તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવરંજની હિટ એન્ડ રન કેસ:વેન્ટો કારમાં બેસીને પર્વ શાહની i20 કારનો પીછો કરનારા હોમગાર્ડ જવાનને પોલીસે સાક્ષી બનાવ્યો

અમદાવાદ24 દિવસ પહેલા
અકસ્માત સર્જનારી કાર.
  • પોલીસ ચોપડે હોમગાર્ડ જવાન વિરુદ્ધ હાલ કોઈ ફરિયાદ નથી નોંધાઈ

શિવરંજની હિટ એન્ડ રન કેસમાં વેન્ટો કારમાં બેસી i20 કારનો પીછો કરનાર હોમગાર્ડ જવાનને સાક્ષી બનાવવામાં આવ્યો છે. i20 ચલાવતા પર્વ શાહે શ્રમજીવી પરિવારને ફંગોળ્યો હતો અને એમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 1 જુલાઈએ પોલીસે વેન્ટો કારના ચાલકને શોધી કાઢ્યો હતો. ચાલકે જ હોમગાર્ડ જવાન અંગેની માહિતી પોલીસને આપી હતી અને તેને i20 કારનો પીછો કરવા હોમગાર્ડ જવાને કહ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસ ચોપડે હોમગાર્ડ જવાન પરબત ભીમજી દેથલિયા (ઠાકોર) વિરુદ્ધ હાલ કોઈ ફરિયાદ નથી નોંધાઈ.

હોમગાર્ડ જવાનને હિટ એન્ડ રન કેસમાં સાક્ષી બનાવાયો
શિવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનના બહુચર્ચિત કેસમાં પોલીસ દ્વારા અકસ્માત સર્જનારી i20 કારનો પીછો કરનાર હોમગાર્ડ જવાનને સાક્ષી બનાવવામાં આવ્યો છે. વેન્ટો કારમાં બેસીને i20 કારનો પીછો કરવાના મામલે હજુ હોમગાર્ડ પરબત ભીમજી દેથલિયા (ઠાકોર) સામે કોઈ ફરિયાદ થઈ નથી. હોમગાર્ડ પરબત સામે ખાતાકીય તપાસ અંગે હોમગાર્ડ કમાન્ડરને પત્ર લખવામાં આવ્યો છે. જવાનને પોલીસ તપાસ અને પૂછપરછ બાદ એક્સિડન્ટ કેસમાં સાક્ષી તરીકે લેવાયો છે.

હિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહની તસવીર.
હિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહની તસવીર.

ગુરુદ્વારા પાસેથી હોમગાર્ડ જવાને વેન્ટોમાં બેસી પીછો કરાવ્યો
હિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહે વેન્ટો કારમાં પોલીસ પીછો કરતી હોવાથી સ્પીડમાં કાર ચલાવી હોવાની વાત પોલીસને જણાવી હતી, જેને લઇ એન ડિવિઝન ટ્રાફિક-પોલીસે વેન્ટો ગાડી અંગે તપાસ શરૂ કરી હતી. વેન્ટો કારચાલક ધીર પટેલની પૂછપરછ કરતાં ગુરુદ્વારા પાસેથી હોમગાર્ડ જવાને કારમાં બેસી ગાડી પીછો કરવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું. એ મામલે 2 જુલાઈએ એન ડિવિઝન ટ્રાફિક-પોલીસે હોમગાર્ડ જવાનની અટકાયત કરી હતી.

અકસ્માત બાદ હોમગાર્ડ જવાને કારચાલકને પરત મૂકવા દબાણ કર્યું
વેન્ટો કારમાં બેસીને ચાલકને પીછો કરવાનું કહેનાર હોમગાર્ડ જવાનનું નામ પરબત ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. એસ.જી. હાઈવે પર આવેલા ગુરુદ્વારા પોઇન્ટ પર આ જવાન ફરજ બજાવતો હતો. પોલીસ મુજબ પર્વ શાહની i20 કારનો પીછો કરવાનું હોમગાર્ડ જવાને કહ્યું હતું. જોકે i20 કારે અકસ્માત સર્જ્યો ત્યાર બાદ એને પરત ગુરુદ્વારા મૂકી જવાનું ધીર પટેલને દબાણ કર્યું હતું. પોલીસ દ્વારા હોમગાર્ડ જવાનનું નિવેદન લીધા બાદ શું તેની સામે કોઈ કાર્યવાહી થશે?

શિવરંજની પાસે અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
શિવરંજની પાસે અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત સર્જી પર્વ શાહ પોલીસ શરણે થયો હતો
29 જૂનની રાતે અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે i20 કારથી શ્રમજીવી પરિવારને ફંગોળનારા પર્વ શાહ કેસમાં એક દિવસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. પર્વ શાહ અકસ્માત બાદ થોડા કલાકોમાં જ પોલીસના શરણે આવી ગયો હતો. પર્વએ પોલીસને કહ્યું હતું કે પોલીસની કાર તેની પીછો કરી રહી હતી.

અકસ્માત બાદ આરોપી મંદિરે દર્શન કરવા ગયો હતો
સેટેલાઈટ એન ડિવિઝન ટ્રાફિક-પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI બી.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે પોલીસે અકસ્માત બાદ આરોપી પર્વ અને તેના મિત્રો કયાં કયાં ગયા હતા એની તપાસ કરી હતી. પોલીસે ચારેયનાં નિવેદન લીધાં હતાં. અકસ્માત બાદ ચારેય મિત્રો ઘટનાસ્થળેથી રેલિંગ કૂદીને નેહરુનગર તરફ ગયા હતા. ઘટનાસ્થળે પર્વના એક મિત્ર પાર્થને માર પડ્યો હતો. પાર્થનો પરિવાર પાર્થને માર પડ્યો એની પોલીસ ફરિયાદ કરવા નથી માગતો. નેહરુનગર સર્કલ પહોંચ્યા બાદ ચારેય જણાએ પરિવારજનોને ફોન કર્યા હતા. ચારેય જણા બાદમાં પર્વના પિતાના મિત્ર પ્રકાશભાઈના મીઠાખળી ખાતેના આદિત્ય ફ્લેટ ખાતે ગયા હતા.