હિટ એન્ડ રન:સનાથલ બ્રિજ પર હિટ એન્ડ રન, ટ્રકે બે મિત્રને ઉડાવ્યા, એકનું મોત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શેઠનું પાર્સલ લઈ બંને મોડી રાતે બાઇક પર ચાંગોદર જતા હતા
  • SG હાઈવે-02 ટ્રાફિક પોલીસમાં ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ

સોમવારે મોડી રાતે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં શેઠનું પાર્સલ આપવા ચાંગોદર જઈ રહેલા 2 કર્મચારીના બાઈકને સનાથલ ઓવરબ્રિજ પર ટ્રક ચાલકે અડફેટે લીધા હતા, જેમાં પાછળની બાજુએ બેઠેલા યુવકનું મોત નીપજ્યું હતું.

બોપલમાં રહેતો કિશન જોશી (ઉં.23) અને ઘુમામાં રહેતો તેનો મિત્ર અર્પિત પટેલ દરિયાપુર બારડોલપુરા બંસીધર એસ્ટેટમાં આવેલી એમ્બિશન બ્લોક નામની કંપનીમાં નોકરી કરે છે. કિશન અને અર્પિત રોજ એક જ બાઈક પર નોકરી જતા હતા. નિત્યક્રમ અનુસાર સોમવારે સવારે બંને મિત્રો નોકરી પર ગયા હતા અને નોકરીનો સમય પૂરો થતા તેમના શેઠ દેવાંગભાઈએ કિશન અને અર્પિતને એક પાર્સલ ચાંગોદરની પુનિત ડેટા કંપનીમાં આપી દેવા જણાવ્યું હતું.

આથી કિશન અને અર્પિત બાઇક લઈને ચાંગોદર જઈ રહ્યા હતા. રાતે 11.30 વાગ્યે બંને મિત્રો સનાથલ ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કિશન બાઈક ચલાવતો હતો અને અર્પિત પાછળ બેઠો હતો. આ દરમિયાન પાછળથી એક ટ્રક પૂરઝડપે આવી હતી અને બાઈકને ટક્કર મારી હતી, જેથી બંને મિત્રો રોડ પર પટકાયા હતા. તેમાંથી અર્પિત પર ટ્રકનું વ્હીલ ફરી વળતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કિશનને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં કિશને નાસી છૂટેલા ટ્રકચાલક વિરુદ્ધ એસજી હાઈવે-02 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...