ગુજરાતના નવા ચીફ સેક્રેટરી (CS) તરીકે 1987 બેચના IAS અધિકારી રાજકુમારની નિમણૂક કરવામાં આવી છે. આગામી 31 જાન્યુઆરીના રોજ વર્તમાન મુખ્ય સચિવ પંકજકુમારનું એક્સટેન્શન પૂર્ણ થઈ રહ્યું છે. તેમના સ્થાને નિમાયેલા રાજકુમાર ઉત્તરપ્રદેશના બદાયુના વતની છે, અને ગુજરાત કેડરના અધિકારી છે. તેમણે IIT કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. એ સિવાય તેમણે જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
ચીફ સેક્રેટરી માટે 4 નામની ચર્ચા થઈ હતી
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના વહીવટી વડા માટે કેબિનેટની બેઠકમાં ચાર નામોની પેનલ અંગે ચર્ચા થઇ હતી. ત્યારબાદ આ પેનલનાં નામો દિલ્હી મોકલવામાં આવ્યાં હતાં. આ ચાર નામોની પેનલમાં ચીફ સેક્રેટરી માટે રાજકુમાર ઉપરાંત એસ અપર્ણા, વિપુલ મિત્રા અને મુકેશ પુરીનાં નામો હોવાનું જાણવા મળ્યું છે. આમાંથી છેલ્લે રાજકુમારના નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હોવાનું મનાય છે.
પંકજકુમારને ફરી એક્સટેન્શન ન અપાયું
ઉલ્લેખનીય છે કે, દિવ્ય ભાસ્કરે ગત 7 જાન્યુઆરીએ જ એક અહેવાલમાં સ્પષ્ટ કરી દીધું હતું કે, પંકજકુમારને ફરી એક વાર એક્સટેન્શન નહીં મળે અને રાજકુમારની હજી એક વર્ષ પહેલાં જ દિલ્હી ડેપ્યુટેશન પરથી ઘરવાપસી થઈ હતી. તે સમયે તેમને ગૃહવિભાગના અગ્રસચિવ તરીકે નિમણૂક આપવામાં આવી હતી. આમેય રાજકુમાર સિનિયોરિટીમાં વિદાય લઈ રહેલા વર્તમાન CS પંકજકુમાર પછીના ક્રમે હતા. પંકજકુમાર મે 2022માં વયોનિવૃત્ત થયા હતા પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે તેમને એક્સટેન્શન આપ્યું હતું. રાજકુમાર આગામી જાન્યુઆરી 2025માં વયોનિવૃત્ત થશે.
પંકજકુમારના બેચમેટ વિપુલ મિત્રા સુપરસીડ થયા
સરકારના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, પંકજકુમારને એક વખત એક્સટેન્શન આપ્યા બાદ બીજો મુદતવધારો મળ્યો નથી. તેઓ હાલ સરકારમાં પણ જે પ્રકારે કામ કરી રહ્યા છે તે દર્શાવતું હતું કે તેઓ 31 જાન્યુઆરીએ વિદાય લેશે. રાજકુમારને મુખ્ય સચિવ બનતાં તેમના સિનિયર અને પંકજકુમારના બેચ મેટ તથા પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા સુપરસીડ થયા છે. હવે તેમને રાજ્ય સરકારના કોઇ મોટા બોર્ડ-નિગમમાં મૂકવામાં આવશે.
રાજકુમાર અને મિત્રા PMOના PS ડો. મિશ્રાને મળ્યા હતા
PMOના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. પી.કે. મિશ્રા શનિવારે અમદાવાદમાં હતા. સવારે તેઓ શાહીબાગ સર્કિટ હાઉસ એનેક્સી આવી પહોંચ્યા હતા. તે સમયે રાજ્યના નવા ચીફ સેક્રેટરીના બે મોટા દાવેદારો સાથે તેમણે બેઠક કરી હતી અને ચર્ચા કરી હતી. આ દાવેદાર હતા રાજકુમાર અને વિપુલ મિત્રા. આ બંનેની સાથે ડો. મિશ્રાએ લગભગ એક કલાક સુધી વારાફરતી ચર્ચા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.