નમસ્કાર,
આજે રવિવાર છે, તારીખ 17 એપ્રિલ, ચૈત્ર વદ-એકમ.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે હિટવેવની આગાહી
2) મોરેસિયસના પ્રધાનમંત્રી આજથી 8 દિવસના ભારત પ્રવાસે
3) જામનગરમાં આજે રાજપૂત સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) બેઠકનું રાજ‘કારણ’ કે સમાજ: કોંગ્રેસના નારાજ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ખોડલધામ નરેશ સાથે બંધબારણે 3 કલાકની મેરેથોન બેઠક, નવાજૂનીના એંધાણ
હાર્દિક પટેલની કથિત નારાજગી વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે. એક તરફ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે, એવામાં કોંગ્રેસથી કથિત રીતે નારાજ ચાલતા હાર્દિક પટેલે તેમની સાથે બેઠક યોજી છે. રાજકોટમાં આજે 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધબારણે મેરેથોન બેઠક યોજાઈ હતી. રાજકીય વર્તૂળોમાં આ બેઠકને નવાજૂના એંધાણના રૂપમાં જોવામાં આવી રહી છે. એટલું જ નહીં, બંને પાટીદાર નેતાઓની બેઠકને લઈ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
2) સરકાર સામે ભાજપના MLA: ડભોઈના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં સરકાર અન્યાય કરે છે, ભાજપના જ ધારાસભ્ય શૈલેષ મહેતાનો સણસણતો આક્ષેપ
ડભોઈ તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે એમાં જણાવ્યું છે કે ખેડૂતોને વહેલી તકે પાણી આપવામાં નહીં આવે તો ઉનાળુ પાક ખાક થઈ જશે. તેમણે સરકાર ખેડૂતો સાથે અન્યાય કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. કાળઝાળ ગરમી દિવસે દિવસે નવા રેકોર્ડ બ્રેક કરી રહી છે. શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા તો છે જ, પરંતુ ગામડાંમાં પણ પાણીની સમસ્યા ઘેરી બની રહી છે. સરકારની રૂપાળા નામવાળી વિવિધ યોજનાઓ શોભાના ગાઠિયા જેવી પુરવાર થઈ રહી છે.
3) અમદાવાદમાં વિદ્યાર્થિનીનું રેગિંગ:2 વિદ્યાર્થી નેતા સહિત 4 સામે રેગિંગની GLS કોલેજની વિદ્યાર્થિનીની અરજી, ABVPએ કહ્યું- વ્યક્તિગત મામલો
અમદાવાદની GLS કોલેજમાં આજે ફરી અગાઉના વિવાદિત ABVPના નેતાઓ દ્વારા જ એક વિદ્યાર્થિનીને હેરાન પરેશાન કરીને રેગિંગ કરવામાં આવી રહ્યું છે. જે મામલે વિદ્યાર્થિનીએ GLS યુનિવર્સિટીમાં અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓ વિરુદ્ધ અરજી કરી છે. ત્યારે ABVP દ્વારા કહેવામાં આવ્યું છે કે સમગ્ર મામલો વ્યક્તિગત છે. ઉલ્લેખનીય છે કે, GLS કોલેજમાં 2021ના અંતે 23મી ડિસેમ્બરે ABVPના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હતું.
4) સોનિયા ગાંધીના ઘરે ઇમર્જન્સી બેઠક યોજાઈ, PKએ કોંગ્રેસને સત્તામાં પરત ફરવા રોડમેપ રજૂ કર્યો, પક્ષ સાથે જોડાવા અંગે એક સપ્તાહ બાદ નિર્ણય કરશે
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે તેમના સરકારી નિવાસ 10 જનપથ ખાતે પાર્ટી નેતાઓ સાથે એક ઈમર્જન્સી બેઠક યોજી હતી. આશરે 4 કલાક ચાલેલી આ બેઠકમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (PK)એ પણ ભાગ લીધો હતો. PKએ કોંગ્રેસને દેશભરમાં મજબૂત કરવા માટે એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ વ્યૂહરચનાના અમલીકરણ માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.
5) ઉત્તર પ્રદેશમાં એક જ પરિવારના 5 લોકોનાં મોત,મહિલા અને ત્રણ દીકરીની ધારદાર હથિયારથી ગળું કાપી ક્રૂર હત્યા, ફાંસીએ લટકેલો મળ્યો પતિનો મૃતદેહ
પ્રયાગરાજમાં શનિવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરી દેવામાં આવી છે. આ ક્રૂર ઘટના ઉત્તરપ્રદેશના ખાગલપુર ગામની છે. પત્ની અને 3 દીકરીને ધારદાર હથિયારથી મોતને ઘાટ ઉતારવામાં આવી અને પતિનો મૃતદેહ બાથરૂમમાં ફાંસીના ફંદા પર લટકેલો મળ્યો. પતિના શરીર પર હથિયારથી ઈજા પહોંચી હોય એવાં કોઈ નિશાન નથી, પરંતુ હાથ અને કપડાં પર લોહીના છાંટા મળ્યા છે.
6) બિહારમાં RJD, મહારાષ્ટ્ર, છત્તિસગઢમાં કોંગ્રેસ અને બંગાળમાં TMCએ જીત મેળવી; ભાજપને કોઈ સફળતા મળી નહીં
દેશની એક લોકસભા બેઠક અને ચાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. બંગાળની આસનસોલ લોકસભા બેઠક ઉપરથી TMCના શત્રુઘ્ન સિંહા, જ્યારે બાલીગંજ વિધાનસભા બેઠક પરથી TMCના જ બાબુલ સુપ્રિયોએ મોટી જીત હાંસલ કરી છે. બીજી બાજુ બિહારના બોચહાં વિધાનસભા બેઠક પર RJDના અમર પાસવાન વિજયી થયા છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર નોર્થ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવે ભાજપના સત્યજીત કદમને આશરે 19,000 મતથી હાર આપી હતી. છત્તીસગઢના ખૈરાગઢ વિધાનસભા બેઠક પરથી પણ કોંગ્રેસના યશોદા વર્મા 20,167 મતથી જીત મેળવી છે. ભાજપને આ પેટાચૂંટણીમાં કોઈ સ્થળે જીત મળી નથી.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ગુજરાતમાં કોંગ્રેસ વધુ એક માળખું તૈયાર કરશે,182 સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી,10 પ્રવક્તા અને આમંત્રિત સભ્યો હશે
2) અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટીએ કહ્યું વિવાદનો ઝડપથી અંત લાવીશું, પ્રસાદ વિતરણ ફરીવાર ચાલુ કરાશે
3) રશિયાની અમેરિકાને ચેતવણી- યુક્રેનને શસ્ત્રો આપવાનું બંધ કરો; અમેરિકાએ કહ્યું- અમને કોઈ રોકી નહીં શકે
4) પાકિસ્તાનની પંજાબ વિધાનસભામાં હોબાળો, PTI અને PML-N પાર્ટીના ધારાસભ્યો વચ્ચે મારપીટ, ડેપ્યૂટી સ્પીકરના વાળ ખેંચી લાફા મારવામાં આવ્યા
5) MIએ માર્યો હારનો છગ્ગો:લખનઉએ 18 રનથી મુંબઈને હરાવ્યું, હિટમેનની ટીમ સિઝનની સતત છઠ્ઠી મેચ હારી ગઈ; આવેશે 3 વિકેટ લીધી
6) 'KGF 2'નો સપાટો:'રૉકીભાઈ'ની ધૂમથી બોક્સ ઓફિસ ગુંજી ઉઠ્યું, માત્ર 2 દિવસમાં હિંદી વર્ઝને 100 કરોડની કમાણી કરી
આજનો ઈતિહાસ
વર્ષ 1975માં આજના દિવસે ભારતના બીજા રાષ્ટ્રપતિ એસ.રાધાકૃષ્ણનનું અવસાન થયું હતું.
અને આજનો સુવિચાર
સૂર્ય અને ચંદ્રની વચ્ચે કોઈ તુલના નથી, જ્યારે જેનો સમય આવે છે તે ચમકે છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.