ગુજરાતભરમાં હોલિકા દહન:ભારે વરસાદ શરૂ થતા હોલિકા દહનમાં વિઘ્ન, તો કેટલીક જગ્યાએ ચાલુ વરસાદમાં લોકો હોળી પ્રગટાવાઈ

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં હોલિકા દહનના સમયે જ ભારે વરસાદ શરૂ થતા અનેક જગ્યાએ હોલિકા દહનના કાર્યક્રમમાં વિઘ્ન ઉભું થયું હતું. રાજ્યમાં અનેક જગ્યાએ હોલિકા દહનની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. તે દરમિયાન જ અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો. જો કે, થોડી મિનિટોમાં વરસાદે વિરામ લેતા લોકોએ હોલિકા દહનની તૈયારીઓ ફરી શરૂ કરી હતી. આ વચ્ચે તો કેટલીક જગ્યાએ તો લોકોએ ચાલુ વરસાદમાં હોળી પ્રગટાવી અને ત્યારબાદ ભીંજાતા ભીંજાતા હોલિકાની પ્રદક્ષિણા ફર્યા હતા.

હોલિકા દહન પહેલા જ વાતાવરણમાં પલટો
ગુજરાતમાં હોલિકા દહનને લઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો દ્વારા સંપૂર્ણ વિધિ સાથે હોલિકા દહનની તૈયારીઓ કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જો કે, હોલિકા દહનના એક કલાક પહેલા જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો.

હોલિકા દહન માટેની તૈયારી પર પાણી ફરી ગયું
અનેક જગ્યાએ ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને રોડ પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. લોકોએ રસ્તા પર લાઇટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હતું. જ્યારે ટુ-વ્હીલર ચાલકોએ તો રોડની સાઇડમાં ઉભા રહી જવું પડ્યું હતું. આ ઉપરાંત ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ તો હોલિકા દહનની સાધન સામગ્રી વેરવિખેર થઈ ગઈ હતી. જેના કારણે કેટલીક જગ્યાએ તો હોલિકા દહન માટેની તૈયારી પર પાણી ફરી ગયું હતું.

ચાલુ વરસાદમાં લોકોએ હોળી પ્રગટાવી
અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યા પર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયા હતા. તે દરમિયાન વરસાદના છાંટા પડતા લોકો વરસાદમાં ભીંજાયા હતા. જો કે, હોળી પ્રગટાવતા જ વરસાદ શરૂ થતા લોકોએ ચાલુ વરસાદમાં ભીંજાતા ભીંજાતા હોલિકાની પ્રદક્ષિણા સાથે પૂજા અર્ચના કરી હતી.

પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ન્યુ રાણીપ, ગોતા, જગતપુર, ચાંદખેડા, મોટેરા, વૈષ્ણોદેવી સર્કલ, એસપી રિંગ રોડ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે પશ્ચિમ વિસ્તારના જોધપુર, સેટેલાઈટ ચાર રસ્તા વગેરે વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

રાજકોટમાં વરસાદી છાંટા વચ્ચે હોળી પ્રગટાવાઇ
રાજકોટ શહેરમાં પંચનાથ મંદિર ખાતે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, અચાનક વરસાદ શરૂ થયો હતો. જેના કારણે વરસાદી છાંટા વચ્ચે હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળીમાં વરસાદી વિઘ્ન જોવા મળ્યું હતું. વરસાદના કારણે હોલિકા દહનના દર્શન કરવામાં લોકોની પંખી હાજરી જોવા મળી હતી. અનેક વિસ્તારમાં વરસાદ અને વીજળી ગુલ થતા હોલિકા દહન કાર્યક્રમમાં વિઘ્ન આવ્યું હતું.

પૂજામાં લોકોએ અલગ અલગ નૈવિધ્ય ચડાવ્યા
સુરતમાં હોલિકા દહનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભૂદેવની હાજરીમાં વિધિવત રીતે હોલિકા દહન કરવામાં આવી હતી. દર વર્ષે સુરતના અલગ અલગ વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકોએ વિધિવત રીતે હોલિકા દહન દરમિયાન પૂજા કરી હતી. હિન્દુ શાસ્ત્રમાં હોલિકા દહન વખતની પૂજાનું એક અલગ જ મહત્વ આલેખવામાં આવ્યો છે. હોળીકા દહન સમયે લોકો પરંપરાગત રીતે જે ધાન્ય હોય છે તે ચડાવતા હોય છે. ખાસ કરીને એવી પરંપરા છે કે ખેતરમાં જે નવું અનાજ થતું હોય છે તે હલિકા માતાને ચઢાવવામાં આવે છે. ધાણી, ખજૂર સહિતની વસ્તુઓ પણ સવિશેષ રીતે લોકો પ્રસાદી સ્વરૂપે ચડાવતા હોય છે.

ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજે હોળી પ્રગટાવવાના સમય પહેલા જ અલગ અલગ શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા હોળીના આયોજનના રંગમાં ભંગ પડ્યો હતો. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા અષાઢ મહિના જેવો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...