નવાજૂનીના એંધાણ:અમિત શાહે સતત બીજા દિવસે બેઠકો યોજી, મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખ, ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમિત શાહે રૂપાણી અને પાટીલ સાથે સંગઠન અને સરકાર વચ્ચે સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરી
  • ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સતિશ પણ ગુજરાત દોડી આવ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવતા જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. મોદી વિના ગુજરાત ભાજપમાં રાજકીય મહામંથન શરૂ થઈ ચૂક્યું છે. અમિત શાહે 21 અને 22 જૂને એમ બે દિવસમાં કુલ 6 બેઠક યોજી છે.

21 જૂને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે મુલાકાતો કરતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. ત્યાર બાદ અમિત શાહ સતત બીજા દિવસે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. ભાજપના ચાણક્ય શાહે મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે બેઠક યોજી હતી.

ત્યાર બાદ અમિત શાહ અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ અનિલ મુકિમ, કે.કૈલાસનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ, સી.આર. પાટીલ અને અમદાવાદના ધારાસભ્યો તથા મંત્રી સાથે અલગ-અલગ ત્રણ બેઠક યોજી હતી.

કમલમમાં વી.સતિશની પ્રદેશ નેતાઓ સાથે બેઠકનો દોર
અમિત શાહે આજે બપોરે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સંગઠન અને સરકાર વચ્ચે સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી બાજુ દિલ્હીથી આવેલા ભાજપના રાષ્ટ્રીય નેતા વી.સતિશે પણ સવારથી કમલમ ખાતે પ્રદેશના નેતાઓ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને સ્થાનિક નેતાઓ, આગેવાનો વચ્ચે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી બેઠકોથી ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

વી.સતિશની મુલાકાતના અનેક સંકેત
ભાજપના પૂર્વ સંગઠન પ્રભારી અને હાલ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પણ ગુજરાતની મુલાકાતે છે. હાલ વી.સતિશ પાસે ગુજરાતની કોઈ જવાબદારી ન હોવા છતાં તેમની આ મુલાકાત અનેક સંકેતો આપી રહી છે. એક તરફ ઉત્તર પ્રદેશના રાજકારણમાં પણ હલચલ ચાલી રહી છે ત્યારે યુપીને છોડીને તેઓ ગુજરાત દોડી આવ્યા છે. આ પહેલા જ્યારે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા ત્યારે પણ તેઓ સતત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન રૂપાણી સરકાર બનાવવા સુધી તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
આ પણ વાંચોઃ અમિત શાહની CM અને DY.CM સાથે એક કલાક બંધ બારણે બેઠક, રાજકીય તર્ક-વિતર્ક શરૂ

પાટીલ, ધારાસભ્યો અને મંત્રીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક
પાટીલ અને રૂપાણી સાથે બેઠક કર્યા બાદ અમિત શાહ અમદાવાદ ખાતેના સર્કિટ હાઉસમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ પ્રદેશ પ્રમુખ પાટીલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ધારાસભ્યો ભૂપેન્દ્ર પટેલ(ઘાટલોડિયા), અરવિંદ પટેલ(સાબરમતી), કિશોર ચૌહાણ(વેજલપુર), હર્ષ સંઘવી(સુરત, મજૂરા), AMCના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ સાથે બેઠક કરી હતી.

ચાર મુખ્ય અધિકારીઓ સાથે વિવિધ પ્રોજેક્ટ્સ પર ચર્ચા
અમિત શાહ ચાર મુખ્ય અધિકારીઓ એવા કૈલાસનાથન, અનિલ મુકિમ, પંકજ કુમાર અને ડો. રાજીવકુમાર ગુપ્તા સાથે સાયન્સ સિટી, ગાંધી આશ્રમ અને ગાંધીનગરના રેલવે સ્ટેશન હોટેલ પ્રોજેક્ટની અંગે અલગથી સમીક્ષા કરી હતી.

વહીવટી તંત્રની કામગીરી અંગે ઉચ્ચ અધિકારીઓને સૂચનો કર્યા
તેમજ કોરોનાની બીજી લહેર સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાથી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. જેને કારણે સરકારની છબિ પણ ખરડાઈ છે. આ મામલે મંત્રીઓએ ફરિયાદ કરતા અમિત શાહ ઉચ્ચ અધિકારીઓ સાથે એક અલગ બેઠક કરી હતી . આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, સચિવ(સાયન્સ એન્ડ ટેકનોલોજી) વિજય નેહરા, અધિક મુખ્ય સચિવ(ગૃહ) પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ(ઉદ્યોગ) ડો.રાજીવ ગુપ્તા અને અગ્ર સચિવ અંજુ શર્મા(શ્રમ-રોજગાર) સામેલ થયા હતા.

શાહે 21મીએ રૂપાણી-નીતિન પટેલ સાથે એક કલાક બેઠક યોજી
21મી જૂને અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના કાફલા સાથે પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી સાથે બંધ બારણે એક કલાક સુધી બેઠક કરી હતી. આ સાથે જ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ હતી. તેમજ આ બેઠકને લઈ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા થવા લાગી છે.

‘આપ’ અને પાટીદાર ફેક્ટર મામલે નીતિન પટેલ સાથે બેઠક
આ દરમિયાન અમિત શાહે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પણ બેઠક કરી હોવાની વાતથી ભાજપમાં ચર્ચાઓ તેજ બની ગઈ હતી. ખાસ કરીને અને હાલમાં ‘આપ’ના આગમન તથા પાટીદાર ફેક્ટરના મામલે અમિત શાહ અને નીતિન પટેલ વચ્ચની ચર્ચા બહુ મહત્વની પુરવાર થઈ શકે છે.

સોમવારની રાજ્યપાલ સાથેની બેઠક સૂચક
આ ઉપરાંત અમિત શાહની ગુજરાતના રાજ્યપાલ સાથેની સૌજન્ય મુલાકાતને રાજકીય વર્તુળોમાં ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. આ મુલાકાત બાદ આગામી દિવસોમાં ગુજરાત સરકારમાં તથા રાજકીય ક્ષેત્રે મહત્વના ફેરફાર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી...!