અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાન્યુઆરીથી માર્ચ 2022 દરમિયાન હાઉસિંગ સ્કીમોમાં 12 ટકા સુધી ભાવવધારો થયો છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ભાવમાં 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ક્રેડાઈ-કોલિયર્સ ઈન્ડિયા-લિયોસેસ ફોરૉસે તાજેતરમાં જાહેર કરેલા હાઉસિંગ-પ્રાઇઝ ટ્રેકર રિપોર્ટ મુજબ અમદાવાદમાં 2021ના જાન્યુઆરી-માર્ચના સમયગાળા સામે આ વર્ષે સમાન સમયગાળામાં ભાવવધારો 8.3 ટકા (YoY) નોંધાયો છે.
શહેરમાં 1 BHKમાં સૌથી વધુ 7% ભાવવધારો થયો છે. એટલે કે નાનું ઘર વસાવનારા લોકોને હવે વધુ નાણાં ખર્ચવા પડશે. નોંધનીય છે કે, ઓક્ટોબર-ડિસેમ્બર 2021ના ગાળામાં વેચાયા વગરના હાઉસિંગ યુનિટ 69736 હતા જે 2022ના પહેલા ત્રિમાસિક ગાળામાં 6% વધીને 73769 યુનિટ થઈ ગયા છે. રિપોર્ટમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે ઝોન-4 એટલે કે શહેરના પૂર્વ વિસ્તારમાં વેચાયા વગરના ઘરોની સંખ્યામાં એક વર્ષમાં 24 ટકાનો વધારો થયો છે.
ઝોન | વિસ્તાર | ચોરસ ફૂટના ભાવ | તફાવત |
સિટી સેન્ટ્રલ પશ્ચિમ | આંબાવાડી, બોડકદેવ, વસ્ત્રાપુર, મેમનગર, પાલડી | 6000-7000 | 0.11 |
દક્ષિણ પશ્ચિમ સબર્બ | બોપલ, આંબલી, પ્રહલાદનગર, સાઉથ બોપલ, સેટેલાઇટ, વેજલપુર | 7000-7500 | -6% |
ગાંધીનગર સબર્બ | ગાંધીનગર, સાબરમતી, મોટેરા, ચાંદખેડા | 5500-5750 | 0.02 |
પૂર્વ સબર્બ | બાપુનગર, મણિનગર, ઈસનપુર, નરોડા, વસ્ત્રાલ | 4000-4500 | 0.12 |
ઉત્તર-પશ્ચિમ સબર્બ | ઘાટલોડિયા, ગોતા, સાયન્સ સિટી, થલતેજ, ભાડજ | 7000-7500 | -4% |
હાઉસિંગ પ્રાઇઝ ઇન્ડેક્સમાં શહેર ત્રીજા ક્રમે
અમદાવાદનો હાઉસિંગ પ્રાઇઝ ઇન્ડેક્સ વધીને 107એ પહોંચ્યો જે હૈદરાબાદ (128) અને દિલ્હી-એનસીઆર (115) બાદ ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે ચેન્નઈ 103 ઇન્ડેક્સ સાથે છે. પુણે અને બેંગલુરુ 102 ઇન્ડેક્સ સાથે પાંચમા ક્રમે છે. સાતમા ક્રમે કોલકાતા છે જેનો ઇન્ડેક્સ 101 છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનનો પ્રાઇઝ ઇન્ડેક્સ 96 નોંધાયો છે.
ભાડજ-વેજલપુરમાં મકાનો મોંઘાં થઈ શકે છે
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાયન્સ સિટી પાસે ભાડજમાં અને વેજલપુરમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે 1.4 લાખ ચોરસ મીટરનો વિસ્તાર ફાળવ્યો છે. આ જમીન ફાળવણીને કારણે ઝોન 2 અને 5માં આવનારા સમયમાં હાઉસિંગ કિંમતોમાં ઉછાળો આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
વેચાયા વગરના ઘર બાબતે અમદાવાદ દેશમાં પાંચમા ક્રમે
ક્રમ | શહેર | વેચાયા વગરના ઘર |
1 | મુંબઈ મેટ્રોપોલિટન રિજન | 2,91,266 |
2 | દિલ્હી-એનસીઆર | 1,58,563 |
3 | પુણે | 1,23,665 |
4 | ચેન્નઈ | 75,164 |
5 | અમદાવાદ | 73,769 |
6 | બેંગલુરુ | 70,927 |
7 | હૈદરાબાદ | 68,243 |
8 | કોલકાતા | 40,370 |
સૌથી વધુ 2.91 લાખ ઘર મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં વેચાયા નથી જ્યારે અમદાવાદમાં આ સંખ્યા 73,769 છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.