સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી:સિંધુભવન રોડ પાસેના બંગલાઓમાં દારૂની હોમ ડિલિવરીનું રેકેટ પકડાયું, 1ની ધરપકડ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુટલેગર રિક્ષાચાલકના સ્વાંગમાં રિક્ષા પાર્ક કરી દારૂ સપ્લાય કરતો હતો

પોશ વિસ્તારોના બંગલામાં રિક્ષામાં દારૂની હોમ ડિલિવરીના રેકેટનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કરી વિદેશી દારૂની 25 બોટલ સાથે એક યુવકને ઝડપી લીધો છે, જ્યારે અન્ય બે વોન્ટેડ છે. સિંધુભવન રોડ પર રિક્ષાચાલકના સ્વાંગમાં રિક્ષા પાર્ક કરી આસપાસના બંગલામાં દારૂની બોટલ સપ્લાય કરાતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે સિંધુભવન રોડ પર વોચ ગોઠવી શંકાસ્પદ જણાયેલી રિક્ષાના ડ્રાઇવરને રોક્યો હતો. તેની પૂછપરછ કરતાં તે કેવલ પરમાર (સુદર્શન સોસાયટી, પ્રેરણાતીર્થ રોડ, જોધપુર) હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે રિક્ષા તપાસતાં તેમાંથી દારૂની 25 બોટલ મળી હતી. પોલીસે દારૂ, રોકડ અને બે વાહન મળી કુલ એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પૂછપરછમાં કેવલે જણાવ્યું હતું કે, તે સિંધુભવન અને આસપાસના વિસ્તારોના માલેતુજારોને ડિમાન્ડ પ્રમાણે દારૂની ડિલિવરી કરતો હતો. કોઈને શંકા ન જાય તે માટે રિક્ષામાં દારૂ લાવી રિક્ષા પાર્ક કરી બંગલામાં દારૂ પહોંચાડતો હતો. દારૂ સપ્લાયના આ રેકેટમાં અંકિત પરમાર, બલદેવ મકવાણા (શિલજ, ઔડા હાઉસિંગ) પણ સામેલ હોવાનંુ બહાર આવતાં સ્ટેટ મોનિટરિંગ સેલે આરોપીને વસ્ત્રાપુર પોલીસને સોંપતાં પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

ઝાંક GIDCના ગોડાઉનમાંથી 4498 બોટલ પકડાઈ
વહેલાલની ઝાંક જીઆઈડીસીના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી વિદેશી દારૂની 4498 બોટલ સાથે શાંતિલાલ મીણા, સુરેશ કલાસવા, સોમા મીણાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય સાત વોન્ટેડ છે. ગોડાઉનમાં દારૂ રાખી સ્થાનિક બુટલેગરોને સપ્લાય કરાતો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...