ડ ક્વાર્ટર માસ્ટરનો વહિવટદાર એક હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનને PCR વાનમાં નોકરી કરવી હોવાથી તેની પાસે હોમગાર્ડ ક્વાટર માસ્ટરે 1000 રૂપિયાની લાંચ માંગી હતી. જે લાંચ ક્વાટર માસ્ટર વતી તેનો અન્ય વહીવટદાર હોમગાર્ડ જવાન પાસેથી લઈ રહ્યો હતો. આ દરમિયાન ACBએ છટકું ગોઠવીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં તેને ઝડપી પાડયો હતો.જોકે આ પ્રકારે અનેક હોમગાર્ડ જવાન પાસેથી પૈસા લઈને તેમને નોકરી આપવામાં આવી હોવાની શંકાના આધારે ACBએ તપાસ શરૂ કરી છે.

PCR વાનમાં નોકરી માટે 3000 માંગ્યા હતા
રમેશ પટેલ નામનો હોમગાર્ડ ક્વાટર માસ્ટર નરોડા હોમગાર્ડ ડિવિઝન-9માં ફરજ બજાવે છે. જેને ફરિયાદી પાસે પોલીસ સ્ટેશનની PCR વાનમાં ફરજ બજાવવા માટે નોકરી આપવા 3000 રૂપિયાની માંગણી કરી હતી. ત્યાર બાદ રકઝકના અંતે 1000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા નહોતા જેથી તેમણે ACB નો સંપર્ક કર્યો હતો. ત્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રમેશ પટેલ વતી અન્ય હોમગાર્ડ જવાન મનીષ મોચી લાંચની રકમ લેવા આવ્યો હતો. જોકે 1000 રૂપિયાની લાંચ લેતા ACBએ મનીષને રંગે હાથે ઝડપી લીધો હતો. જ્યારે રમેશ પટેલ હાલમાં ફરાર છે.

શહેરમાં અનેક હોમગાર્ડ લાંચ આપી નોકરી કરે છે
લાંચ આપીને નોકરી મેળવવાનો આ માત્ર એક કિસ્સો સામે આવ્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં અનેક હોમગાર્ડ જવાન ફરજ બજાવે છે. જેમને આ પ્રકારે નોકરી માટે લાંચ આપવી પડે છે. ત્યાર બાદ મોટા ભાગે રાતના સમયે આ હોમગાર્ડ જવાનો જ રાહદારીઓને ખોટી રીતે રોકીને હેરાનગતિ કરે છે.જોકે આ સમગ્ર મામલે ACB એ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...