કોરોના સામે જંગ:અમદાવાદમાં તૈયાર થઈ રહેલી 900 બેડની કોવિડ હોસ્પિટલ માટે ગૃહ મંત્રાલય 25 ડોક્ટર્સ તથા 75 પેરામેડિક્સનો સ્ટાફ મોકલશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમદાવાદમાં ગુજરાત યુનિ.ના કન્વેન્શન હોલમાં કોરોનાના દર્દીઓ માટે 900 બેડની હોસ્પિટલ બની રહી છે
  • ગુજરાત સરકાર અને DRDOના સહયોગથી બે અઠવાડિયાંમાં હોસ્પિટલ કાર્યરત થઈ જશે
  • આ કોવિડ હોસ્પિટલમાં 150 વેન્ટિલેટર્સ અને 150 આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ હશે

કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારામાં સારી સારવાર આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સહયોગથી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની સંપૂર્ણ સુવિધાસજ્જ ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઊભી કરવાની અભૂતપૂર્વ પહેલ કરી છે. રાજ્ય સરકારની વિનંતી પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ 900 બેડની કોવિડ હોસ્પિટલમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસફોર્સીસમાંથી 25 ડોક્ટર્સ તથા 75 પેરામેડિક્સનો સ્ટાફ નિયુક્ત કરશે.

900 બેડની હોસ્પિટલમાં 150 વેન્ટિલેટર્સની સુવિધા હશે
અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 આઇ.સી.યુ. બેડ હશે, જ્યાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામેતમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેનાં હશે. જો જરૂર પડે તો વધુ 500 પથારી વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર.

CMએ હોસ્પિટલની વ્યવસ્થા વધારવા કેન્દ્ર પાસે માગી હતી મદદ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હોસ્પિટલના સંચાલન અને વહીવટ માટે ઉપયોગી સૂચનો કર્યા હતા. ગુજરાતમાં કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકાય એ માટે વ્યવસ્થાઓ વધારવામાં મદદરૂપ થવા ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ અભૂતપૂર્વ પહેલને સાકાર કરવામાં મદદ કરી છે. મુખ્ય મંત્રીએ આ માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

બે અઠવાડિયાંમાં હોસ્પિટલ ઊભી કરાશે
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયાંમાં આ હોસ્પિટલ ઊભી કરાશે, જેના સંચાલનની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માને સોંપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર ર્ડા. હિમાંશુ પંડયા અને ડીઆરડીઓના કર્નલ બી. ચૌબે ઉપરાંત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ આપશે.

GMDCમાં કોવિડ હોસ્પિટલ બનાવવા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલુ છે.
GMDCમાં કોવિડ હોસ્પિટલ બનાવવા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલુ છે.

તબીબો-પેરામેડિકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની પણ વ્યવસ્થા
900 બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટિકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઊભી કરાશે.