રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ-કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના છ દિવસ બાદ એની કબૂલાત કરી છે. આ મામલે અત્યારસુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. બીજી તરફ, યુવરાજસિંહે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે અસિત વોરાને દૂર કરો, નહીં તો ફરી રસ્તા પર આંદોલન થશે.
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે પરીક્ષા રદ થાય, જ્યાં સુધી આ મુદ્દે તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને તેમના પદથી દૂર કરવામાં આવે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે પેપર લીક કરનારા સૂત્રધારોને રાજકીય નેતાઓનું પીઠબળ છે. અમે અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. જો તેમને દૂર નહીં કરાય તો અમે આંદોલન કરીશું. આ કેસમાં સરકારે દાખલ કરેલી તમામ કલમો હળવી છે. આરોપીઓ સામે રાજદ્રોહની કલમો લગાવવી જોઈએ.
પેપરની નકલ 10થી 15 લાખ રૂપિયામાં વેચવાની હતી
પેપરલીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે, પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને તેને 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વિસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી. એમ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.
ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરવામાં આવ્યું
પોલીસ ફરિયાદ પ્રમાણે પ્રાંતજ તાલુકાના ઉંછા ગામના જયેશ પટેલે કોઈની મદદથી પેપરની નકલ મેળવી લીધી હતી. તેણે ઉંછા ગામના જસવંત પટેલ અને તેના પુત્ર દેવલ પટેલને પેપરની નકલ આપી હતી. દેવલ પટેલ પ્રાંતિજના પોગલું ગામે પોતાના સસરા મહેન્દ્ર પટેલના ઘરે પાંચ પરીક્ષાર્થીઓને લઈને ગયો હતો. આ પાંચ પરીક્ષાર્થીઓમાં એક ધૃવ બારોટ પણ હતો. આ પાંચેય પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરવા માટે બેસાડવામાં આવ્યાં હતાં. તેમના મોબાઈલ પણ સ્વીચઓફ કરાવી દેવાયા હતાં. બાદમાં તેમને અલગ અલગ વાહનોમાં બેસાડીને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચડાયા હતાં. પરીક્ષા પુરી થયા બાદ તેમને મોબાઈલ પરત કરાયા હતાં.
જયેશ પટેલે પેપરની એક નકલ દર્શન વ્યાસને આપી
જયેશ પટેલે પેપરની એક નકલ હિંમતનગરના દર્શન વ્યાસને આપી હતી. જેને દર્શને હિંમતનગરના કુલદિપ પટેલને આપી હતી. કુલદીપે પાંચ પરીક્ષાર્થીઓને તેના ઘરે બેસાડી પુસ્તકો આપીને પેપર સોલ્વ કરાવ્યાં હતાં. બાદમાં તેણે હિંમતનગરના સુરેશ પટેલ તથા અન્ય પરીક્ષાર્થીઓને ગાંધીનગરથી એક ગાડીમાં સતીશ પટેલના ઘરે મોકલી આપ્યા હતાં. આ સોલ્વ કરેલા પેપર તેણે પરીક્ષાર્થીઓને ગોખવા માટે આપ્યાં હતાં. બાદમાં સવારે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં.
10 આરોપીમાંથી 6 લોકોની ધરપકડ
તેમણે પત્રકારોને કહ્યું હતું કે આ કેસમાં અત્યારસુધીમાં 10માંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં મહેશ પટેલ (ન્યૂ રાણીપ), ચિંતન પટેલ(પ્રાંતિજ) કુલદીપ પટેલ (કાણિયોલ, હિંમતનગર) ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલ (હિંમતનગર)ની ધરપકડ કરાઈ છે. શંકાસ્પદ આરોપીઓને નાસી કે છટકી જવાની તક નથી અપાઈ. 24થી વધારે પોલીસની ટીમો કાર્યરત હતી. ગુનામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફીથી 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો. આ કાંડમાં મુખ્ય આરોપી તરીકે 10 વ્યક્તિ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પેપર લીકનો મામલો સામે આવ્યો હતો. મામલો સામે આવતાં જ તાત્કાલિક તપાસના આદેશ અપાયા હતા. પેપર લીકમાં સંડોવાયેલા શંકાસ્પદો છટકી ના જાય એ માટે પોલીસ અલર્ટ હતી.
પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું
ત્રણ દિવસ સુધી સતત તપાસ ચાલી. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પેપર લીક કરનારા લોકોને કડકમાં કડક સજા કરાશે, ગુનાના મૂળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે. પહેલાં ક્યારેય પગલાં ના લેવાયાં હોય તેવાં પગલાં આ કેસમાં લેવાશે. એવી કાર્યવાહી કરાશે કે ભવિષ્યમાં કોઈ ફરીવાર પેપર લીક કરવાની કોશિશ ના કરે. ગુનાગારો વિરુદ્ધ વધુમાં વધુ કલમો ઉમેરાશે. કેસના મૂળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં એના પર નિર્ણય લેવાશે. પેપર ફૂટ્યાના પહેલા દિવસે જ 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા, એક જ જિલ્લામાં ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયાં હતાં.
પેપર લીક થયાની ફરિયાદ હજી સુધી અમને મળી નથીઃ અસિત વોરા
ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બુધવારે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કહ્યું હતું કે હેડક્લાર્કની પરીક્ષા 88 હજાર ઉમેદવારે આપી હતી, પરંતુ પેપર લીક થયાની ફરિયાદ હજી સુધી અમને મળી નથી. બીજી તરફ, દિવ્યભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્વીકાર્યું હતું કે તેમણે સાબરકાંઠા પોલીસને ઈ-મેલ કરીને એપ્લિકેશન આપી દીધી છે. તેમણે મંડળ તરફથી સાબરકાંઠા પોલીસને આ મામલે તપાસ કરવાની વિનંતી કરી દીધાનું જણાવ્યું હતું.
યુવરાજસિંહ જાડેજાએ અસિત વોરાને પુરાવા સોંપ્યા હતા
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા, સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી એની ગોપનીયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.