પ્રોપર્ટીની ડિમાન્ડ:અમદાવાદમાં મકાનોનું વેચાણ 37% વધ્યું, દેશમાં 1 કરોડ સુધીનાં ઘરના વેચાણમાં 35%નો વધારો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • દેશના 8 મોટાં શહેરમાં જુલાઇથી સપ્ટેમ્બર સુધીના ત્રણ મહિનાના ગાળામાં મકાનોના વેચાણમાં 92 ટકાનો વધારો થયો

દેશમાં નવા મકાનની ડિમાન્ડ ફરી પ્રી-કોવિડ સ્તરે પહોંચી છે. પ્રોપર્ટી કન્લસ્ટન્ટ નાઇટ ફ્રેન્કના તાજા અહેવાલ વર્ષવાર ધોરણે દેશનાં 8 મોટાં શહેરોમાં જુલાઇથી સપ્ટેમ્બર સુધીના ત્રણ મહિનાના ગાળામાં મકાનોના વેચાણમાં 92 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ મુજબ ભાવમાં સ્થિરતા, વ્યાજદરોમાં રાહત સહિતનાં પરિબળોને કારણે હાઉસિંગ ડિમાન્ડ વધી છે. અમદાવાદમાં જુલાઇ-સપ્ટેમ્બરમાં હાઉસિંગ સેલ્સમાં 37%નો વધારો થયો છે. જુલાઇ-સપ્ટેમ્બર 2020માં 1,175 યુનિટનું વેચાણ થયું હતું, જેની સામે 2021માં આ ત્રણ મહિનામાં 1,176 યુનિટનું વેચાણ થયું છે.

મકાનોનું વેચાણ બમણા કરતાં વધારે થયું
નાઇટ ફ્રેન્ક દ્વારા સોમવારે ત્રીજા ક્વાર્ટર (જુલાઇ-સપ્ટેમ્બર)નો ઇન્ડિયા રિયલ એસ્ટેટ અપડેટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ જુલાઇ-સપ્ટેમ્બર 2020માં 33,404 યુનિટના વેચાણની સામે 2021માં ત્રીજા ક્વાર્ટરમાં 64,010 યુનિટનું વેચાણ થયું છે. એપ્રિલ-જૂનના અગાઉના ક્વાર્ટરમાં 27,453 યુનિટનું વેચાણ નોંધાયું હતું. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે 2019ની ક્વાર્ટરલી એવરેજની તુલનામાં 2021માં મકાનોનું વેચાણ 104 ટકા થઈ ગયું છે. રિપોર્ટ મુજબ, મુંબઈમાં 2020ના ત્રીજા ક્વાર્ટરની તુલનામાં 2021માં મકાનોનું વેચાણ બમણા કરતાં વધારે થયું છે.

દિલ્હીમાં 48 ટકાનો વધારો થયો છે
જ્યારે દિલ્હીમાં 48 ટકાનો વધારો થયો છે. હૈદરાબાદમાં તો ગત વર્ષની તુલનામાં વેચાણમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના ચેરમેન અને એમડી શિશિર બૈજલે જણાવ્યું હતું કે મકાનોના ભાવમાં સ્થિરતા, હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો તથા માલિકીના ઘરને લઈને ગ્રાહકોના વલણમાં આવેલા પરિવર્તનને કારણે હાઉસિંગ સેલ્સમાં રિકવરી આવી છે. નાઇટ ફ્રેન્કના ચીફ ઇકોનોમિસ્ટ રજની સિંહાએ જણાવ્યું હતું કે વિવિધ રાજયોમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવતાં મકાનોનું વેચાણ વધ્યું છે. બૈજલે જણાવ્યું હતું કે તહેવારોની આગામી સીઝનમાં નવા પ્રોજેક્ટના લોન્ચિંગ સહિતનાં પરિબળોને કારણે રિયલ એસ્ટેટમાં આ તેજી યથાવત્ રહેવાની સંભાવના છે.

50 લાખથી ઓછી કિંમતનાં મકાનોનું વેચાણ
બીજી તરફ, 50 લાખથી ઓછી કિંમતનાં મકાનોનું વેચાણ 2020માં 45 ટકા વધ્યું હતું, જેની સામે 2021માં એ ઘટીને 43 ટકા થયું છે, જેનું મુખ્ય કારણ કોરોનાને કારણે નીચલા મધ્યમવર્ગની આવકને થયેલી નકારાત્મક અસર માનવામાં આવે છે. રિપોર્ટ મુજબ 50 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયાનાં મકાનોના વેચાણમાં 35 ટકાનો વધારો થયો છે, જેનું મુખ્ય કારણ વધુ સુવિધા તથા વધુ સ્પેસની ગ્રાહકોની જરૂરિયાત છે.